તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Friday, 5th September 2025
નાગરિક બેંકની વાર્ષિક સામાન્ય સભામાં ભારે ચર્ચાઃ ૬૮ કરોડની લોન માફી પર સત્તાધીશો મૌનઃ નાગરિક બેંક બચાવો સંઘ

રાજકોટ, તા.૪: રાજકોટ નાગરિક સહકારી બેંકની તાજેતરમાં યોજાયેલી વાર્ષિક સાધારણ સભામાં એક મહત્ત્વના મુદ્દા પર ભારે હોબાળો થયો. સભામાં જ્યારે ૬૮ કરોડ રૂપિયાની લોન માંડવાળ (રાઇટ-ઓફ) કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, ત્યારે પ્રતિનિધિઓએ તેની વિગતો માંગી. જોકે, બેંકના અધિકારીઓ આ અંગે સ્પષ્ટતા આપવામાં અસમર્થ રહ્યા, જેને કારણે વાતાવરણ તંગ બન્યું હતું તેમ નાગરિક બેંક બચાવો સંઘ જણાવે છે.
વધુમાં નાગરિક બેંક બચાવો સંઘની યાદી જણાવે છે કે લોન માંડવાળના પ્રસ્તાવ પર પ્રતિનિધિઓએ સવાલ ઉઠાવ્યો કે, જ્યારે નાના અને મધ્યમ વર્ગના ગ્રાહકોને લોન માફી કે રાહત આપવામાં આવતી નથી, ત્યારે આટલી મોટી રકમની લોન કોની માફ કરવામાં આવી છે? તેમણે વિનંતી કરી કે, પ્રસ્તાવને મંજૂર કરતા પહેલા તમામ સંબંધિત ખાતાઓની વિગતો આપવામાં આવે.
આ માંગણી પર બેંકના સત્તાધીશોએ ગોળ ગોળ જવાબો આપ્યા, જેનાથી પ્રતિનિધિઓમાં અસંતોષ વધ્યો. તેમ છતાં, અંતે આ પ્રસ્તાવ બહુમતીથી પસાર થયો. બેંકના ઇતિહાસમાં આ પ્રકારનો પ્રશ્ન પહેલીવાર ઊભો થયો હોવાનું મનાય છે, કારણ કે અત્યાર સુધી મોટાભાગના ઠરાવો સર્વાનુમતે પસાર થતા આવ્યા છે.
નાગરિક બેંક બચાવો સંઘના અગ્રણીઓએ બેંકના આ વલણને બિનજવાબદાર ગણાવ્યું. તેમણે આરોપ મૂક્યો કે આ માફીમાં આર્થિક ગેરરીતિઓ છુપાયેલી હોવાની ગંધ આવે છે. સંઘના દાવા મુજબ, આ ૬૮ કરોડની રકમમાં એક કંપનીની લોનનો પણ સમાવેશ થાય છે. આ લોન ૨૫ કરોડ રૂપિયાની હતી, જે વ્યાજ સહિત ૪૦ કરોડથી વધુ થઈ ગઈ હતી અને તેને માંડવાળ કરી દેવામાં આવી.
સંઘે એમ પણ જણાવ્યું કે, મલ્ટી સ્ટેટ સોસાયટી એક્ટ મુજબ, આવા મહત્ત્વપૂર્ણ નિર્ણયોની વિગતો સામાન્ય સભામાં રજૂ કરવી ફરજિયાત છે. વિગતો વગરના પ્રસ્તાવને કોરા કાગળ પર સહી કરાવવા સમાન ગણાવીને સંઘે આ ઠરાવને રદ્દ કરવા માટે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
નાના ગ્રાહકો સાથે ભેદભાવ? સંઘે બેંક પર નાના અને મધ્યમ લોનધારકો સાથે ભેદભાવ કરવાનો પણ આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યું કે, નાની લોન ધરાવતા ગ્રાહકોના એક-બે હપ્તા બાકી રહેતા જ તેમને માનસિક ત્રાસ આપવામાં આવે છે, જ્યારે મોટી લોનો સરળતાથી માફ કરી દેવામાં આવે છે. આ પ્રકારના ભેદભાવથી ગ્રાહકોનો બેંક પરનો વિશ્વાસ ડગી રહ્યો છે.
આ સભા બાદ હવે બેંકના અધિકારીઓ અને ડિરેક્ટરોની ચિંતન શિબિર દ્વારકામાં યોજાવાની છે, જ્યાં બેંકના ભવિષ્ય અને પારદર્શિતા અંગે ચર્ચા થશે. સંઘે આશા વ્યક્ત કરી છે કે, આ શિબિરમાં બેંકના લાખો ગ્રાહકોના હિતમાં યોગ્ય અને પારદર્શક નિર્ણયો લેવામાં આવશે. આ મુદ્દો રાજકોટ અને આસપાસના વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે તેમ પણ નાગરિક બેંક બચાવો સંઘ' નું માનવું છે.
(2:51 PM IST)










