News of Saturday, 6th September 2025
રાજકોટના સવિતાબેન, બાબરા દેવળીયાના શાંતુબેનના હૃદય ધબકારા ચુકી જવાથી મૃત્યુ
રૈયાના પ્રીતિબેનનું બેભાન હાલતમાં મૃત્યુઃ પરિવારોમાં શોક

રાજકોટ તા. ૬: હાર્ટએટેકથી બે મહિલાના મૃત્યુ થયા છે. જ્યારે એક મહિલાનું બેભાન હાલતમાં મૃત્યુ નિપજતાં પરિવારોમાં શોક છવાઇ ગયો હતો. આજીડેમ ચોકડી પાસે ભવાની કોમ્પલેક્ષમાં રહેતાં સવિતાબેન રજનીકાંતભાઇ વિઠ્ઠલાણી (ઉ.વ.૪૦) નામના મહિલા રાતે એકાદ વાગ્યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ, પ્રકાશભાઇ સહિતે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર સવિતાબેનના પતિ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં એક દિકરી છે. સવિતાબેનને હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું.બીજા બનાવમાં બાબરાના દેવળીયા ગામે રહેતાં શાંતાબેન શંભુભાઇ સોરઠીયા (ઉ.વ.૫૭)ને સાંજે છાતીમાં દુઃખાવો ઉપડતાં સ્થાનીક હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તેમને હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. મૃતકને સંતાનમા એક દિકરો અને એક દિકરી છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બાબરા પોલીસને જાણ કરી હતી.
બીજા બનાવમાં રૈયા ગામ ૫૦ વારીયામાં રહેતાં પ્રીતિબેન અજયભાઇ સોલંકી (ઉ.વ.૪૭) સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. પ્રીતિબેનને બિમારી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ઼ હતું.
(12:44 PM IST)










