News of Saturday, 6th September 2025
રાજકોટ કેળવણી મંડળની કોલેજના પ્રિ.ડો.અર્જુનસિંહ રાણાએ ફાયર એનઓસી સંદર્ભે સોગંદનામુ રજુ કરી ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડયું
ઉચ્ચ શિક્ષણ કમિશ્નરે જુદી જુદી કોલેજને ફટકારેલી નોટીસ સંદર્ભે દિવસ-૮ માં કાર્યવાહી પુરી કરવા બોન્ડ ઉપર બાંહેધરી આપી

રાજકોટ, તા., ૬ : તાજેતરમાં રાજયના ઉચ્ચ શિક્ષણ કમિશ્રરશ્રીની કચેરી દ્વારા ફાયર એનઓસી બાકી હોય તેવી અમદાવાદ મહુવા, માલવણ, લુણાવાડા, ગોંડલ, રાજકોટ, માંડવી અને ઘોઘંબાની ૯ કોલેજોના પ્રિન્સીપાલોને તેમના પગાર ઇજાફા શા માટે ન અટકાવવા તેવી શોકોઝ નોટીસ પાઠવી હતી. આ નોટીસ સંદર્ભે રાજકોટ કેળવણી મંડળ સંચાલીત શ્રી સદગુરૂ રણછોડદાસબાપુ મહિલા આર્ટસ-કોમર્સ એન્ડ હોમસાયન્સ કોલેજના પ્રિન્સીપાલ ડો. અર્જુનસિંહ રાણાએ દિવસ-૮ માં કાર્યવાહી પુરી કરી ફાયર એનઓસી રજુ કરવા બોન્ડ ઉપર સોગંદનામુ રજુ કરી પોતાની કોલેજ પરત્વેની જવાબદારીનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરૂ પાડયું છે.
તેમણે ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીને સંબોધી પાઠવેલા પત્રમાં ફાયર એનઓસી સર્ટીફીકેટ રજુ કરવાની સમય મર્યાદા વધારી આપવા વિનંતી કરવા સાથે ઉપરોકત કોલેજમાં ફાયર સેફટી ઉપકરણો, સાધનોનું ફિટીંગ કાર્ય ચાલુ હોવાનું જણાવી રૂપીયા ૧૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર બોન્ડ લખી આપી બાંહેધરી આપી છે. તેમણે વિનંતી કરી છે કે, શિક્ષણ વિભાગ દ્વારા કોલેજના આચાર્યશ્રીને નામજોગ ફાળવેલ નોટીસને રદ કરવામાં આવે. અમારી આ સંસ્થામાં ૩ર વર્ષથી પ્રાદ્યાપક તરીકે તથા પ્રિન્સીપાલ તરીકેની કારકીર્દીને ધ્યાને રાખી આ નોટીસ રદ કરવી જોઇએ. અમે દિવસ-૧૦ માં કોલેજ બિલ્ડીંગોમાં ફાયર સેફટી ઉપકરણો લગાવવાની કામગીરી પુર્ણ કરાવી મ્યુનિસીપલ કોર્પોરેશનમાંથી ફાયર સેફટી કલીયરન્સ મેળવી રજુ કરીશું તેવું સોગંદનામુ રજુ કરી પોતાના ટ્રસ્ટ અને કોલેજ પ્રત્યેની જવાબદારીઓનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરૂ પાડયું છે જેની સરાહના થઇ રહી છે.
(2:42 PM IST)










