<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

એક માસમાં ગૂમ થયેલા ૨૧ મોબાઇલ, ફ્રોડમાં ગયેલા ૬ાા લાખ ગાંધીગ્રામ પોલીસે અરજદારોને પરત અપાવ્‍યા

ક્રેડીટ ટ્રાન્‍જેક્‍શન મેસેજ કરીને, આરટીઓના ઇ-ચલણ, આમંત્રણની એપીકે ફાઇલ, ટાસ્‍કથી કમાણીના નામે, ફેસબૂક પર લોનની જાહેરાત આપીને લોકોને છેતરી લેવાયા હતાં : ‘તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ પીઆઇ એસ.આર. મેઘાણી, પીએસઆઇ ડી. જે. જોષી, એએસઆઇ સલિમભાઇ મકરાણી, હરેશભાઇ, રાવતભાઇ, શૈલેષભાઇની કામગીરી

રાજકોટઃ ગાંધીગ્રામ પોલીસને ગત જુલાઇ મહિનામાં મોબાઇલ ફોન ખોવાઇ ગયા, ચોરાઇ ગયાની ૨૧ જેટલી અરજી ફરિયાદ મળી હતી. આ તમામ ફોન પોલીસે સીઇઆઇઆર પોર્ટલની મદદથી શોધી કાઢયા હતાં. તેમજ અલગ અલગ રીતે ફ્રોડમાં લોકોએ રૂા. ૬,૫૪,૩૮૨ ગુમાવ્‍યા હતાં. આ રકમ રીકવર કરી ભોગ બનનારને પરત આપવામાં આવી છે. ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન ખાતે ‘તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત આ કામગીરી થઇ હતી.   પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી  મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ,  પએસીપી રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ પીઆઇ એસ.આર. મેઘાણીની ઉપસ્‍થિતીમાં ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન ખાતે તેરા તુજકો કાર્યક્રમ યોજાયો હતો. પીએસઆઇ ડી.જે. જોષી, એએસઆઈ એસ.બી. મકરાણી, હેડકોન્‍સ. હરેશભાઇ ગોહિલ, કોન્‍સ.રાવતભાઇ મકવાણા, શૈલેષભાઇ ડાભી સહિતે આ કામગીરી પીઆઇના માર્ગદર્શનમાં કરી હતી. ગાંધીગ્રામ પોલીસે જે લોકોને ફ્રોડની રકમ પરત અપાવી તે લોકોને ગઠીયાઓએ ખોટા ક્રેડીટ ટ્રાન્‍જેક્‍શન મેસેજ કરી ભુલથી અમારા પૈસા તમારા ખાતામાં આવી ગયા છે કહી છેતર્યા હતાં. જ્‍યારે એક અરજદારને ટેલીગ્રામ પર ટાસ્‍ક પુરા કરી કમાણીની લાલચ આપીને, એકને આરટીઓનું ઇ-ચલણ અને આમંત્રણ પત્રિકાની એપીકે ફાઇલ મોકલી મોબાઇલ હેક કરીને તથા ગૂગલ સર્ચ એન્‍જીનમાં નંબર શોધવા જતાં તેમજ ફેસબૂક પર લોનની જાહેરાત મુકીને છેતરી લેવાયા હતાં. લોકો આવા ફ્રોડ સામે જાગૃત બને તે જરૂરી છે. પોલીસે અનુરોધ કર્યો છે કે સાયબર ફ્રોડથી ઓનલાઇન ફ્રોડનો ભોગ બનો ત્‍યારે તુરત જ સાયબર હેલ્‍પલાઇન નંબર-૧૯૩૦નો તુરંત સંપર્ક કરવો. અજાણી લિંક કે એપીકે ફાઇલ ખોલવી નહિ.

(2:43 PM IST)