<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

આજી-૧ ડેમ ઓવરફલો થવામાં ૦.૪૦ ફુટ છેટુઃ કુલ સપાટી ર૮.૬૦ ફુટ

રાજકોટની જીવાદોરી સમાન ડેમ ગમે ત્‍યારે છલકાશેઃ ર૧મી વાર બનશે ઘટના : તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું: ઓવરફલો નિહાળવા લોકો ઉમટયાઃ સેલ્‍ફી ઉપર પ્રતિબંધ

રાજકોટ તા. ૦૬: રાજકોટના શહેરીજનો માટે  મોટી રાહતના સમાચાર છે. શહેરના જીવાદોરી સમાન આજી-૧ ડેમ આજે ૨૯ ફુટની નિર્ધારીત સપાટીથી ૯૭ ટકા ભરાતા ૨૧મી વખત ઓવરફલો  થવામાં હવે ૦.૪૦ ફુટનું છેટું છે ત્‍યારે  શહેરીજનોમાં હરખની હેલી જોવા મળી રહી છે. છલોછલ આહ્‍લાદક નજારો જોવા લોકો ઉમટી રહ્યા છે.

રાજકોટનો આજી-૧ ડેમ ઓવરફ્‌લોની તૈયારી હોય એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે. ૨૯ ફૂટની ઉંડાઇના આજી-૧ ડેમમાં  નવા નીરની આવક થતા આજે બપોર સુધીમાં  ડેમની સપાટી ૨૮.૬૦ ફૂટે પહોંચી છે. હવે ઓવરફ્‌લોમાં ફક્‍ત ૦.૪૦ ફૂટનું છેટું રહ્યું છે. ડેમ ૯૭ ટકા સુધી ભરાયો છે.

આજી ડેમમાં ઠલવાયેલી વિશાળ જળરાશિ નિહાળવા શહેરીજનો ઉમટી રહ્યા છે.ઓવરફલોની તૈયારી હોય હેઠવાસના વિસ્‍તારો માટે એલર્ટ જાહેર કરાયું છે તેમજ  તકેદારીના ભાગરૂપે ડેમ સાઇટ ઉપર જ્‍યાં આગળ ઓવરફ્‌લો નિહાળવા લોકો ઉમટતા હોય છે તે ડાઉન સ્‍ટ્રીમ એરિયા બંધ કરાયો છે અને ત્‍યાં આગળના દરવાજે તાળા લગાવી દેવાયા છે. વિવિધ જરૂરી સુચનાઓ સાથેના નવા સાઇન બોર્ડ મુકાયા છે તેમજ ડેમ સાઇટે સેલ્‍ફી લેવા ઉપર પ્રતિબંધ જારી રખાયો છે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રમાં  પડેલા વરસાદ અને સૌની યોજના મારફત નર્મદાનું પાણી ઠાલવવાને કારણે શહેરને પાણી પૂરૂં પાડતા  ડેમ છલોછલ ભરાઈ ગયા છે. આજી-૧ ડેમની સપાટી   ૨૮.૬૦ ફુટે પહોંચતા આ ડેમ છલકાવામાં ૦.૪૦ ફુટનું છેટુ છે.

આજી-૧ ડેમની ક્ષમતા ૯૧૭ એમસીએફટી જેટલી છે અને ૧૯૫૪માં બન્‍યા બાદ અત્‍યાર સુધીમાં ૨૦ વખત ઓવરફલો થયો છે. ભાદરની ક્ષમતા ૬૬૪૦ એમસીએફટી છે અને ૧૯૬૪માં તે બન્‍યો હતો,૨૬ વખત તેમજ ૧૦૮૪ એમસીએફટીની ક્ષમતા ધરાવતો ન્‍યારી-૧ ડેમ ૨૫ વાર ઓવરફલો થયો છે.

ન્‍યુ રાજકોટના વિસ્‍તારોને પુરૂં પાડતા અને શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલ ન્‍યારી-૧ ડેમની  ૨૨ ફુટે સપાટી પહોંચી છે. આ ડેમ ૨૫ ફૂટે ઓવરફલો થાય છે. આ ડેમમાં ૯ મહિના સુધીનું પાણી છે.

જ્‍યારે સૌરાષ્‍ટ્રના જીવાદોરી સમા ભાદર ડેમમાં ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીનું પાણી છે. આ ડેમ ૩૪ ફૂટે ઓવરફલો થાય છે. આ જળાશયમાંથી રાજકોટના ગોંડલ રોડ, ઢેબર રોડ વિસ્‍તારોમાં પાણી વિતરણ થાય છે. (૭.૩૧)

આજી-૧ ડેમ કયા કયા વર્ષે છલકાયા

ક્રમ    વર્ષ

૧      ૧૯૭૬

૨      ૧૯૭૭

૩      ૧૯૭૮

૪      ૧૯૭૯

૫      ૧૯૮૦

૬      ૧૯૮૩

૭      ૧૯૮૮

૮      ૨૦૦૩

૯      ૨૦૦૭

૧૦     ૨૦૦૮

ક્રમ    વર્ષ

૧૧     ૨૦૧૦

૧૨     ૨૦૧૧

૧૩     ૨૦૧૩

૧૪     ૨૦૧૭

૧૫    ૨૦૧૯

૧૬     ૨૦૨૦

૧૭     ૨૦૨૧

૧૮     ૨૦૨૨

૧૯     ૨૦૨૩

૨૦    ૨૦૨૪

 

(2:55 PM IST)