News of Saturday, 6th September 2025
અવધના ઢાળ પાસે નવી બિલ્ડીંગની સાઇટ પર ખાડામાં પટકાતાં સિક્યુરીટી ગાર્ડ લાલજીભાઇ લાડાણીનું મૃત્યુ
વૃધ્ધ નાઇટ ડયુટી પર હતાં, સવારે ખાડામાં બેભાન જેવા મળતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પણ દમ તોડી દીધોઃ મવડી વિસ્તારમાં રહેતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૬: કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસ નવા બની રહેલા બિલ્ડીંગની સાઇટ પર સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં વૃધ્ધનું બિલ્ડીંગ સાઇટ પર માલસામાનની હેરફેર માટેની લિફટ-ક્રેઇન માટે બનાવવામાં આવેલા ખાડામાં પડી જતાં મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ મવડી દોઢસો રીંગ રોડ પર આસ્થા રેસીડેન્સી પાછળ સ્થાપત્ય એપાર્ટમેન્ટમાં રહેતાં લાલજીભાઇ મહીદાસભાઇ લાડાણી (ઉ.વ.૭૦) નામના વૃધ્ધ કાલાવડ રોડ અવધના ઢાળ પાસે મોન્ટો કાર્લો નામની બિલ્ડીંગની સાઇટ પર કામ ચાલી રહ્યું હોઇ ત્યાં નાઇટ ડયુટીમાં સિક્યુરીટી ગાર્ડની નોકરી પર હતાં.
સવારે કોઇ કર્મચારીએ સાઇટ પર ક્રેઇન માટે બનાવાયેલા ખાડામાં લાલજીભાઇને પડેલા જોતાં તેમના દિકરા તેમજ બીજા સ્ટાફને જાણ કરી ૧૦૮ બોલાવી તુરત જ બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં.
પરંતુ અહિ લાલજીભાઇએ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એએસઆઇએ હોસ્પિટલે અને ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં બે દિકરા છે. પોતે પાંચ બહેન અને ત્રણ ભાઇમાં બીજા હતાં.
(4:53 PM IST)










