<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

ઓગષ્‍ટમાં નવા ૩૧૮ વાંચનપ્રેમીઓ મનપાની લાઇબ્રેરીઓ સાથે જોડાયા

ગત મહિને ૩૯,૯૦૭ નાગરિકોએ વાંચનાલયનો લાભ લીધો રાત્રી વાંચનાલયમાં એક મહિનામાં ૩,૧૯૯ વિધાર્થી ભાઈઓ તથા બહેનો જોડાયા

રાજકોટ, તા.૬: મહાનગરપાલિકા સંચાલિત શ્રી પ્રભાદેવી.જે. નારાયણ પુસ્‍તકાલય, શ્રી દત્તોપંત ઠેંગડી પુસ્‍તકાલય, શ્રી બાબુભાઈ વૈધ લાયબ્રેરી ડો. બાબા સાહેબ આંબેડકર ભવન લાઈબ્રેરી, બહેનો અને બાળકો માટેની મોબાઈલ લાઈબ્રેરી  યુનિટ ૧ તથા ૨, મહિલા એકટીવિટી સેન્‍ટર, મહિલા વાચનાલય, ચાણકય લાઈબ્રેરી, ઈસ્‍ટ ઝોન પેડક રોડમાં ઓગસ્‍ટ માસ દરમ્‍યાન કુલ  ૩૯,૯૦૭ મુલાકાતીઓએ લાભ લીધેલ હતો.

આ એક માસ દરમ્‍યાન ૩૧૮ નવા સભ્‍યો લાઈબ્રેરી સાથે જોડાયા હતા. સભ્‍યોની માંગણી અને નવ પ્રકાશિત વિવિધ વિષયોનાં પુસ્‍તકો, બાળ સાહિત્‍ય, ગુજરાતી સાહિત્‍ય, નવલકથા, નવલિકાની સાથે સાથે  વિદ્યાર્થીઓ માટે  વિવિધ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાલક્ષી પુસ્‍તકો મળી કુલ ૮૭૫ પુસ્‍તકો, તથા બાળકો માટે વિવિધ પ્રકારના ૧૨૫ જેવા રમકડા, પઝલ્‍સ, ગેઈમ્‍સ વગેરે ઈશ્‍યુમાં મુકવામાં આવેલા છે.

વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી વાંચનાલયનો સમય રાત્રે ૧૧ વાગ્‍યા સુધીનો કરવામાં આવેલ છે. જેનો છેલ્લા એક મહિનામાં કુલ ૩,૧૯૯ વિદ્યાર્થી  ભાઈઓ તથા બહેનોએ લાભ લીધેલ છે. ઓગષ્ટ માસ દરમ્‍યાન ૯૨૦ પુસ્‍તકો અને  મેગેઝીનની વાંચકો માટે ખરીદી કરવામાં આવેલ.

આ સુવિધાઓનો શહેરીજનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા પ્રયત્‍ન રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઈબ્રેરીઓ દ્વારા  કરવામાં આવી રહ્યા છે જેનો શહેરના નાગરિકો લાભ મેળવે તેવી અપીલ કરવામાં આવે છે

(4:49 PM IST)