<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

હેલ્‍મેટ સત્‍યાગ્રહ સમીતીમાં એક જ દિવસમાં ૭૦ વકીલો જોડાયાઃ એક હજાર વકીલોની ટીમ બનાવાશેઃ લોકો માટે લડી લેવા નિર્ધાર

પોલીસ મેમો આપે તો દંડ ભરતા નહિ : વકીલો ટોકન ચાર્જથી કેસ લડીને તંત્રને ભીડવશે

રાજકોટ, તા., ૬: ફરજીયાત હેલ્‍મેટના વિરોધમાં રચાયેલ હેલ્‍મેટ સત્‍યાગ્રહ સમીતીની લીગલ ટીમમાં એક જ દિવસમાં ૬૦ વકીલો જોડાયા છે. અને મળતી માહીતી મુજબ આગામી દિવસોમાં ૧૦૦૦ જેટલા વકીલો આ લડત સમીતીમાં જોડાશે તેમ યુવા એડવોકેટ હર્ષિલ શાહે જણાવ્‍યું છે.

આ લીગલ સમિતિએ જણાવેલ છે કે જો કોઇપણ નાગરીકને પોલીસ મેમો આપી દંડ કરશે તો જેટલા પણ કેસો થશે માત્ર ટોકન  ચાર્જથી આવા લોકોના કેસો લીગલ ટીમ લડી આપશે આ ટોકન ચાર્જ નિઃશુલ્‍ક જેવો જ રખાયો છે. તંત્ર લોકોને એક મેમો આપે છે તેની પાછળ ૧૦ થી ૧પ હજારનો ખર્ચ કરે છે ત્‍યારે માત્ર પ૦૦ ની ટોકન દરથી લીગલ સમિતિ ગમે તેટલા કેસો લોકો ઉપર થશે તે પણ કોર્ટના ધક્કાઓ નાગરીકોને ન થાય તેમજ વારંવાર અહી કરવા લોકોને આવવું ન પડે તેવી કાર્યવાહી સમિતિ દ્વારા હાથ ધરાશે અને આ પણ વોટસએપના માધ્‍યમથી સુવિધા અપાશે તેમ હર્ષિલ શાહે જણાવ્‍યું છે.

સામાન્‍ય નાગરિકોને પોલીસ તંત્રની કે સરકારની ડરવાની જરૂર નથી હેલ્‍મેટ સત્‍યગૃહ સમિતિ સાથે વધુમાં વધુ લોકો જોડાયા અને હેલ્‍મેટનો વિરોધ કરે તે જરૂર છે. આ સમિતિની સોમવારે રાત્રે ૧૦ થી ૧ર દરમિયાન ત્રિકોણ બાગ ખાતે મીટીંગ પણ રાખવામાં આવી છે. જે લોકોને સહભાગી થવા જણાવાયું છે.

(5:07 PM IST)