તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 7th September 2025
રાજકોટ જિલ્લામાં જળસંકટ! : ડોંડી, આજી-૩ અને વેણુ-૨ ડેમના દરવાજા ખોલાયા : ભાદર ડેમ પણ છલકાવાની તૈયારીમાં : અનેક ગામોને એલર્ટ!
પડધરી, લોધિકા, ઉપલેટા, ગોંડલ, ધોરાજી, જામકંડોરણા અને જેતપુર તાલુકાના ૨૫થી વધુ ગામોને નદીના પટથી દૂર રહેવા અને સલામત સ્થળે ખસી જવા સૂચના

રાજકોટ : રાજકોટ જિલ્લામાં થઈ રહેલા સાર્વત્રિક ભારે વરસાદના કારણે અનેક ડેમોમાં પાણીની આવક સતત વધી રહી છે. પરિણામે, જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલા ડોંડી, આજી-૩ અને વેણુ-૨ ડેમ ઓવરફ્લો થતા તંત્ર દ્વારા તેના દરવાજા ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત, ભાદર ડેમ પણ ૭૦ ટકા જેટલો ભરાઈ જતા તેના પણ દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નદીના પટમાં આવતા અનેક ગામોના લોકોને એલર્ટ કરીને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે.
વિવિધ ડેમ અને અસરગ્રસ્ત ગામોની વિગતો
* ડોંડી ડેમ: રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા પાસે આવેલો ડોંડી ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. રૂલ લેવલ જાળવવા માટે તેનો એક દરવાજો ૦.૩ મીટર ખોલવામાં આવ્યો છે. આ કારણે લોધિકા તાલુકાના પાંભર ઇટાળા ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા ચેતવણી આપવામાં આવી છે. આ સાથે નાના ઇટાળા, લક્ષ્મી ઇટાળા અને હિડાદડ સહિતના અસરગ્રસ્ત ગામોના લોકોને પણ સલામત સ્થળે ખસી જવા માટે સૂચિત કરવામાં આવ્યા છે.
* આજી-૩ ડેમ: પડધરી તાલુકાના આજી-૩ ડેમમાં પાણીની આવક સતત વધી રહી હોવાથી આજે સવારે ૬:૩૦ કલાકે અગાઉ ખોલાયેલા બે દરવાજા ઉપરાંત વધુ એક દરવાજો ખોલીને કુલ ત્રણ દરવાજા ૦.૩ મીટર સુધી ખોલવામાં આવ્યા છે. આ ડેમનું હાલનું લેવલ ૫૩.૧૫ મીટર છે. આ સંજોગોમાં રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખજુરડી ગામ અને જામનગરના જોડિયા તાલુકાના બોડકા ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, ખજુરી, થોરીયાળી, ખીજડી- મોટા ટંકારા, ખાખરા-જામનગર જોડિયા, બોડકા, જસાપર, જિરાગઢ, મેઘપર, પીઠડ, રસનાલ, ટીમ્બડી, ધ્રોલ, મોડપર, ધરમપુર, સાગડિયા, સાધાધુના અને ડેડકદડ સહિતના ગામોના ગ્રામજનોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.
* વેણુ-૨ ડેમ: ઉપલેટા તાલુકા પાસે આવેલો વેણુ-૨ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. રૂલ લેવલ જાળવવા માટે તેના ત્રણ દરવાજા ૦.૬ મીટર ખોલવામાં આવ્યા છે. પરિણામે, ઉપલેટાના ગધેથડ ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે. ગધેથડ ઉપરાંત વનજાંગ જાળિયા, મેખા-ટિમ્બડી, નાગવદર અને નિલાખા સહિતના અન્ય અસરગ્રસ્ત ગામોના લોકોને પણ સલામત સ્થળે ખસી જવાની ચેતવણી અપાઈ છે.
* ભાદર ડેમ: ગોંડલ તાલુકા પાસે આવેલો ભાદર ડેમ ૭૦ ટકા ભરાઈ ચૂક્યો છે અને તેમાં પાણીની આવક ચાલુ છે. જો ડેમની સપાટીનું રૂલ લેવલ જાળવવા માટે દરવાજા ખોલવામાં આવે તો ગોંડલ, ધોરાજી, જામકંડોરણા અને જેતપુર તાલુકાના અનેક ગામોને અસર થઈ શકે છે. ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા ધોરાજીના ભૂખી, ઉમરકોટ, વેગડી, ભંડારીયા, ખંભાલીડા, મસીતાલા, નવાગામ, નિલાખા- જામકંડોરણા, ઈશ્વરીયા, તરવડા અને જેતપુર તાલુકાના જેતપુર, દેરડી કેરાલી, ખીરસરા, લુણાગરી, લુણાગરા, મોણપર, પાંચપીપળા, નવાગઢ, રબારીકા, સરધારપુર, વડાસાડા સહિતના ગ્રામજનોને નીચાણવાળા વિસ્તારમાં નદીના પટની આસપાસ ન જવા અને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે.
(1:50 PM IST)










