તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 8th September 2025
વિરોધ વચ્ચે હેલ્મેટની ડ્રાઇવઃ ૩ કલાકમાં ૨૫૭૧ને દંડઃ વાહન ચાલકોએ કહ્યું-ફાંસીએ ચડાવી દ્દયો!
અગાઉથી નક્કી કર્યા મુજબ જ સવારથી શહેરભરના ૪૦ પોઇન્ટ પર પોલીસના ધાડા ઉતરી પડયાઃ સ્થળ પર ૫૦૦નો રોકડ દંડ, ઇ-ચલણ ઇશ્યુ કરાયાઃ લોકોએ જુદા જુદા બહાના આપ્યાઃ એક વાહનચાલકે રોષ પુર્વક કહ્યું-વરસાદમાં કોણ હેલ્મેટ પહેરે, ખાડાઓમાં લોકોની પીચોટી ખસી જાય છે, રોડ રસ્તા તો જુઓઃ હેલ્મેટ પહેર્યુ હોય તો'ય માણસો મરે છે તો ફાયદો શું? ખાડાવાળા રસ્તા સુધારતાં નથી ને હેલ્મેટ પહેરાવવા બધા મંડી પડયા છેઃ અમુકે કહ્યું-ઘડીકવાર માટે નીકળ્યા એમાં શું હેલ્મેટ પહેરવું : પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજા, એસીપી ટ્રાફિક વી. જી. પટેલની રાહબરીમાં સમગ્ર ટીમોએ ડ્રાઇવની કામગીરી કરી

ફરજીયાત હેલ્મેટ પહેરવવા પોલીસ મેદાનેઃ રાજકોટ શહેરમાં આજથી ટુવ્હીલર ચાલકો અને પાછળ બેઠેલા એમ બંનેને ફરજીયાત હેલ્મેટ પહેરવાના કાયદાનો અમલ કરાવવાનું શહેર પોલીસે શરૂ કર્યુ છે. શહેરના મુખ્ય ૪૦ પોઇન્ટ પર સવારથી હેલ્મેટ ડ્રાઇવ ચાલુ વરસાદે યોજાઇ હતી. જો કે ઠેકઠેકાણે ટુવ્હીલરચાલકોના વિરોધ વચ્ચે આ ઝુંબેશ યથાવત રહી હતી. પોલીસે હેલ્મેટ વગર નીકળેલા લોકોને ૫૦૦-૫૦૦ના દંડ ફટકાર્યા હતાં તો અનેક ઠેકાણે ટુવ્હીલરચાલકો કે જેણે હેલ્મેટ નહોતા પહેર્યા તેણે રોષ ઠાલવ્યો હતો અને પોલીસ સાથે ચડભડ કરી હતી. મોટા ભાગનાએ શહેરી વિસ્તારમાં આ કાયદો જરૂરી નથી તેવો સુર દાખવ્યો હતો. એક વાહનચાલક તો એવા ઉકળી ગયા હતાં કે તેમણે આના કરતાં અમને ભડાકે દઇ દો, ફાંસીએ લટકાવી દો, પાકિસ્તાન મોકલી દો એવા શબ્દો કાઢયા હતાં. જો કે પોલીસે નિયમ અનુસાર બધાને દંડ ફટકાર્યા હતાં. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે તેવુ જાણવા મળ્યું છે ત્યારે હવે વાહનચાલકો આગળ શું કરશે તે જોવુ રહ્યું. (ફોટોઃ અભીજીત બગથરીયા) (૧૪.૯)
રાજકોટ તા. ૮: આજથી શહેરાં ફરજીયાત હેલ્મેટના કાયદાનો અમલ શરૂ કરાવવામાં આવ્યો છે. પોલીસે અગાઉથી જ કરેલી જાહેરાત મુજબ જ શહેરભરમાં શહેર પોલીસની ટીમો માર્ગો પર ઉતરી પડી હતી અને હેલ્મેટ ઝુંબેશનો કડક અમલ શરૂ કરાવ્યો હતો. જે પણ ટુવ્હીલરચાલકો હેલ્મેટ વગર નીકળ્યા હતાં તેને અટકાવીને ૫૦૦-૫૦૦નો દંડ ફટકારવાનું ચાલુ કરાયું હતું. નક્કી થયેલા ૪૦ પોઇન્ટ પર સવારે નવ વાગ્યાથી આ ઝુંબેશની શરૂઆત થઇ હતી. ત્રણ કલાકમાં ૨૫૭૧ વાહન ચાલકોને ૧૨ લાખથી વધુનો દંડ ફટકારી દેવાયો હતો. અગાઉથી જ પોલીસે ફરજીયાત હેલ્મેટ પહેરવા જણાવી દીધુ હોઇ મોટા ભાગના ટુવ્હીલર ચાલકો હેલ્મેટ પહેરીને નીકળતાં જોવા મળ્યા હતાં. જો કે આ વચ્ચે ઠેકઠેકાણે આ અમલવારીનો ટુવ્હીલરચાલકોએ ભારે વિરોધ કર્યો છે અને ઠેકઠેકાણે પોલીસ સાથે રકઝક-ઘર્ષણ શરૂ થયું છે. કેટલાક વાહનચાલકોએ તો રોષભેર કહ્યું હતું કે-આના કરતાં અમને ભડાકે દઇ દ્યો, પાકિસ્તાન મોકલી દ્દયો, અમારે હેલ્મેટ નથી પહેરવું!
પછી તરફ શહેર વિસ્તારમાં ફરજીયાત હેલ્મેટના કાયદાનો સંસ્થાઓ, વકિલો, વાહનચાલકો વિરોધ પણ કરી રહ્યા છે. તો બીજી તરફ મોટા ભાગના વાહનચાલકોએ માંગણી કરી છે કે હાઇવે પર હેલ્મેટ ઠીક છે, શહેરી વિસ્તારમાં આ અમલવારી મોકુફ રાખવા સરકાર યોગ્ય રસ્તો કાઢે તેવી અમારી માંગણી છે.
ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર આજે સોમવારે સવારે નવ વાગ્યાથી શહેરના અલગ અલગ ૪૦ પોઇન્ટ પર હેલ્મેટની ડ્રાઇવ યોજવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ તેમજ સ્થાનીક પોલીસ એટલે કે પોલીસ સ્ટેશનોની ટીમો આ હેલ્મેટ ઝુંબેશમાં સામેલ થઇ છે. દરેક પોલીસ સ્ટેશનના ચારથી પાંચ પોઇન્ટને આ ઝુંબેશમાં આવરી લેવામાં આવ્યા હતાં. પોલીસ કમિશનર કચેરીના ગેઇટ પાસે પણ હેલ્મેટ ડ્રાઇવ યોજાઇ હતી અને પોલીસ કમિશનર કચેરી ખાતે જે કર્મચારીઓ હેલ્મેટ વગર આવે તેની સામે પણ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જે વાહનચાલક હેલ્મેટ વગર પકડાય તેને રૂા. ૫૦૦નો હાજર દંડ ફટકારવામાં આવે છે. તેમજ ઇ-ચલણ પણ ઇશ્યુ કરવામાં આવે છે જે ૯૦ દિવસમાં ભરી શકાય છે. શહેરના ૪૦ પોઇન્ટ પર ડ્રાઇવ યોજાઇ હતી તેમાં રેલનગર આસ્થા ચોક, જામટાવર ચોક, ઇન્દિરા સર્કલ, શિતલ પાર્ક ચોકડી, માધાપર ચોકડી, બજરંગવાડી ચોક, હનુમાન મઢી ચોક, રૈયા ચોકડી, આકાશવાણી ચોક, આલાપ ચોક, રામાપીર ચોકડી, જે. કે. ચોક, મુંજકા ચોકડી, એ. જી. ચોક, સ્પીડવેલ પાર્ટી ચોક, મટુકી ચોક, બાપા સિતારામ ચોક, પાર્ક એવન્યુ બિલ્ડીંગ ચોક, મવડી ચોકડી, પી. ડી. માલવીયા ફાટક ચોક, ગરૂડ ગરબી ચોક, કિસાનપરા ચોક, લિમડા ચોક, ચોૈધરી હાઈસ્કૂલ ચોક, એસ્ટ્રોન ચોક, ભક્તિનગર સર્કલ, સોરઠીયા વાડી સર્કલ, અટીકા ફાટક, હુડકો પોલીસ ચોકી ચોક, અમુલ સર્કલ, ચુનારાવાડ ચોક, આજીડેમ ચોકડી, શિવ ભવાની ચોક, સ્વસ્તિક ચોકડી, ડીલક્સ ચોક, ગ્રીનલેન્ડ ચોકડી, કે.ડી. ચોક, ભગવતીપરા પૂલ નીચે, મોરબી રોડ જકાત નાકે, માલીયાસણ ચોકડી, કાગદડી પાટીયે, એરપોર્ટ ત્રણ રસ્તા, બામણબોર ચેક પોસ્ટ, ઉમાપાન બેટી ત્રણ રસ્તા, બહુમાળી ભવનના ગેઇટ સામે, પોલીસ કમિશનર કચેરી ગેઇટ અમુલ પાર્લર સામે, પોલીસ અધિક્ષકની કચેરી રૂલ એસીપી કચેરી અને પોલીસ હેડક્વાર્ટરના ગેઇટ ખાતે ડ્રાઇવ યોજાઇ હતી.
હેલ્મેટ ઝુંબેશ અંતર્ગત રોકડ દંડ તેમજ ઇ-ચલણ ઇશ્યુ કરવામાં આવ્યા હતાં. કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમના સીસીટીવી કેમેરાના આધારે પણ હેલ્મેટ નહીં પહેરનાર સામે ઈ-ચલણ ઈશ્યુ કરવાનું શરૂ થયું છે. આજે સ્પેશીયલ ડ્રાઇવ પછી આવતીકાલે અને બાકીના દિવસોમાં પણ આ ઝુંબેશ યથાવત રાખવામાં આવશે.
જો કે બીજી તરફ ઠેકઠેકાણે હેલ્મેટ વગર નીકળેલા અનેક વાહનચાલકોએ શહેરી વિસ્તારમાં હેલ્મેટના અમલને વખોડી કાઢી રોષ પુર્વક કહ્યું હતું કે ખાડાવાળા રસ્તાઓ પર પીચોટી ખસી જાય છે એ સરખા કરવાને બદલે સરકાર આવા કાયદા પ્રજા માથે થોપી બેસાડ છે, કેટલાકે કહ્યું આના કરતાં અમને ફાંસીએ ચડાવી દો, અમને ભડાકે દઇ દો, અમારે હેલ્મેટ નથી જ પહેરવું. વાહનચાલકોએ જુદા જુદા બહાના બતાવ્યા હતાં તો અનેકે વિરોધ કર્યો હતો. આ વચ્ચે પોલીસે ઝુંબેશ યથાવત રાખી દંડ ફટકાર્યા હતાં. (૧૪.૮)
સવારે ૯ થી ૧૨ સુધીમાં હેલ્મેટ નહિ પહેરનારા ૨૫૭૧ ટુવ્હીલર ચાલકોને ૧૨.૮૫ લાખનો દંડ ફટકારાયો
પોલીસ કમિશનર કચેરી, એસપી કચેરી, પોલીસ હેડક્વાર્ટર ખાતે ૪૦ને દંડ કરાયો
રાજકોટ તા. ૮: શહેરમાં આજથી હેલ્મેટ ઝુંબેશ હાથ ધરવામાં આવી હોઇ શહેરના ચાલીસ અલગ અલગ પોઇન્ટ પર ડ્રાઇવ યોજવામાં આવી હતી. સવારે ૯ થી ૧૨ સુધીમાં તમામ સ્થળોએ કુલ ૨૫૭૧ વાહનચાલકો કે જે હેલ્મેટ વગર નીકળ્યા હતાં તેને દંડ ફટકારાયો હતો. જેમાં ૬૪૮ વાહનચાલકોથી સ્થળ પર હાજર દંડ રોકડમાં રૂા. ૩,૨૪,૦૦૦ વસુલ કરાયો હતો. જ્યારે ૧૯૨૩ ટુવ્હીલરચાલકોને ઇ-ચલણથી રૂા. ૯,૨૧,૫૦૦નો દંડ અપાયો હતો. તેમ ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજા તથા એસીપી ટ્રાફિક વી. જી. પટેલે જણાવ્યું હતું. તેમજ આ વિશેષ ડ્રાઇવ દરમિયાન પોલીસ કમિશનર કચેરી ખાતે ર૩, પોલીસ હેડકવાર્ટર ખાતે ૧૯, એસ.પી. ઓફિસ ખાતે ૩ર અને બહુમાળી ભવન ખાતે ૪૦ વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(2:51 PM IST)










