<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

સાવચેતી માટેની આદત પાડવાની વાત છે, ઘણા વાહનચાલકોએ હેલ્‍મેટ પહેરવાનું ચાલુ કર્યુ તે સારી વાતઃ ડીસીપી હરપાલસિંહ જાડેજા : જુઓ વિડિયો

ઝુંબેશ એક દિવસની નથી, હાલ નથી ફાવતું તો સમય જતાં ફાવી જશેઃ પરિવારજનો પણ ઇચ્‍છે કે તમે ઘરેથી નીકળો પછી સહીસલામત પરત આવો

રાજકોટ તા. ૮: ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે હેલ્‍મેટનો કાયદો ૧૯૮૮થી અમલમાં છે, તેની અમલવારીમાં ક્‍યાંક કચાશ રહી હશે એ સાચુ. પણ દિવસેને દિવસે વાહનોની સંખ્‍યા વધી રહી છે અને એના કારણે અકસ્‍માતોની સંખ્‍યા પણ વધી છે. જેમાં ફેટલ અકસ્‍માતના બનાવો પણ વધ્‍યા છે. ત્‍યારે આપણી નાગરિક તરીકે, વાહનચાલક તરીકે આપણે જ ફરજ બજાવી તકેદારની તમામ પગલા લેવા જોઇએ. ટુવ્‍હીલરનો અકસ્‍માત થાય, વાહન સ્‍લીપ થાય ત્‍યારે ઘણીવાર હેડ ઇન્‍જરી થતી હોય છે, હેમરેજ થઇ જતું હોય છે. આવા કિસ્‍સામાં ઘણા વાહનચાલકોએ જીવ ગુમાવ્‍યા છે. આ કારણે વિવિધ સમયે નામદાર કોર્ટમાં જાહેર હિતની અરજીઓ જાગૃત નાગરિકોએ કરી છે કે હેલ્‍મેટના નિયમનું પાલન કરાવો. આ કારણે કોર્ટ સજાગ થઇ છે અને તંત્ર પણ સજાગ થયું છે. આથી જ તંત્રવાહકો, પોલીસ વાહનચાલકોને કાયદાનું પાલન કરવા સતત સજાગ કરી રહ્યા છે. આપણી સવારી સલામત બને અને આપણા પરિવાર માટે આપણે સહિસલામત પાછા ઘરે પહોંચીએ એ માટે આ અમલ જરૂરી છે. આપણે જોઇ રહ્યા છીએ કે રાજકોટમાં ઘણા વાહનચાલકોએ હેલ્‍મેટ પહેરવાનું શરૂ કરી દીધુ છે. આ માત્ર એક દિવસનો કાર્યક્રમ નથી. લોકોમાં અવરેનેસ આવશે તેમ લોકો નિયમોનું પાલન કરતાં થઇ જશે. સમય જતાં શહેરના તમામ નાગરિકો હેલ્‍મેટના કાયદાનું પાલન કરતાં થઇ જશે. કાયદો કહે છે કે આગળના રાઇડર અને પાછળ બેઠેલા કોઇપણ માટે હેલ્‍મેટ ફરજીયાત છે.  સાવચેતી માટેની આદત પાડવાની વાત છે. કોઇને એમ થાય કે હેલ્‍મેટ નથી ફાવતું તો એ થોડો સમય થશે. પછી ફાવી જશે. નાગરિક સમિતી પણ કેસ માટે પાંચસો રૂપિયા માંગે છે, તો જો વાહનચાલક હેલ્‍મેટ વગર નીકળે તો પોલીસને જ પાંચસોનો દંડ આપીને ત્‍યાં જ કેસનું સમાધાન કરી શકે છે. સમિતીને વિરોધ કરવાનો હક્ક છે.

(4:41 PM IST)