તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th September 2025
હેલ્મેટ પ્રશ્ને લોકોની વ્હારે કોંગ્રેસઃ ધરપકડ : જુઓ વિડિયો
માધાપર ચોકડીએ વિરોધ કરે તે પહેલા આગેવાનોની અટકાયતઃ પોલીસના ધાડેધાડા ઉતાર્યા : શેરીથી લઈ હાઈવે સુધી રોડ-રસ્તાઓ ઉપર ભ્રષ્ટાચારના મસમોટા ખાડાઓનો વિપક્ષનો આક્ષેપ

વિરોધનો સૂર... અટકાયતઃ હેલ્મેટની ફરજીયાત અમલવારીના વિરોધમાં આજે માધાપર ચોકડીએ કોંગ્રેસ પ્રદેશના આગેવાન અને પૂર્વ વિપક્ષ નેતા ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા અને પૂર્વ શહેર પ્રમુખ અતુલ રાજાણીની આગેવાનીમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે આગેવાનો પહોંચે તે પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી હતી.(તસ્વીરઃઅશોક બગથરીયા)(૪.૧૪)
રાજકોટ, તા., ૮ : શહેરમા વાહનચાલકોને હેલમેટ ફરજીયાતના કાયદાની અમલવારીનો કોંગ્રેસે વિરોધ કરે તે પહેલા જ આગેવાનોની અટકાયત કરી હતી. વિરોધ પક્ષે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, શેરીથી લઇ હાઇવે સુધી રોડ-રસ્તાઓ ઉપર ભ્રષ્ટાચારના મસમોટા ખાડાઓ પડેલા છે. ચોકે ચોકે પોલીસ પોઇન્ટો ગોઠવવામાં આવ્યા હતા. જો કે સવારનો વરસાદ બંધ ના થતા વાહનચાલકોનેને ભારે હાલાકી ભોગવવી પડી હતી. લોકો પોલીસને ચોકોમાં જોઈને શેરી ગલીઓના રસ્તા પકડ્યા હતા.
આજે કોંગ્રેસના ગાયત્રીબા વાઘેલા અને અતુલ રાજાણીની આગેવાનીમા માધાપર ચોકડીએ હેલ્મેટના કાળા કાયદાનો વિરોધ કરે તે પહેલા જ પોલીસે અલગ અલગ જગ્યાઓ પર કાર્યકરો ભેગા થાય ત્યાં જ અટકાયત કરી હતી. કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂત સહિતના વિદ્યાર્થીઓ એકઠા થતા હતા તે જગ્યાએથી પોલીસે અટકાયત કરતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું અને ૧૦ જેટલા વિદ્યાર્થીઓની અટકાયત પોલીસે કરતા માધાપર ચોકડી હેલમેટ વિરોધી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. અશોકસિંહ વાઘેલા અને અતુલ રાજાણી કાર્યક્રમ અંગેની ચર્ચાઓ કરતા સમયે જ પોલીસે અટકાયત કરતા મામલો ગરમાયો હતો.
અટકાયત સમયે કોંગી કાર્યકરોએ જણાવ્યું હતું કે, પહેલા રોડ રસ્તાઓની સ્થિતિ સુધારો,ભારે વાહનોને કારણે અકસ્માતમા લોકોના મોત થાય તો તે પ્રવેશબંધીનો અમલવારી કરાવો,પુરપાટ ઝડપે વાહનો હંકારતા લોકો પર કાર્યવાહી કરવાના બદલે સામાન્ય લોકો પર હેમ્લેટના નામે કનગડત કરી રહ્યા તે શરમજનક છે.કાયદાઓના અમલીકરણના નામે કરોડા રૂપિયાના દંડો વસુલી રહ્યા હોય તે કદાપિ કોંગ્રેસ પક્ષ ચલાવી નહીં લે. પોલીસે આજે અલગ અલગ પોઇન્ટો પર હેલ્મેટના કાયદાના અમલીકરણ માટે ૫૦૦ પોલીસકર્મીઓ મેદાને ઉતર્યા છે ત્યારે કોંગ્રેસના આગેવાનોએ કહ્યું હતું કે અમારી સાથે ૫૦૦ પોલીસકર્મીઓ આવે અમે દારૂના અને જુગારના અડ્ડાઓ, વ્યાજમાફીઓ-ભૂમાફિયાઓના ઘર બતાડીએ. માત્ર શાસકો લોકોને નિયમોના નામે હેરાનગત કરી રહી છે અને ગેરમાર્ગે દોરી રહી છે.
ચોમાસુ શરુ થયુ ત્યારે પહેલા જ સામાન્ય વરસાદ થી રાજકોટ શહેર અને શહેર મધ્ય માંથી પસાર થતા રોડ-રસ્તાઓ ઉપર શાસકોના આશિર્વાદ અને ભાગીદારીથી ભ્રષ્ટાચાર આચરી કરાયેલ કામોના કારણે મસમોટા ખાડાઓનુ સામ્રાજ્ય છે જેના કારણે રસ્તે પસાર થતા હજારો વાહન ચાલકો રોજે -રોજ અકસ્માતોનો ભોગ બને છે. કેટલાય નિર્દોષ નાગરીકોના હાડકાઓ ભાંગે છે તો કેટલાયના જીવ ગુમાવવાનો વારો આવે છે. જેના કારણે કેટલાય પરિવારો પોતાના લાડકવાયા ગુમાવે છે અને તંત્રના પાપે પરીવારોના માળા વિખેરાઈ છે. જેની રાજયની ભાજપ સરકાર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ,રૂડા કલેક્ટર સહીતના નિભંર તંત્રને લેશમાત્ર દરકાર નથી.
પરંતુ વિકાસની વાતો કરનાર શાસકોના મોઢે ભ્રષ્ટાચારે અલીગઢી તાળા લાગી ગયાના આક્ષેપો કરી રહયા છે. અધિકારીઓ જવાબદારી ની ફેંકા ફેંકી કરી રહ્યા છે અને ખરાબ રોડ-રસ્તાઓ ને લઈ હજુ સુધી કોઈ અધિકારીઓ સામે કે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામા આવતી નથી.
આ પ્રજાને પીડતા અને પ્રજાના જાનમાલનુ નુકસાન કરતા પ્રશ્નને સક્ષમ વિપક્ષ તરીકે લોકશાહી પધ્ધતિ એ શાંતિ પૂર્વક ધરણા નો કાર્યક્રમ રાખેલ અને પોલીસ કમિશ્રર શ્રી પાસે મંજૂરી પણ માંગવામા આવેલ પરંતુ ભાજપના ઈશારે પોલીસ કઠપુતળી બની બંધારણીય રીતે વિરોધ વ્યક્ત કરવાની મંજૂરી પણ આપી નથી. છતા પ્રજાના પ્રશ્ને કોંગ્રેસ લડાઈ લડી રહી છે અને તાત્કાલિક રોડ-રસ્તાઓનુ સમારકામ કરાવવા અને આ કામના જવાબદારો સામે ફરજ બેદરકારી બાબતે કાર્યવાહિ કરવા અને હેલ્મેટ કે ઈ મેમાઓ મોકલી પ્રજાના ખીસ્સા ખાલી કરતી સરકાર અને તંત્ર સામે મજબૂત લડાઈ આપશે તેમ અંતમાં જણાવાયું છે.
આજના વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પુર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, લીગલ સેલના પ્રમુખ અશોકસિંહ વાઘેલા, વિદ્યાર્થી નેતા રોહીત રાજપુત, જયેશ ઠાકોર, મનીષાબા વાળા, દિલીપ આસવાની, ગૌરવ પુજારા, જગુભા જાડેજા, દીપક ભાટીયા, યશ ભીંડોરા, રોનક રવૈયા, રૂતમ પરમાર સહીત આગેવાનો જોડાયા હતા તેમ કોંગ્રેસની સતાવાર યાદીમાં જણાવાયું છે.(૪.૧૪)
(4:01 PM IST)










