<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

દિલ્‍હીની લલનાઓને રાખી હોટેલ વેલ્‍વેટમાં ચલાવાતું કૂટણખાનુ ઝડપાયું: મેનેજર, વેઇટરની ધરપકડ

ગોંડલ રોડ પર વિજય પ્‍લાઝા કોમ્‍પલેક્ષના બીજા માળે એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટનો દરોડો :બે સંચાલક, દલાલની શોધખોળઃ દલાલ જીતેન્‍દ્ર ઉર્ફ જીતુ રાઠોડ બે યુવતિને અહિ લાવ્‍યો હતોઃ ગ્રાહકો પાસેથી ૨૫૦૦ વસુલી હોટેલ સંચાલકને ૫૦૦ આપી ૧ હજાર લલનાને આપી ૧ હજાર દલાલ પોતે રાખી લેતોઃ પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાત, પીએસઆઇ ગોસ્‍વામી અને ટીમની કાર્યવાહી : હોટેલ સંચાલક હરિશ ખાવડુ, પ્રવિણ ઉર્ફ પપ્‍સી નાધેરા, મેનેજર કિશન માણેક, વેઇટર રાહુલ મારૂ અને દલાલ જીતેન્‍દ્ર ઉર્ફ જીતુ રાઠોડ વિરૂધ્‍ધ ગુનો નોંધાયો : ઓયો થકી બૂક કરાવીને આવેલા યુવક-યુવતિ પણ એક રૂમમાંથી મળ્‍યાઃ માત્ર મુલાકાત માટે આવ્‍યાનું કહેતાં જવા દેવાયા

રાજકોટ તા. ૮: શહેરમાં અગાઉ ત્રણ સ્‍થળોએ સ્‍પાની આડમાં ચાલતાં કૂટણખાનાનો પર્દાફાશ થયા બાદ હવે એક હોટેલમાં ચાલતાં દેહના વેપલાનો પર્દાફાશ થયો છે. એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે ગોંડલ રોડ પર આવેલી વેલ્‍વેટ હોટેલમાં દરોડો પાડી હોટેલના બે સંચાલક, મેનેજર, વેઇટર અને દલાલ સામે ગુનો નોંધી હોટેલમાં હાજર મેનેજર-વેઇટરની ધરપકડ કરી છે. દલાલ મારફત દિલ્‍હીની બે રૂપલલનાને હોટેલમાં રાખી તેની પાસે લોહીનો વેપાર કરાવવામાં આવતો હતો. પોલીસે ડમી ગ્રાહક મોકલી આ રેઇડ કરી હતી. એક રૂમમાંથી એક યુવક-યુવતિ મળી આવ્‍યા હતાં જે બંનેને એકાદ વર્ષથી ઓળખતાં હોઇ ઓયો મારફત રૂમ બૂક કરાવી અહિ મુલાકાત કરવા આવ્‍યાનું કહેતાં પોલીસે તેની સામે કાર્યવાહી કરી નહોતી. 

એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે બાતમી મળી હતી કે ગોંડલ રોડ પર વિજય પ્‍લાઝા કોમ્‍પલેક્ષમાં બીજા માળે આવેલ વેલ્‍વેટ હોટેલની અંદર સંચાલક દ્વારા બહારથી છોકરીઓ બોલાવી દલાલ દ્વારા ગ્રાહકો લાવી હોટેલની આડમાં દહેવેપાર કરાવવામાં આવે છે. આથી પોલીસે ડમી ગ્રાહકને મોકલી ખરાઇ કરાવી દરોડો પાડયો હતો.

પોલીસે હોટેલમાં પહોંચી કાઉન્‍ટર પર બે શખ્‍સ બેઠા હોઇ પુછતાછ કરતાં પોતાના નામ કિશન કારાભા માણેક (ઉ.વ.૨૬-રહે. માયાણીનગર-૨, માયાણી ચોક, મુળ વતન વસઇ તા. જી. દેવભુમિ દ્વારકા) જણાવ્‍યુ઼ હતું અને પોતે અહિ મેનેજર તરીકે નોકરી કરતો હોવાનું કહ્યું હતું. બીજા શખ્‍સે પોતાનું નામ  રાહુલ જયસુખભાઇ મારૂ (ઉ.વ.૩૪-રહે. ઇન્‍ફીનીટી હોટેલ, મોરબી રોડ, મુળ કડીયા પ્‍લોટ-૭, રેલ્‍વે લાઇન પાસે પોરબંદર) હોવાનું અને અહિ પોતે વેઇટર તરીકે કામ કરતો હોવાનું કહ્યું હતું.

મેનેજર કિશન માણેકની વધુ પુછતાછ થતાં તેણે આ હોટેલના સંચાલકનું નામ હરીશ વેજાભાઇ ખાવડુ (રહે. ડી-૪૩, સત્‍યમ્‌ પાર્ક-૪, ૮૦ ફુટ રોડ) તથા પ્રવિણ ઉર્ફ પપ્‍સી  નાધેરા (રહે. રાજકોટ) હોવાનું કહ્યું હતું.  બાદમાં મેનેજર અને વેઇટરને સાથે રાખી પોલીસે હોટેલના રૂમમાં ચેકીંગ ચાલુ કરતાં એક રૂમના દરવાજાને ધક્કો મારી ખોલાવતાં અંદરસ્ત્રી-પુરૂષ કઢંગી હાલતમાં મળી આવ્‍યા હતાં. રૂમમાં રહેલી યુવતિની પુછતાછ કરતાં તેણે પોતાની ઉમર ૨૮ વર્ષ જણાવી પોતે મુળ દિલ્‍હીની વતની હોવાનું અને તેને જીતેન્‍દ્ર ઉર્ફ જીતુ ચંદુભાઇ રાઠોડ નામનો દલાલ લાવ્‍યો હોવાનું કહ્યું હતું. આ યુવતિ સાથે રહેલો શખ્‍સ પોલીસે મોકલેલો ડમી ગ્રાહક હતો. જીતેન્‍દ્ર ઉર્ફ જીતુ નામના દલાલ મારફત તે અહિ આવ્‍યો હતો અને જીતુના કહેવા મુજબ કાઉન્‍ટર પર મેનેજર કે  વેઇટર હોય તેને રૂા. ૨૫૦૦ આપવાથી શરીર સંબંધ બાંધવા માટે રૂમમાં મોકલશે. પોલીસે રૂમમાં હાજર લલનાની પુછતાછ કરતાં તેણે કબુલ્‍યું હતું કે હું બે દિવસથી હોટેલમાં છું. મેનેજર કે વેઇટર ગ્રાહક પાસેથી ૨૫૦૦ લઇ તેમાંથી ૨૦૦૦ દલાલ જીતુને આપતાં અને જીતુ તેમાંથી ૧૦૦૦ પોતે રાખી બાકીના ૧૦૦૦ મને આપતો હતો.

ત્‍યારબાદ પોલીસે બીજા રૂમમાં તપાસ કરતાં તેમાં પણ એક યુવતિ હાજર હતી તેણે પોતાની ઉમર ૩૫ વર્ષ જણાવી હતી અને પોતે પણ દિલ્‍હીની વતની હોવાનું અને દલાલ જીતેન્‍દ્ર ઉર્ફ જીતુ રાઠોડ અહિ લાવ્‍યો હોવાનું તેમજ ગ્રાહક પાસેથી ૨૫૦૦ લીધા બાદ પ૦૦ હોટલવાળાને, ૧૦૦૦ જીતુને અને ૧૦૦૦ પોતાને મળતાં હોવાનું તેણીએ કહ્યું હતું.

ત્‍યારબાદ ત્રીજા રૂમમાં ચેક કરતાં તેમાંથી પણ એક યુવતિ મળી હતી. તેણે પોતાની ઉમર ૨૬વર્ષ જણાવી હતી તે રાજકોટની વતની હતી. તેની સાથેના શખ્‍સે પોતે બિહારનો વતની હોવાનું જણાવ્‍યું હતું. આ બંનેએ કબુલ્‍યું હતું કે પોતે ઓયોની વેબસાઇટ થકી હોટેલનો રૂમ બૂક કરાવ્‍યો હતો. જેમાં ઓયોને રૂા. ૨૭૭ તથા હોટેલ વેલ્‍વેટને રૂા. ૬૫૦ ચુકવ્‍યા હતાં. આ બંને એક બીજાને એક વર્ષથી ઓળખતા હોઇ મુલાકાત માટે જ હોટલમાં આવ્‍યા હોવાનું કબુલ્‍યું હતું.

એએચટીયુના કોન્‍સ. મહેશ ગણેશપ્રસાદની ફરિયાદ પરથી હોટેલના સંચાલક હરિશ વેજાભાઇ ખાવડુ, પ્રવિણ ઉર્ફ પપ્‍સી નાધેરા, મેનેજર કિશન કારાભા માણેક, વેઇટર રાહુલ જયસુખભાઇ મારૂ અને દલાલ જીતેન્‍દ્ર ઉર્ફ જીતુ ચંદુભાઇ રાઠોડ વિરૂધ્‍ધ ઇમ્‍મોરલ ટ્રાફિક પ્રિવેન્‍શન એક્‍ટ ૧૯૫૬ની કલમ ૩,૪,૫, મુજબ હોટેલની આડમાં કૂટણખાનુ ચલાવવાનો ગુનો નોંધી હાલ મેનેજર, વેઇટરની ધરપકડ કરી બે સંચાલક અને દલાલની શોધખોળ હાથ ધરી છે. ત્રણ-ચાર મહિનાથી આ હોટેલમાં આવા ધંધા ચાલતા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હતું.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એએચટીયુના પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાત, પીએસઆઇ એ. કે. ગોસ્‍વામી, હેડકોન્‍સ. હરસુખભાઇ વાછાણી, મહમદઆરીફ અંસારી, કોન્‍સ. હસમુખભાઇ બાલધા, ભુમિકાબેન ઠાકર, મહેશ ગણેશપ્રસાદ પ્રસાદ, લોકરક્ષક જ્‍યોતિેબન મકવાણા, ડ્રા. સુર્યકાંતભાઇની ટીમે આ કામગીરી કરી હતી. (૧૪.૧૨)

(3:28 PM IST)