<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

પિતૃઓના કલ્‍યાણ અર્થે તેમનું શ્રાદ્ધ અવશ્‍ય કરો

શ્રાદ્ધ શબ્‍દ સાંભળતાજ આપણને આપણા પૂર્વજો, પિતૃઓ અને વડવાઓની સ્‍મૃતિ તાજી થઈ જાય છે અને આપણે તેમની યાદોના અતીતમાં ગરકાવ થઈને તેમની સાથે વિતાવેલી હર એક પળો અને તેમની સાથે માણેલા દરેક પ્રસંગોને તેમની સ્‍મૃતિ સાથે અચૂકપણે યાદ કરીએ છીએ પછી ભલેને તે પ્રસંગો સારા કે નરસા હોય, સુઃખ કે દુઃખથી ભરેલા હોય તે આપણા સ્‍મૃતિપટ પર એક વાવાઝોડાની જેમ એકાએક ઊભરી આવીને આપણી નજર સમક્ષ આપોઆપ તરી આવે છે.

આપણા પિતૃઓની સ્‍મૃતિમાં ગરકાવ થયા પછી વિજળીની સ્‍પીડ કરતા પણ વધારે તેજ ગતિથી દરિયામાં ઉઠતા વમળોની જેમ આપણાં દિમાગ પર હાવી થયેલા અતીતના સુઃખ દુઃખના પ્રસંગો આપણા મન પર થોડીક ઉદાસીનતા લાવે છે અને ગળામાં ડૂમો ભરાઈ ગયો હોય તેમ  તેમની યાદોમાં લાગણીવસ થઈને આપણી આંખો ભરી આવે છે. પરંતુ, હકીકતમાં શ્રાદ્ધ એ દુઃખી કે ઉદાસીન થવાનો સમય નથી પરંતુ ૩૬૫ દિવસોમાંથી અમુક દિવસો માટેજ આવેલો આખા વર્ષનો સૌથી શ્રેષ્ઠ એવો એકમાત્ર સમયગાળો છે કે જ્‍યારે આપણને છોડીને હંમેશને માટે ચાલ્‍યા ગયેલા આપણાં સ્‍વજનો ખાસ આપણને મળવા માટે પૃથ્‍વી પર વિચરણ કરીને આપણને મળવા માટે છેક આપણા રહેણાંક સ્‍થાન સુધી આપણી એકદમ નજીક આવીને આપણને તેમની હાજરી હોવાનો અહેસાસ આપે છે. તેમની એ હાજરીને આપણે જોઈ કે નિહાળી શકતા નથી પરંતુ પરોક્ષ રીતે આપણી આસપાસ રહેલી તેમની આભાને  આપણે આવશ્‍યપણે મહેસુસ કરી શકીએ છીએ.

શ્રાદ્ધ જેને પિતૃ પક્ષ પણ કહેવામાં આવે છે તેમાં ‘‘પિતૃ'' શબ્‍દ એ આપણા પૂર્વજો માટેનું પ્રતિક છે તો ‘પક્ષ' શબ્‍દ એ પુનમ પછીના ૧૬ દિવસ સુધી ચાલતા અમાસના ચંદ્રમા માટે વાપરવામાં આવ્‍યો છે. અમાસના આ સોળ દિવસોમાંથી એક દિવસ પિતાને સમર્પિત છે, એક દિવસ માતાને સમર્પિત છે તો એક દિવસ એક એવા બાળકને સમર્પિત છે જે સમય પહેલા મૃત્‍યુ પામીને ઘરના સભ્‍યોને છોડીને પરિવારથી દુર ચાલ્‍યો ગયો છે. શ્રાદ્ધ પક્ષના પૂનમથી ચંદ્રમાના આ ૧૬ દિવસો દરમ્‍યાન આ બધાજ પિતૃઓ તેમના પરિવારજનોને મળવા માટે સ્‍વર્ગ કે યમલોકમાંથી ધરતી પર વિચરણ કરીને તેમના કુટુંબીજનોને મળવા માટે તેમની પાસે આવે છે અને પરિવારજનો દ્વારા તેમની પાછળ કરવામાં આવેલ શ્રાદ્ધ, પિંડદાન, અન્નદાન, અર્પણ અને તર્પણ જેવા ધાર્મિક કાર્યથી તૃપ્ત થઈને તેઓ સંતુષ્ટિ પામવા સાથે તેમના સ્‍વજનો પર આશીર્વાદનો વરસાદ વરસાવીને અનિષ્ટ શક્‍તિઓથી જીવનભર તેમનું રક્ષણ કરે છે.  

શ્રાદ્ધ પક્ષના આ સોળ દિવસો દરમ્‍યાન જ્‍યારે દેવી દેવતાઓ આરામ ફરમાવતા હોય છે ત્‍યારે તમામ આત્‍માઓની શક્‍તિઓ તેમની ચરણ સીમાએ હોય છે અને આ સમય દરમ્‍યાન તમામ આત્‍માઓ પૃથ્‍વી પર વિહરણ કરવા માટે આવે છે. એમાં જે દુષ્ટ આત્‍માઓ છે તેઓ વિના કારણે તમોને હેરાન પરેશાન કરવા આવે છે. આવા સમયે આપણા પિતૃઓ દુષ્ટ આત્‍માઓથી આપણાં રક્ષણ કાજે આપણા પરિવારના દરેક સભ્‍યો અને આપણા ઘરની આસપાસ એક ઘેરો એટ્‍લે કે કવચ બનાવીને રાખે છે જેનાથી આપણને બધીજ ખરાબ આત્‍માઓથી રક્ષણ મળે છે. આપણા પિતૃઓને આવી દુષ્‍ટ આત્‍માઓ સામે આપણું રક્ષણ કરવા માટે જે શક્‍તિઓની જરૂર પડે છે તે તેઓને આપણા દ્વારા તેમની યાદમાં કરવામાં આવેલા શ્રાદ્ધથી, તર્પણથી, પૂજાપાઠથી અને તેમને પીરસવામાં આવેલા તેમના મનગમતા ભોજનની પ્રાપ્તિથી મળે છે. એથી વિપરીત જો આપણે તેમને તેમનું મનગમતું ભોજન નહીં આપીએ અને તેમનું શ્રાદ્ધ પૂજન વિધિપૂર્વક નહીં કરીએ તો તેઓ નબળા પડશે અને બૂરી આત્‍માઓ સામે તેઓ હારી જશે અને જો એવું બનશે તો તેઓ બૂરી આત્‍માઓથી આપણું રક્ષણ નહીં કરી શકે જેનાથી સરવાળે નુકશાન આપણનેજ થવાનું છે. આદિ અનાદિ કાળથી અસ્‍તિત્‍વમાં રહેલા આપણાં સનાતન હિન્‍દુ ધર્મનું અસ્‍તિત્‍વ ટકાવી રાખનાર હજારો વર્ષો સુધી તપ કરનારા આપણાં ઋષિમુનિઓ, તપસ્‍વીઓ, અવતારી અને સિદ્ધ પુરુષો દ્વારા રચાયેલા હિન્‍દુ ગ્રંથોમાં જણાવ્‍યા મુજબ દરેક હિન્‍દુઓએ તેમના પિતૃઓ, પૂર્વજો કે વડવાઓનું શ્રાદ્ધ આવશ્‍યપણે કરવુજ જોઈએ.

 હિન્‍દુ ધર્મ અનુસાર શ્રાદ્ધ સામાન્‍ય રીતે મોટા પુત્ર દ્વારા હાથ ધરવામાં આવે છે જેની શરૂઆત શુદ્ધિકરણ સ્‍નાનથી થાય છે અને ત્‍યારબાદ પૂજાપાઠ, અન્નદાન, વસ્‍ત્રદાન તેમજ ધનદાન કરવામાં આવે છે. 

હિન્‍દુ કેલેન્‍ડર મુજબ પિતૃ પક્ષ એ એક એવો મહત્‍વપૂર્ણ સમય છે  જે શ્રાદ્ધ અને તર્પણ જેવા ધાર્મિક વિધિઓ દ્વારા પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવા માટે સમર્પિત છે. આ ૧૬ દિવસના તહેવાર્ન સોરઠ શ્રાદ્ધ, મહાલયા, અપરા પક્ષ અથવા પિતૃપક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે જે આધ્‍યાત્‍મિક રીતે શક્‍તિશાળી હોવા છતા મૃત્‍યુ સંસ્‍કાર સાથે સંકળાયેલ હોવાથી તેને અશુભ માનવામાં આવે છે જેના કારણે આ દિવસો દરમ્‍યાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય થતું નથી.

આપણાં સનાતન હિન્‍દુ ધર્મની પરંપરા અનુસાર જ્‍યારે આપણું શરીર નિષ્‍ક્રિય થઈને નિષ્‍પ્રાણ થઈ જાય છે ત્‍યારે તેમાં રહેલી આત્‍મા તેના શરીરને ત્‍યાંજ છોડીને ત્‍યાંથી ચાલી જાય છે અને શરીરમાંથી અલગ થયેલી તે આત્‍માને લેવા માટે યમલોકથી આવેલા યમદૂત કે યમરાજ તેને પોતાની સાથે લઈ જાય છે. આપણાં હિન્‍દુ ધર્મમાં પ્રચલિત માન્‍યતા મુજબ તેમજ હિન્‍દુ કેલેન્‍ડરમાં દર્શાવેલ તિથી, તારીખ અને સમયના ચોઘડિયાઓ અનુસાર પિતૃઓના શ્રાદ્ધ માટેના જે દિવસો આવે છે તે સોળ દિવસો સુધી યમરાજ તમામ આત્‍માઓને મુક્‍ત કરીને સોળ દિવસો સુધી તેમને તેમના સ્‍વજનોને મળવા જવા દેવાની પરવાનગી આપે છે.

આ આત્‍માઓ તેમના પરિવારજનો ને મળવા માટે તેમના ઘરે આવે છે અને જે પરિવારોમાં તેમના પૂર્વજોને યાદ કરીને તેમનું શ્રાદ્ધ પૂરા ભક્‍તિભાવથી સારી રીતે કરવામાં આવે છે, તેમની પસંદગીનું જમવાનું બનાવીને તેમને પીરસવામાં આવે છે, તેમની મોક્ષ પ્રાપ્તિ માટે કરવામાં આવેલા ધાર્મિક કાર્યો, વિધિઓ, અર્પણ, તર્પણ, દાન, ધર્માદો વિગેરે વિધિ વિધાનોથી તેઓ ખુબજ ખુશ થાય છે અને શ્રાદ્ધનો સમયગાળો પત્‍યા પછી તેઓ તેમના વંશજોને ખુબ સારા આશીર્વાદ આપીને તેમના જીવનમાં ચાલી રહેલી અને ભવિષ્‍યમાં આવનારી તમામ પ્રકારની મુસીબતો અને તકલીફોને હરિ લઈને પરત ફરતી વખતે પોતાની સાથે લઈ જાય છે.

આમ પિતૃઓની અધૂરી રહેલી ઈચ્‍છાઓ માટે, તેમની આત્‍મશાંતિ માટે, તેમના મોક્ષ માટે તેમજ તેમના આશીર્વાદ મેળવી તેમની કૃપાદ્રષ્ટિ આપણાં ઉપર કાયમ બનાવી રાખવા માટે હિન્‍દુ ધર્મમાં દર્શાવેલ વિધી, પૂજાપાઠ અને ધાર્મિક કાર્યો અનુસાર તેમનું શ્રાદ્ધ કરવું અત્‍યંત આવશ્‍યક છે અને તેથી ઊલટું આધુનિક જમાના સાથે સૂર મિલાવીને મોર્ડન બની ગયેલા આપણે જ્‍યારે આપણાં હિન્‍દુ ધર્મને ભૂલીને તેના ગ્રંથોમાં પિતૃઓ માટે લખાયેલી જીવન ઉપયોગી ધર્મની વાસ્‍તવિક વિધી વિધાનોને ગણકાર્યા વગર આપણાં પૂર્વજો કે પિતૃઓ માટે કોઈપણ ધાર્મિક કાર્ય કે પૂજાપાઠ નથી કરતા ત્‍યારે આપણે આડકતરી રીતે તેમને જાકારો આપીએ છીએ અને આવા વખતે આપણને મળવા આવેલી તેમની આશાસ્‍પદ આત્‍મા તેમને મળેલા તિરસ્‍કારથી ખુબજ દુઃખી થાય છે જેના કારણે આપણાં જીવનમાં ઘણી બધી તકલીફો આવે છે, થવાની અણી સુધી પહોંચી ગયેલા આપણા કાર્યો અટકી પડે છે, આપણું મન ખરાબ થઈને વિચલિત થઈ જાય છે, ઘરમાં અશાંતિ ફેલાઇ જાય છે, નાણાકીય તંગી આવી જાય છે અને આખા ઘરનો ઓરો ખરાબ થઈ જાય છે. આ બધુજ ત્‍યારે ચોકકસપણે બને છે જ્‍યારે મનમાં આશા રાખીને આપણને મળવા માટે આવેલા આપણા પૂર્વજો તેમનું અનાદર થતાં નિરાશ થઈને આપણા દ્વારા થયેલા તિરસ્‍કારનો ભાર લઈને પરત ચાલ્‍યા જાય છે. જો આપણે મોર્ડન જમાનામાં તેમના શ્રાદ્ધની વિધિને ફાલતુ ગણીને તેમને ભૂલી જઈએ તો તેઓ આપણાથી ક્‍યારેય ખુશ નથી રહેતા જેના કારણે આપણા જીવનમાં ઘણા બધા પ્રકારની વિપદાઓ આવી શકે છે.

 આપણાં દ્વારા આપણાં પિતૃઓનું શ્રાદ્ધ કરવાનું એટલા માટે જરૂરી છે કે આપણાં પૂર્વજો, પિતૃઓ કે વડવાઓની તેમના મૃત્‍યુ વખતે કોઈપણ પ્રકારની નાની મોટી તુષણા કે ઈચ્‍છા જો અધૂરી રહી ગઈ હોય તો તે જ્‍યાં સુધી પૂર્ણ ના થાય ત્‍યાં સુધી તેમની આત્‍મા ભટકતી રહે છે. તેમની ઈચ્‍છા કોઈપણ હોય શકે છે જેમ કે તેમણે ધારેલું કામ પૂર્ણ કર્યા વગરજ તેમનું મૃત્‍યુ થયું હોય, તેમણે ધારેલી કે ઇચ્‍છેલી કોઈ ચીજ કે વસ્‍તુ તેઓ ના પામી શકયા હોય અથવા તો તેમની પાણી પીવાની ઈચ્‍છા થઈ હોય અને તેઓ તે પીધા વગરજ મૃત્‍યુ પામેલા હોય. તેમની આત્‍મા પ્‍યાસી છે તો તેને પાણી કોણ પીવડાવશે અને જ્‍યાં સુધી તેમની આત્‍મા પ્‍યાસી છે ત્‍યાં સુધી તે આમથી તેમ ભટકતીજ રહેશે અને આથીજ આપણાં હિન્‍દુ ધર્મમાં આપણાં પિતૃઓને જળ ચડાવવાની એટ્‍લે કે પાણી પીવડાવવાની વિધી કરવામાં આવે છે જેને તર્પણ કહેવામાં આવે છે જેના દ્વારા આપણે આપણાં અતૃપ્ત પિતૃઓને પાણી પીવડાવીને તેમની આત્‍માની રહી ગયેલી તરસ બુજવીને તેમણે તૃપ્ત કરીએ છીએ.

શ્રાદ્ધના દિવસોમાં આપણને મળવા માટે આવનાર આપણા પિતૃઓ જો આત્‍માના રૂપમા ના હોય અને જો તેમણે કોઈપણ પ્રકારનુ શરીર ધારણ કરેલુ હોય તો પણ તેઓ તેમણે ધારણ કરેલા જે તે શરીર સાથે  આપણા ઘર સુધી અવશ્‍યપણે આવી પહોંચશેજ અને આથીજ હિન્‍દુ ધર્મની માન્‍યતા અનુસાર તેમજ પ્રાચીન હિન્‍દુ ગ્રંથાવાલીઓમાં જણાવ્‍યા મુજબ શ્રાદ્ધ માટેનું પ્રસાદરૂપી જે ભોજન હોય છે તે અલગ અલગ જીવો જેવા કે બ્રાહ્મણો, કાગડાઓ કે ગાય માતામાં વહેંચવામાં આવે છે જેથી કરીને જો પિતૃઓ માનવ રૂપ ધારણ કરેલું હોય તો બ્રાહ્મણોને અન્નનું ભોજન કરાવવાથી તે તેમના સુધી પહોંચી જાય, જો તેમણે કોઈ પક્ષીનું રૂપ ધારણ કરેલું હોય તો કાગડાઓને કાગ વાસ નાખવાથી તે તેમના સુધી પહોંચી જાય અને જો તેમણે કોઈ પશુનું રૂપ ધારણ કરેલું હોય તો ગૌ માતાને ધરેલા પ્રસાદથી તે તેમના સુધી પહોંચી જાય.

આમ આપણે આપણા પિતૃઓના શ્રાદ્ધ સાથે કોઈપણ જીવનું શ્રાદ્ધ કરી શકીએ છીએ જેમકે તે જીવ આપણે પાળેલુ કૂતરું, બિલાડી, ગાયમાતા, પોપટ, માછલી કે અન્‍ય કોઈપણ જીવ હોય શકે છે કે જે આપણા કુટુંબીજનોની સાથે આપણા પરિવારજનની માફક આપણી સાથેજ રહેલું હોય તેનું શ્રાદ્ધ અલગથી ના કરતાં તે પણ આપણા પિતૃઓના શ્રાદ્ધ સાથે થઈ શકે છે.

આ વખતનું પિતૃ પક્ષ ખુબજ વિશેષ છે કારણ કે તે એક આખી સદીમાં એટ્‍લે કે પૂરા એકસો વર્ષોમાં એકજ વાર આવે છે જે ચાલુ વર્ષ ૨૦૨૫ના રવિવાર ૭ સપ્‍ટેમ્‍બર ભાદરવી પુનમના ચંદ્રગ્રહણથી શરૂ થઈને રવિવાર ૨૧ સપ્‍ટેમ્‍બર ભાદરવી અમાસના સૂર્યગ્રહણ એટ્‍લે કે સર્વપિત્રી અમાવસ્‍યા કે મહાલયા અમાવસ્‍યા સાથે સમાપ્ત થાય છે.

આવા સંયોગને શાસ્‍ત્રોમાં ખુબજ દુર્લભ માનવમાં આવે છે. આ સમય દરમિયાન હિન્‍દુઓ પૂર્વજોનું ઋણ ઉતારવા અને મૃતકોના આશીર્વાદ મેળવવા માટે શ્રાદ્ધ વિધિ કરે છે. અધ્‍યાત્‍મિક દ્રષ્ટિએ આ વખતનું પિતૃપક્ષ આત્‍મા સાથેના એક વિશેષ જોડાણનો સુનેરો અવસર છે. આપણા પૂર્વજો એટલે કે પિતૃઓ આપણી પાસે માત્ર અન્ન અને જળની અપેક્ષાજ નથી રાખતા પરંતુ તેઓ આપણી પાસેથી તેમના સ્‍મરણ, શ્રદ્ધા અને આશીર્વચનની પણ અપેક્ષા રાખે  છે. 

હજારો વર્ષો પૂર્વેની આપણી સૌથી પ્રાચીન ગણાતી સંસ્‍કૃતિ ભાષામાં લખાયેલા આપણા હિન્‍દુ શાષો કહે છે ‘શ્રદ્ધાયા દેયન અશ્રદ્ધાયા અદેયન' મતલબ કે જે શ્રાદ્ધ અને તર્પણ પૂરી શ્રદ્ધા, વિશ્વાસ, નિષ્ઠા અને પુર્ણ ભક્‍તિભાવથી કરવામાં આવે છે તેજ શ્રાદ્ધ પિતૃ સુધી પહોંચે છે. ગ્રહણકાળમાં જ્‍યારે સૂર્ય અને ચંદ્રની સ્‍તિથિ વિશેષ હોય છે ત્‍યારે આત્‍માઓનો પ્રભાવ ખુબજ પ્રભાવશાળી હોય છે અને આ કારણથીજ આ વખતનું શ્રાદ્ધ પિતૃઓને અત્‍યંત સંતોષ આપનારું અને તેમની તૃપ્તિ કરનારું સાબિત થશે. 

હિન્‍દુ ગ્રંથાવલીઓમાં પિતૃ પક્ષને લગતી એક ખુબજ પ્રચલિત કથા મુજબ મહભારતના યુદ્ધ દરમ્‍યાન જ્‍યારે કર્ણનું મૃત્‍યુ થયું ત્‍યારે દાનવીર હોવાથી તેની આત્‍માને સ્‍વર્ગમાં લઈ જવામાં આવી જ્‍યાં તેને જમવા માટે સોના ચાંદી, હીરા મોતી, જર જ્‍વેરાત જેવા આભૂષણોવાળી કિંમતી ચીજ વસ્‍તુઓ જમવા માટે પીરસવામાં આવી. ચાહે તે માનવ હોય કે આત્‍મા હોય સોના ચાંદી કે હીરા મોતીને કોઈ ખાય શકે નહીં. કર્ણ થોડીયાર સુધી તેને પીરસવામાં આવેલી થાળીને જોતો રહ્યો અને પછી ઊભા થઈને તેણે દેવતાઓને પૂછ્‍યું કે મે પૃથ્‍વી પર ખુબજ દાન પુન કર્યું છે તેમ છતાં મને આ ક્‍યા કર્માની સજા આપવામા આવી રહી છે ત્‍યારે દેવતાઓએ તેને સમજાવતા કહ્યું કે તે ભલેને આખી જિંદગી પૃથ્‍વી પરની સૌથી કિંમતી  વસ્‍તુ એવી સોનાનું દાન કર્યું હોય પરંતુ તે તારા સમગ્ર જીવન દરમ્‍યાન ક્‍યારેય પૂર્વજોને ભોજન પીરસવા માટેનું શ્રાદ્ધ કે તેમણે પાણી પીવડાવવા માટેનું તર્પણ નથી કર્યું જેને કારણે તારે આ ભોગવવું પડ્‍યું છે. કર્ણને પોતાની ભૂલ સમજાઈ અને તેણે દેવી દેવતાઓની માફી માગીને તેને ફરીવાર પૃથ્‍વી પર મોકલવાનો અવસર માંગ્‍યો. દેવતાઓએ તેને ફરીવાર પૃથ્‍વી પર મોકલ્‍યો અને તે પૂરા સોળ દિવસ સુધી પૃથ્‍વી પર રહ્યો અને તે બધાજ દિવસો દરમ્‍યાન તેણે ખુબજ ભક્‍તિભાવથી તેના પિતૃઓનું તર્પણ કરી તેમનું શ્રાદ્ધ કર્યું અને ત્‍યારથી હિન્‍દુ ધર્મમાં શ્રાદ્ધથી પરંપરાની શરૂઆત થઈ અને ત્‍યારથી આપણા પિતૃઓના શ્રાદ્ધ માટેનો સમયગાળો સોળ દિવસ સુધીનો ગણવામાં આવે છે.

 આ ઉપરાંત જ્‍યોતિષની દ્રષ્ટિએ પણ ચંદ્રગ્રહણ દરમ્‍યાન દરેક માનવીની મનોહર ભાવનાઓ અસ્‍થિર હોય છે જે આપણને આપણા પિતૃઓ સાથેના માનસિક જોડાણ અને આત્‍મમંથનનો અવસર આપે છે. સૂર્ય ગ્રહણના સમયમાં આત્‍મા અને અહમનો પ્રભાવ ઓછો હોય છે જેનાથી વ્‍યક્‍તિમાં નમ્રતા અને સમર્પણની ભાવના તીવ્ર હોય છે. આમ જ્‍યારે પિતૃ પક્ષ ચંદ્ર અને સૂર્ય ગ્રહણની વચ્‍ચે હોય ત્‍યારે તે એ વાતનો સંકેત આપે છે કે આપણે આપણા હું પદને ત્‍યાગીને શ્રદ્ધા અને ભક્‍તિભાવથી પિતૃઓનું સ્‍મરણ કરવું હોઈએ.

પિતૃ પક્ષમાં તર્પણ અને પિંડદાન કરવું જોઈએ અને જળ અને તલ અર્પિત કરવા જોઇએ તેમજ બ્રાહ્મણ, ગાયમાતા, કુતરાઓ, કાગડાઓ અને જરૂરતમંદોને ભોજન પીરસવું જોઇએ તેમજ ગીતા, ગરુડ પુરાણ કે વિષ્‍ણુ સહસ્‍ત્રનામોના પાઠ કરવા કે કરાવવા જોઇએ તેમજ ઘરમાં ચોખા ઘીનો દિપક પ્રગટાવીને પિતૃઓનું સ્‍મરણ કરવું હોઈએ. ગરીબોને અન્ન, વષ અને ધનનું દાન કરવું હોઈએ.            

પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે તેમજ તેમને ખુશ રાખવા માટે આ દિવસો દરમ્‍યાન માંસાહાર, મદિરાપન કે કોઈ તામસી ખોરાક ગ્રહણના કરવું જોઇએ તેમજ કોઈને માઠુ લાગી જાય તેવા કટુ વચનો તેમજ ખોટું ના બોલવું જોઇએ તેમજ સૂતક કે ગ્રહણકાળ દરમ્‍યાન પકાવેલો ખોરાક ભોજન તરીકે ઉપયોગ ના કરવો જોઇએ તેમજ ભાવના વગર કે શ્રદ્ધા વગર કોઈપણ કાર્ય કરવું જોઇએ નહીં.

આપણા હિન્‍દુ ધર્મના આરાધ્‍ય દેવ પ્રભુ શ્રીરામે તેમના પિતા દશરથ રાજાનું શ્રાદ્ધ ગંગા નદીની ઉપનદિ ગણાતી ફાલ્‍ગુ નદીના કિનારે આવેલા બિહારના ગયા ખાતે કરેલું અને ત્‍યારથી તે પવિત્ર સ્‍થળનું શ્રાદ્ધ માટે ખુબજ મહત્‍વ છે. આ ઉપરાંત વારાણસીથી પસાર થતી ગંગામાં  મનુષ્‍યોના પાપો ધોવાની પ્રબળ શક્‍તિ હોવાની માન્‍યતાથી હિન્‍દુ ધર્મમાં શ્રાદ્ધ માટે તેનું પણ ખુબજ મહત્‍વ છે.

આ વખતનું પિતૃ પક્ષ માત્ર શ્રાદ્ધનો સમય નથી પરંતુ આત્‍માની શ્રુદ્ધિ માટેનું પણ શ્રેષ્ઠ અવસર છે. પૂરા એકસો વર્ષોમાં આવનારો આ સંયોગ આપણને એ યાદ અપાવે છે કે પિતૃ કૃપાથી દેવ કૃપા મળે છે અને દેવ કૃપાથી આપણું જીવન પુર્ણરૂપે ખીલી ઊઠે છે. 

તો આવો આ પિતૃ પક્ષમાં આપણા પિતૃઓને શ્રાદ્ધ અર્પણ કરી તેમના આશીર્વાદ મેળવીને આપણે પણ આપણા જીવનને સફળ બનાવીએ.

જય પિતૃદેવ.. જય શ્રી હરી...

કમલ જારોલી

એડવોકેટ અને નોટરી,

રાજકોટ (૮૧૬૦૩ ૧૧૦૧૬)

(5:06 PM IST)