News of Monday, 8th September 2025
આજી-૧ ડેમ ઓવરફલો થતા નવા નીરના વધામણાં કરતા મેયર સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ

રાજકોટ : તાજેતરમાં વરસેલા સારા વરસાદને પગલે નવા નીરની આવકથી રાજકોટનો આજી-૧ ડેમ આજે છલકાવાનું શરૂ થયું હતું. રાજકોટને પીવાનું પાણી પુરૂ પાડતો આજી-૧ ડેમ છલકાઈ જતા શહેરીજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે. આનંદના આ અવસરે મહાનગર પાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, વોટર વર્ક્સ કમિટીના ચેરમેન અશ્વિનભાઈ પાંભર, નાયબ મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની, સિટી એન્જી. કે.પી. દેથરીયા સહિતના મહાનુભાવો-અધિકારીઓ આજે આજી-૧ ડેમની મુલાકાતે ગયા હતા અને નવા નીરના વધામણાં કરી હરખ વ્યક્ત કર્યો હતો. એ નોંધનીય બનશે કે, આજી-૧ ડેમ ૧૯૫૪માં ઇરીગેશન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ છે. જેની સપાટી ૨૯ ફૂટ છે અને સંગ્રહ ક્ષમતા ૯૧૭ એમ.સી.એફ.ટી છે. આજી-૧ ડેમ ૨૧મી વાર ઓવરફલો થયેલ છે. ગત વર્ષ ઉપરવાસમાં વધુ વરસાદ હોવાથી વધુમાં વધુ વર્ષ ૨૦૨૪માં ૨.૮૫ ફૂટનો ઓવર ફલો થવા પામેલ. હાલમાં ૧૯૦ કયુસેકનો ઇનફલો છે જ્યારે ૧.૮ ઇંચનો ઓવરફલો ચાલુ છે.
(4:42 PM IST)










