News of Monday, 8th September 2025
રાજકોટમાં ગોંડલ સંપ્રદાયના પૂ. ધીર ગુરુદેવના આજ્ઞાનુવર્તી સાધ્વી રત્ના પૂ. સુશીલાબાઈ મહાસતિજી કાળધર્મ પામ્યા:પાલખી યાત્રા નીકળી
કાલે ગુણાનુવાદ સભા

રાજકોટ: ગોંડલ સંપ્રદાયના પૂ. શ્રી ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તી પૂ. કુંદન–પુષ્પાબાઈ મ.સ. ના સુશિષ્યા બા.બ્ર.પૂ. સુશીલાબાઈ મ.સ. ૮૧ વર્ષની વયે ૫૬ વર્ષના દીક્ષા પર્યાય સહિત તા.૦૮/૦૯/૨૫ ને સોમવારે બપોરે ૩:૦૦ કલાકે સમાધિભાવે કાળધર્મ પામ્યા છે. પૂ. ઉષાજી મ.સ., પૂ. પ્રવીણાજી મ.સ., પૂ. પુનિતાજી મ.સ.એ અગ્લાન ભાવે વૈયાવચ્ચમાં કરેલ.
જેતપુરમાં નરભેકુંવરબેન અને જયંતીલાલ કામદારના ગૃહાંગણે તા. ૨૫/૦૧/૧૯૪૪ ના જન્મેલા સુશીલાબહેને ૨૫ વર્ષની વયે જામનગરમાં બા.બ્ર.પૂ. સમર્થગુરુણીના શ્રીમુખે તા. ૨૨/૦૫/૧૯૬૯ ના પૂ. પુષ્પાબાઈ મ.સ. ની નિશ્રામાં દીક્ષા અંગીકાર કરેલ. અનેક વિધ તપશ્ચર્યા તેમજ ૧૧ આગમ કંઠસ્થ, પોલાદી મનોબળ ધારક હતા. છેલ્લા બે વર્ષથી કેન્સરની બિમારીમાં સમતાભાવ વંદનીય હતો.
પાલખી યાત્રા શ્રમજીવી ઉપાશ્રય, ઢેબરભાઈરોડ, રાજકોટથી પાલખીયાત્રા સાંજે ૬ કલાકે નીકળી હતી. ગોંડલ સંપ્રદાય અગ્રણી હરેશભાઈ વોરાએ જણાવ્યું કે ગોંડલ ગચ્છ શિરોમણી જસરાજજી મ. સા., પૂ. ધીરગુરુદેવે ગુણાંજલિ અર્પણ કરેલ.
તા. ૯ને મંગળવારે સવારે ૯ કલાકે રાજકોટ શ્રમજીવી ઉપાશ્રયે ગુણાનુવાદ કાર્યક્રમ રાખેલ છે તેમ સંઘ પ્રમુખ હિતેશભાઈ મહેતાએ જણાવ્યું છે.
(6:37 PM IST)










