<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

પોલીસને બાતમી આપતો હોવાની શંકા કરી દિલીપ ગોંડલીયાને ઉઠાવી જઇ બેફામ ધોલધપાટ

મવડીની ભક્‍તિધામમાં ઘર નજીકથી વૈભવ સહિતના ચાર શખ્‍સો બાઇકમાં બેસાડી પહેલા ભવનાથ સોસાયટીમાં, પછી આદર્શ સોસાયટી પાછળ અને છેલ્લે ત્‍યાંથી એક શેરીમાં લઇ ગયા અને મારકુટ કરીઃ છેલ્લે ધમકાવી બાલાજી હોલ પાસે ઉતારી ભાગી ગયાનો આક્ષેપઃ સારવાર માટે દાખલ થયો

રાજકોટ તા. ૯: મવડીમાં ૪૦ ફુટ રોડ પર ભક્‍તિધામ સોસાયટીમાં રહેતાં એક યુવાનને તે પોલીસને દારૂની બાતમી આપતો હોવાની શંકા કરી ચાર શખ્‍સોએ બાઇકમાં બેસાડી અલગ અલગ ત્રણ જગ્‍યાએ લઇ જઇ ઢીકાપાટુ, કડાથી બેફામ માર મારતાં અને બાદમાં ધમકી આપી છોડી મુકતાં સારવાર માટે દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. મવડીની ભક્‍તિધામ સોસાયટી શેરી નં. ૨માં રહેતો દિલીપભાઇ હંસરાજભાઇ ગોંડલીયા (ઉ.વ.૩૫) નામનો યુવાન રાતે  સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો હતો. પોતાને વૈભવ અને અજાણ્‍યા શખ્‍સોએ કડાથી તેમજ ઢીકાપાટુનો માર માર્યાનું કહેતાં તબિબે પોલીસ ચોકીમાં જાણ કરી હતી. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, પ્રશાંતભાઇ રાઠોડ અને ધર્મેન્‍દ્રભાઇ ચાવડાએ તાલુકા પોલીસને જાણ કરી હતી. દિલીપભાઇએ હોસ્‍પિટલના બિછાનેથી કહ્યું હતું કે હું એલ્‍યુમિનીયમ સેક્‍શનનું કામ કરુ છું. પહેલા અમે પ્રજાપતિ સોસાયટીમાં રહેતાં હતાં અને એકાદ મહિનાથી ભક્‍તિધામમાં ભાડેથી રહેવા આવ્‍યા છીએ.  હું સાંજે ઘરેથી આટો મારવા નીકળ્‍યો ત્‍યારે ઘર પાસે જ વૈભવ અને બીજા ત્રણ શખ્‍સો અલગ અલગ બે બાઇક પર ઉભા હોઇ મને વાત કરવા બોલાવી બાઇકમાં વચ્‍ચે બેસાડી પહેલા ભવનાથ સોસાયટીમાં લઇ ગયા હતાં અને તું કેમ પોલીસને અમારી બાતમી આપે છે? કહી મારકુટ કરી હતી. આ પછી આગળની આદર્શ સોસાયટી પાછળ રેસીડેન્‍સી નજીક લઇ ગયા હતાં. ત્‍યાં પણ મારકુટ કરતાં દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં ત્‍યાંથી આગળ અવાવરૂ શેરીમાં લઇ જઇ ફરીથી કડા, ઢીકાપાટુનો માર માર્યો હતો. પછી ધમકી આપીને બાલાજી હોલ પાસે ઉતારીને ભાગી ગયા હતાં. આ લોકોના દારૂ અંગે હું બાતમી આપુ છું તેવી શંકા કરી હુમલો કરાયો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે. (૧૪.૬)

(2:15 PM IST)