<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

લોકોને મારવા જ છે તો કટકે-કટકે મારો નહિઃ લાખોની સંખ્‍યામાં મેમા પકડાવી દયો

હેલ્‍મેટના મુદ્દે ડી.સી.પી. સાથેની મીટીંગમાં વકીલો-સંસ્‍થાઓ, અગ્રણીઓ દ્વારા વિરોધ વ્‍યકત કરાયો : ચુંટાયેલા પ્રતિનિધિઓ કાંઇ કરી શકે તેમ ન હોય તો પ્રજાહિતમાં હેલ્‍મેટના મુદ્દે અપક્ષ ચુંટણી લડાશેઃ સરગમ કલબ, બોલબાલા ટ્રસ્‍ટ, વેપારી એસો. ચેમ્‍બર ઓફ કોમર્સ સત્‍યાગૃહ સમિતિના વડીલોએ ડી.સી.પી. સમક્ષ વેદના ઠાલવી...

રાજકોટઃ તા. ૯, હેલ્‍મેટના મુદ્દે રાજકોટમાં લોકોનો ભયંકર વિરોધ ફાટી નીકળ્‍યો છે અને સરકારના વિરોધમાં આકરા પ્રહાર  થઇ રહયા છે, ત્‍યારે આ બાબતે જુદી જુદી સંસ્‍થા અને હેલ્‍મેટ સત્‍યાગૃહ સમિતિના લીગલ સેલના સભ્‍યો સહિત અગ્રણીઓ સાથે ડી.સી.પી. દ્વારા મિટીંગ યોજાઇ હતી.

આ મિટીંગમાં ઉપસ્‍થિત તમામ સંસ્‍થાઓ, વકીલો અને શહેરના અગ્રણીઓ દ્વારા હેલ્‍મેટના મુદ્દે વિરોધ કરવામાં આવ્‍યો છે.

આગામી દિવસોમાં જો પોલીસ તંત્ર ઢીલું નહી મુકે અને સરકાર કોઇ નિર્ણય નહિ કરે તો વધુ આક્રમક આંદોલન થવાના નિર્દેશો મળી રહયા છે. ગઇ કાલે ભાજપ ના નેતાઓની મિટીંગમાં કાર્યકરો હેલ્‍મેટ પહેર્યા વગર આવેલા હોય અને પોલીસ તંત્રની નજર સામે આવુ બનેલ હોવા છતાં પોલીસ દ્વારા કોઇ પગલા લેવાયા ન હોય હેલ્‍મેટનો કાયદો શું ફકત નિર્દોષ પ્રજા માટે છે, તે બાબતે પોલીસની બે ધારી નિતીનો ભારે વિરોધ થઇ રહયો છે. આ ઉપરાંત રોડ, રસ્‍તા, ખાડા-ખબડાવાળા પહેલા રિપેર કરાવો તેવી પણ લોકોમાં વ્‍યાપક માંગણી ઉઠવા પામી છે.

ડી.સી.પી.સજજનસિંહ પરમાર તથા હરપાલસિંહ જાડેજા સાથે હેલ્‍મેટ મુદ્દે વિચાર-વિમર્શ કરવામાં આવેલ જેમાં અશ્વિનભાઈ મહાલીયાએ કાયદા વિષયક જરૂરી ચર્ચા કરેલ તથા હરપાલસિંહએ કોર્ટના હુકમનું અમો ફરજના ભાગરૂપે પાલન કરી રહ્યા છીએ તેમજ જીતુભાઈ ચાવાળા તથા અન્‍ય તમામએ હેલ્‍મેટના કારણે નાનાં લોકોને થતી વેદનાની વાત કરેલ તથા નલિનભાઈ ઝવેરી દ્વારા વિવિધ મુદ્દે પોલીસ કાર્યવાહી નથી કરતી અને માત્ર હેલ્‍મેટ મુદ્દે લોકોને હેરાન કરે છે તથા યુવા લોયર્સના હેમાંશુ પારેખ દ્વારા ઇ-ચલણમાં થતી ગેરરીતિઓ બાબતે જણાવવામાં આવેલ તેમજ ચર્ચાના નિષ્‍કર્ષમાં પોલીસ દ્વારા ફરજના ભાગરૂપે કાર્યવાહી ચાલુ રહેશે જેથી યુવા એડ્‍વોકેટ હર્ષિલ શાહ દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે, લોકોને કટકે કટકે ન મારો, મારવા જ છે તો બધા શહેરીજનોને એકસાથે લાખોની સંખ્‍યામાં માત્ર ઇ-મેમો આપો જેથી લોકો જાગૃત થાય અને પ્રજાનો અવાજ બુલંદ થાય અને હેલ્‍મેટ વિરુધ્‍ધ અવાજ ઉઠાવવાની હિંમત કરે તેમ છતાં આખરે સમજવા, સમજાવવાની જ વાતો થયેલ અને સરકારમાંથી જ હેલ્‍મેટ બંધ થઈ શકે તેવો નિષ્‍કર્ષ આવેલ હતો.

  રાજકોટની અલગ અલગ સંસ્‍થાઓના પ્રતિનિધીઓ હાજર રહેલ જેમાં સરગમ ક્‍લબ, બોલબાલા ટ્રસ્‍ટ, સોરઠિયાવાડી યુવા ગ્રૂપ, સૌરાષ્ટ્ર વેપારી એસોસિએશન, ચેમ્‍બર ઓફ કોમર્સ, રાઇઝિંગ ઈન્‍ડિયા, યુવા લોયર્સ તેમજ વિવિધ દ્યણા વેપારી મંડળો હાજર રહેલ તેમજ બધાના મંતવ્‍ય મુજબ પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ કઈ કરી શકે તેમ લાગતું નથી જેથી બધી સંસ્‍થાઓએ સાથે મળી આગામી દિવસોમાં ખૂબ મોટી ચળવળ કરવી પડશે અને રાજકારણીઓ કામ ન કરે તો પ્રજાના હિતાર્થે જરૂર પડશે તો હેલ્‍મેટ મુદ્દે અપક્ષ લડાવવાનું વિચારવામાં આવશે તેવો સૂર સંભળાયેલ હતો.

  આ મિટિંગમાં હેલ્‍મેટ સત્‍યાગ્રહ સમિતિ વતી અનેક વિવિધ સંસ્‍થાઓના અગ્રણીશ્રીઓ નલિનભાઈ ઝવેરી, ગૌતમભાઈ દવે, મુકેશભાઇ તન્ના, અશ્વિનભાઈ મહાલીયા, જીતુભાઈ ચા વાળા, અશ્વિનભાઈ પૂજારા, ગિરીશભાઇ મેહતા, ભરતભાઇ સોલંકી, રાજકોટના યુવા ધારાશાષાી હર્ષિલ શાહ તથા હેમાંશુભાઇ પારેખ, દ્યનશ્‍યામભાઈ પટેલ, પરાગભાઈ દેસાઇ, ચંદ્રેશભાઈ પટેલ, મિતેશભાઈ દોશી, જતિનભાઈ પડિયા, જય પૂજારા, ભાવિક મેહતા, દિપક સોની, દર્શિત ચોવટીયા, હરપાલસિંહ ઝાલા, યોગેશભાઈ ગોડા, કનકસિંહ ઝાલા, મુકેશભાઇ ઝવેરી, નિલેષભાઈ રાવલ, મહાદેવભાઇ ભગદેવ, રજતભાઈ સંદ્યવી, કાનાભાઇ કુબાવત, વિપુલભાઈ પંડ્‍યા, હિતુભા જાડેજા, નયનેશ પંડ્‍યા, અતુલ ગઢીયા, પ્રશાંત બારોટ, રવિભાઇ સુરાણી, જયસુખભાઇ દુદકિયા, ભોડીભાઈ, ભરતભાઇ સોલંકી, દિલીપભાઇ પાંધી, રાહુલ ચાવડા, અમિતભાઈ ગડારા, નિલેષ અનડકટ, અનિલ મેવાડા, પરેશ પતિરા, અશોક બુટાણી, આનંદ ઠાકોર, મહેશ મહેતા, હિતેશ અનડકટ, પરેશ શીંગાળા વિગેરે આગેવાનો હાજર રહેલ હતા.

(2:49 PM IST)