News of Wednesday, 10th September 2025
રાજકોટમાં ૪ ચિલઝડપ કરનાર ઇટાળાના ધર્મેશ અને મેહુલને ક્રાઇમ બ્રાંચે દબોચ્યા
૫.૨૫ લાખના ચેઇન, બાઇક, મોબાઇલ કબ્જેઃ નંબર વગરનું બાઇક લઇ સાંજે ગામમાંથી નીકળી એકલા મહિલા-વૃધ્ધાને નિશાન બનાવી ચેઇન ખેંચી ભાગી જતાં હતાં: ચેઇન ખરીદનાર કમલેશ માંડલીયા સામે પણ કાર્યવાહી

રાજકોટ તા. ૧૦: શહેરમાં દસેક દિવસમાં ચિલઝડપના ચાર બનાવ બન્યા હતાં. આ ચારેય બનાવ ગાંધીગ્રામ પોલીસની હદમાં બન્યા હોઇ ડી. સ્ટાફ, એલસીબી ઝોન-૨, ક્રાઇમ બ્રાંચની ટીમો ભેદ ઉકેલવા કામે લાગી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચે બે ચિલઝડપકારને દબોચી લઇ સોનાના ત્રણ તૂટેલા ચેઇન કબ્જે કર્યા છે. મોજશોખ માટે આ બંને નંબર વગરનું ટુવ્હીલર લઇને નીકળતાં હતાં અને ઘરની બહાર ઉભેલા કે ચાલીને જતાં હોય એવા મહિલા, વૃધ્ધાઓને નિશાન બનાવી ચેઇન ખેંચી ભાગી જતાં હતાં. આા બંનેની સાથે ચોરાઉ ચેઇન ખરીદનારા સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ ગાંધીગ્રામ પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં ચેઇનની ચિલઝડપના ચાર બનાવો બન્યા હોઇ અલગ અલગ ટીમો ભેદ ઉકેલવા મથામણ કરી રહી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમને મળેલી બાતમી પરથી લોધીકાના ઇટાળા પાંભરના ધર્મેશ ભુરાભાઇ સનુરા (ઉ.વ.૩૧) તથા ઇટાળાની ધારના મેહુલ દેવરાજભાઇ સનુરા (ઉ.વ.૨૦)ને પકડી લઇ તેની પાસેથી ૧.૮૦ લાખનો સોનાનો તૂટેલો ચેઇન, ૧,૬૩,૨૦૦નો તૂટેલો ચેઇન અને ૧,૮૨,૨૦૦નો તૂટેલો ચેઇન મળી ૫,૨૫,૯૦૦ના ત્રણ ચેઇન તથા ૩૦ હજારનું જીજે૦૩એનએમ-૫૮૪૩ નંબરનું હોન્ડા શાઇન બાઇક અને ૧૫ હજારના બે મોબાઇલ ફોન મળી કુલ ૫,૭૧,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.
આ બંને સગામાં થાય છે અને છુટક કામ કરે છે. મોજશોખ માટે પૈસાની જરૂર હોઇ બાઇક લઇ પોતાના ગામથી મોટે ભાગે સાંજના સમયે નીકળતાં અને ત્યારે વાહનની નંબર પ્લેટ કાઢી નાંખતા હતાં. કોઇ શેરી ગલીમાં ઘર બહાર મહિલા ઉભા હોઇ કે ચાલીને જતાં હોય અથવા એકલા વૃધ્ધા ચાલીને જતાં હોય તો ગળા પર ઝોંટ મારી ચેઇન ખેંચી ભાગી જતાં હતાં. આ રીતે તેણે હનુમાન મઢી પાસે, માધાપર ચોકડી પાસે તેમજ અન્ય બે મળી ચાર ચિલઝડપના ગુના આચર્યા હતાં. આ બધા ગુના ગાંધીગ્રામ પોલીસમાં નોંધાયા હતાં. તેનો ભેદ ઉકેલાયો છે.
બંનેએ ચિલઝડપ કરેલા ચેઇન કરણપરા-૧૩માં બસ સ્ટેશન પાછળ રહેતાં કમલેશ હર્ષદભાઇ માંડલીયા (ઉ.વ.૨૪)ને વેંચ્યા હોઇ કમલેશ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ એ. એન. પરમાર, વી. ડી. ડોડીયા, એસ. વી. ચુડાસમા, એમ. કે. મોવલીયા, એએસઆઇ વિજયરાજસિંહ જાડેજા, અશોકભાઇ કલાલ, વિજયભાઇ સોઢા, અમિતભાઇ અગ્રાવત, હેડકોન્સ. કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, જયદેવસિંહ પરમાર, અર્જુનભાઇ ડવ, કિશનભાઇ પાંભર, મોહીલરાજસિંહ ગોહિલ, સુભાષભાઇ ઘોઘારી, સંજયભાઇ રૂપાપરા, પ્રતિકસિંહ રાઠોડ, દિપકભાઇ ચોૈહાણ, પ્રદિપસિંહ જાડેજા, રાજેશભાઇ જળુ, દિલીપભાઇ બોરીચા, જયરાજભાઇ કોટીલા, કોન્સ. તુલસીભાઇ ચુડાસમા, સંજયભાઇ ખાખરીયા, મહાવીરસિંહ જાડેજા, અનુજભાઇ ડાંગર, અરવિંદભાઇ ફતેપરા, કરણભાઇ કોઠીવાલ, સંજયભાઇ અલગોતર, પ્રશાંતભાઇ ચુડાસમા, ગોપાલભાઇ પાટીલ, મયુરધ્વજસિંહ જાડેજા, વિશાલભાઇ દવે, પોપટભાઇ ગમારાએ આ કામગીરી કરી હતી.
(1:27 PM IST)










