હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટમાં ડો.કુમાર વિશ્વાસ કરશે જલકથાઃ ‘અપને અપને શ્યામ કી'
આપણે આપણું પાણી બચાવીએ...સુત્ર સાર્થક કરીએ : જળસંચય માટે ૧,૧૧,૧૧૧ સ્ટ્રક્ચર બનાવવાના સંકલ્પ સાથે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ડીસેમ્બરમાં રેસકોર્ષના મેદાનમાં ત્રણ દિવસીય આયોજનઃ વિવિધ સમિતિઓની રચનાઃ સંસ્થાના આગેવાનો ‘અકિલા'ના આંગણે

રાજકોટઃ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની જળસંચય માટેની મહેનતના પરિણામ સ્વરૂપ સૌરાષ્ટ્રની કાયાપલટનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ ઐશ્વરિક કાર્યને વધુ બળ પુરું પાડવા હિન્દી ભાષાનાવિશ્વપ્રસિદ્ધ કવિ તત્વચિંતક અને કથાકાર ડો.કુમાર વિશ્વાસ ડિસેમ્બર માસમાં રાજકોટમાં ત્રણ દિવસ જલકથા કરશે.
ખાસ કરીને, શિક્ષિત વર્ગ અને યુવાનોમાં અપ્રતિમ લોકપ્રિયતા ધરાવતા શ્રી કુમાર વિશ્વાસ ફક્ત એક કવિ નથી, પણ ખરા અર્થમાં એક તત્વચિંતક પણ છે. તેઓ સામાજીક અને સાંસ્કૃતિક વિષયો પર પોતાના વિચારો સ્પષ્ટપણે રજૂ કરવા માટે વિખ્યાત છે. પ્રવચનો અને કથાના માધ્યમથી ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો પર ભાર મુકતા ડો.કુમાર વિશ્વાસના વિષયોમાં મુખ્યત્વે રામ, રામાયણ, શ્રીકૃષ્ણ, મહાભારત અને અન્ય પ્રાચીન ગ્રંથોનો સમાવેશ થાય છે.
આગામી તા.૧૫, ૧૬ અને ૧૭ ડિસેમ્બર દરમિયાન દરરોજ રાત્રે ૮ થી ૧૨ દરમિયાન તેઓ ‘‘જલકથાઃ અપને અપને શ્યામ કી'' વિષય પર કથા કરશે. આજની નવી જનરેશનને નવા વિચારો આપવા માટે વ્યાસપીઠ પર શ્રી કુમાર વિશ્વાસની પસંદગી કરવામાં આવી છે. કથા અંતર્ગત તેઓ શ્યામ કથા સાથે જળસંચયની આવશ્યકતા અને મહત્વને પણ વણી લેશે.
ખાસ કરીને, સૌરાષ્ટ્રની મોટામાં મોટી જરૂરીયાત પાણીની છે. ત્યારે જળસંચય માટે ચેકડેમો ઉંડા ઉતારવા, રીપેર કરવા, ઉંચા કરવા, નવા બનાવવા તેમજ બોર-કુવા રિચાર્જ, ખેત તલાવડી સોર્સ ખાડા વગેરે જેવા જળસંચયના ૧,૧૧,૧૧૧ સ્ટ્રક્ચરોના કાર્યો પૂર્ણ કરવાના સંકલ્પ સાથે કાર્યરત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ અને સંસ્થાની કોર ટીમ તેમજ સંસ્થા સાથે જોડાયેલા સૌ કોઈને પ્રયત્નોથી જળસંચયને લગતા લગભગ ૯,૦૦૦ સ્ટ્રક્ચરો પૂર્ણ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
આ કાર્યને વેગ મળે તે માટે સમાજ શ્રેષ્ઠિઓ અનુદાન માટે આગળ આવે તે હેતુથી આ જલકથાઃ અપને અપને શ્યામ કી'નું આયોજન થઈ રહ્યું છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજનાર આ કથામાં લગભગ દોઢ લાખ શ્રોતાઓ ઉપસ્થિત રહેશે. તેમ જણાવાયું છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયા અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોધરાએ દિલ્હી મુકામે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલના વડપણ તળે કવિ-તત્વચિંતક શ્રી કુમાર વિશ્વાસ સાથે બેઠક કર્યાબાદ શ્રી કુમાર વિશ્વાસે રાજકોટમાં ત્રણ દિવસની જલકથા કરવા સહમતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, અદભુત અને અવિસ્મરણીય બની રહેનાર આ જલકથા-શ્યામ કથાના આયોજનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રલય અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ ઉંડો રસ લઈ તમામ પ્રકારનું માગર્દન પુરું પાડી રહ્યા છે.
આ જલકથા અંગે વધુ માહિતી માટે મો.૯૪૦૯૬ ૯૨૬૩૯ ઉપર સંપર્ક કરી શકાય છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ગીરગંગા ટ્રસ્ટ પરિવારના સર્વશ્રી દિલીપભાઈ સખિયા દિનેશભાઈ પટેલ પ્રકૃતિપ્રેમી, પ્રતાપભાઈ પટેલ, વીરાભાઈ હુંબલ, જમનભાઈ ડેકોરા, શૈલેષભાઈ જાની, હરીશભાઇ લાખાણી, હરીશભાઈ લાખાણી, રમેશભાઈ ઠક્કર, સતીશભાઈ બેરા, યશવંતભાઈ ગોસ્વામી, ભરતભાઈ ટીલવા, સુરેશભાઈ દેસાઈ, ગિરીશભાઈ દેવડીયા, કૌશિકભાઇ સરધારા, ગોપાલભાઈ બાલધા, ભાવેશભાઈ સખીયા, મનીષભાઈ માયાણી, અમિતભાઈ દેસાઈ, સંજયભાઈ ટાંક, કૌશલભાઈ ખોયાણી, ડો.દેવાંગીબેન મૈયડ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)










