<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

હેલ્‍મેટનો હાથાપાઇમાં ઉપયોગઃ સફાઇ કામે આવતાં કાજલબેનને શો રૂમના મેનેજરે હેલ્‍મેટથી ફટકાર્યા

૧૫૦ રીંગ રોડ બાલાજી હોલ પાસે સત્‍વ બિલ્‍ડીંગમાં બનાવ ગઇકાલે દિકરાને મજા ન હોઇ નોકરીમાં રજા રાખી હતી આ બાબતે વાત કરતી વખતે શો રૂમના મેનેજર અભયભાઇએ ઉશ્‍કેરાઇ જઇ ઘા કરી લીધાનો આક્ષેપઃ મહિલા સારવાર માટે દાખલ થયા

રાજકોટ તા. ૧૦: શહેરમાં હેલ્‍મેટના કાયદાનો ફરજીયાત અમલ કરાવાવની શરૂઆત થયા બાદ બીજા દિવસથી ઝુંબેશ   હળવી પડી ગઇ હતી. જો કે અનેક વાહનચાલકો દંડથી બચવા હેલ્‍મેટ પહેરતા થઇ ગયા છે. અકસ્‍માત વખતે માથાની રક્ષા જેનાથી થાય છે એ હેલ્‍મેટનો લોકો હાથાપાઇમાં પણ ઉપયોગ કરવા માંડયા છે. ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા એક બિલ્‍ડીંગમાં સફાઇ કામ માટે આવતાં મહિલા સાથે એક શો રૂમના મેનેજરે ઝઘડો કરી હેલ્‍મેટથી હુમલો કરી બે ત્રણ ઘા મારી લેતાં મુંઢ ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

જાણવા મળ્‍યા મુજબ બાલાજી હોલ પાછળ ધોળકીયા સ્‍કૂલ નજીક સાગર ચોક પાસે ક્‍વાર્ટરમાં રહેતાં કાજલબેન દિનેશભાઇ મકવાણા (ઉ.વ.૩૦)ને તે બાલાજી હોલ નજીક સત્‍વ બિલ્‍ડીંગમાં હતાં ત્‍યારે અહિ શો રૂમમાં મેનેજર તરીકે નોકરી કરતાં અભય /અભી નામના વ્‍યક્‍તિએ તેણીને હેલ્‍મેટના ઘા ફટકારી દેતાં ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, ધર્મેન્‍દ્રભાઇ ચાવડાએ તાલુકા પોલીસને જાણ કરી હતી.

કાજલબેનના સગાએ કહ્યું હતું કે તેણી આ બિલ્‍ડીંગમાં અલગ અલગ ઓફિસોમાં સફાઇ કામ કરવા જાય છે. ગઇકાલે કાજલબેનના દિકરાને મજા ન હોઇ કામે રજા રાખી હતી. આજે સવારે કામે આવતાં અભય/અભીએ તમે રજા રાખો ત્‍યારે અમે ફોન કરીએ તો તમારા છોકરા ફોન ઉપાડે છે તેમ કહેતાં કાજલબેને ફોન કંપનીનો નથી, છોકરા ઉપાડે કે ગમે તે ઉપાડે તેમ કહેતાં બોલાચાલી થતાં અભીએ હેલ્‍મેટથી હુમલો કરી બે ત્રણ ઘા મારી લેતાં દેકારો મચી ગયો હતો. લોકો ભેગા થઇ જતાં કાજલબેનને છોડાવ્‍યા હતાં. તેણે પરિવારજનોને જાણ કરતાં હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. હેલ્‍મેટનો હથીયાર તરીકે પણ લોકો ઉપયોગ કરતાં થઇ ગયા છે. (૧૪.૧૦)

(3:45 PM IST)