News of Thursday, 11th September 2025
ચોથા માળ પર પ્લાસ્ટર કરતી વખતે લિફટના ગાળામાં પટકાતાં જેન્તીભાઇ ચંદ્રપાલનું મોત
પુષ્કર ધામ રોડ પર નવી બનતી પીજીવીસીએલ કચેરીની સાઇટ પર બનાવ ભીમનગરના પ્રોૈઢ ભત્રીજા સાથે કડીયા કામ કરવા ગયા હતાં: પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૧: શહેરના નાના મવા રોડ પર ભીમનગરમાં રહેતાં ૫૭ વર્ષના પ્રોૈઢ પુષ્કરધામ રોડ પર પીજીવીસીએલની કચેરીનું બાંધકામ ચાલુ હોઇ ત્યાં ચોથા માળે પ્લાસ્ટર કામ કરતી વખતે લિફટના ગાળામાં અકસ્માતે પડી જતાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ ભીમનગર શેરી નં. ૧૦માં રહેતાં જેન્તીભાઇ પ્રેમજીભાઇ ચંદ્રપાલ (ઉ.વ.૫૭) ગઇકાલે પુષ્કરધામ મેનઇ રોડ રાજ વાટીકા સોસાયટી નજીક પીજીવીસીએલની ચાર માળની કચેરી બની રહી હોઇ ત્યાં ભત્રીજા રવિભાઇ સાથે કડીયા કામ માટે ગયા હતાં. ચોથા માળે લિફટના ગાળા નજીક તેઓ પ્લાસ્ટર કામ કરતાં હતાં ત્યારે અકસ્માતે નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડ, પ્રકાશભાઇ રાઠોડ અને ધર્મેન્દ્રભાઇ ચાવડાએ જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર જેન્તીભાઇ કડીયા કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. તેઓ ત્રણ બહેન અને ચાર ભાઇમાં બીજા હતાં. સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. મોભીના મૃત્યુથી ચંદ્રપાલ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
વિજય પ્લોટના ૨૯ વર્ષના અશ્વીનભાઇ ઝરીયાનું
બેભાન હાલતમાં મોત
અન્ય બનાવમાં ગોંડલ રોડ વિજય પ્લોટ શેરી નં. ૧૫/૨૧ના ખુણે અવંતિકા હોટલ પાછળ રહેતાં અશ્વીનભાઇ ધનસિંગભાઇ ઝરીયા (ઉ.વ.૨૯) નામના યુવાનનું બેભાન હાલતમાં મૃત્યુ થયું હતું. તે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. અશ્વીનભાઇ કારખાનામાં કામ કરતો હતો અને બે ભાઇમાં મોટો હતો. સંતાનમાં એક દિકરી છે. લિવરની બિમારી હોવાનું સગાએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.
(2:32 PM IST)










