News of Thursday, 11th September 2025
સસરાને શ્રાધ્ધમાં ભેળવાયા તેમાં સંતાનને જમવા ન બોલાવાતા દિવ્યાબેને ફિનાઇલ પીધું
કુવાડવા રોડ પર ગુરૂદેવ પાર્કમાં બનાવઃ મહિલાને સારવાર માટે દાખલ કરાયાઃ તેણી ઉપરના માળે અને પતિ-સાસુ નીચેના માળે અલગ રહે છે

રાજકોટ તા. ૧૧: કુવાડવા રોડ પર ગુરૂદેવ પાર્ક-૨માં રહેતાં દિવ્યાબેન નરેન્દ્રભાઇ સુરાણી (ઉ.વ.૪૨) નામના મહિલા ઘરે ફિનાઇલ પી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. સસરાને શ્રાધ્ધમાં ભેળવવામાં આવ્યા હોઇ તેના જમણવારમાં તેણીના સંતાનને ન બોલાવાતાં માઠુ લાગતાં આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.
દિવ્યાબેનના લગ્ન પચ્ચીસ વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં એક દિકરો તથા એક દિકરી છે. તેના પતિ વાળંદ કામની દુકાન ચલાવે છે. પતિ તેના માતા સાથે નીચેના માળે રહે છે અને દિવ્યાબેન ઉપરના માળે રહે છે. તેણીએ આક્ષેપ કર્યો હતો કે લગ્ન થયા ત્યારથી ત્રાસ હોઇ પોતે અલગ રહે છે અને ઘરે બેઠા ઇમિટેશનનું કામ કરી ગુજરાન ચલાવે છે. ગઇકાલે સસરા ઠાકરશીભાઇ ભુપતભાઇ સુરાણીને શ્રાધ્ધમાં ભેળવવામાં આવ્યા હોઇ કુટુંબીજનોનો જમણવાર રાખવામાં આવ્યો હતો. તેમાં મારી સાથે રહેતાં સંતાનોને જમવાનું ન કહેવાતાં તે રડવા લાગ્યા હોઇ આ પછી સગાસંબંધીએ ઝઘડો પણ કર્યો હોઇ માઠુ લાગી જતાં પોતે ફિનાઇલ પી ગયા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી
(3:50 PM IST)










