તા. ૧૯ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ - ૪ મંગળવાર
News of Thursday, 11th September 2025
દિકરો અન્ય મજૂરની દિકરીને લઇ ગૂમ થઇ જતાં કુવાડવાના ખેરડીમાંથી એમપીના થોમસનું અપહરણ
રફાળા રોડે વાડીમાં મજૂરી કરતાં દિકરીના પિતા ગોરધન ભુરીયા, માતા સહિત ચાર જણા બાઇકમાં બેસાડી ઉઠાવી ગયાઃ કુવાડવા પોલીસે અપહૃતના પત્નિ અબલાબેનની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૧૧: કુવાડવાના ખેરડી ગામની સીમમાં ભાગીયુ ખેતર રાખી મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના આધેડનું આ ગામમાં જ રફાળા રોડ પર ખેતર વાવતો મજૂર તેની પત્નિ સહિતના ચાર જણા બળજબરીથી અપહરણ કરી જતાં ચકચાર જાગી છે. એમપીના મજૂરનો ૨૨ વર્ષનો દિકરો અને આરોપીની ૧૯ વર્ષની દિકરી ગૂમ થઇ ગયા હોઇ જ્યાં સુધી આ બંને નહિ મળે ત્યાં સુધી તમારે અમારી સાથે રહેવું પડશે કહીને મજૂરનું અપહરણ કરી જવામાં આવતાં પરિવારજનો આકુળવ્યાકુળ થઇ ગયા છે. આ અંગે પોલીસને જાણ કરતાં તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. દરમિયાન ક્રાઇમ બ્રાંચે અપહરણકારો અને અપહૃતને અમરેલી તરફથી શોધી કાઢયાનું જાણવા મળે છે.
આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે કુવાડવાના ખેરડી ગામની સીમમાં આવેલી અશોકભાઇ નરસીભાઇ લુણાગરીયાની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ એમપી જાંબુઆના અબલાબેન થોમેસભાઇ માવી (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી ગોરધન ભુરીયા, તેની પત્નિ અને એક અજાણયા શખ્સ તથા એક અજાણી મહિલા વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
અબલાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું હાલ પતિ અને સંતાનો સાથે ખેરડી ગામે ભાગમાં ખેતી કરી ગુજરાન ચલાવું છું. સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. ગત તા. ૯/૯ના અમે બધા ખેતરે સુઇ ગયા હતાં. ૧૦મીએ સવારે જાગીને જોતાં મારો નાનો દિકરો કાંતુ જોવા મળ્યો નહોતો. તેને ફોન કરતાં ફોન પણ બંધ હતો. બાદમાં બપોરે બે વાગ્યે હું અને મારા પતિ તથા બીજો દિકરો સંજય અમે બધા ખેતરમાં મરચા વિણતા હતાં ત્યારે ખેતરની બાજુના ભાગેથી ગરોધન ભુરીયા, તેની પત્નિ અને અજાણ્યા મહિલા તથા પુરૂષ આવ્યા હતાં. આ બધાએ મને મારા દિકરા કાંતુ વિશે પુછ્યું હતું.
અમારી બાજુનું ખેતર ગોરધન ભુરીયા વાવતો હોઇ જેથી અમે તેને ઓળખીએ છીએ. બાદમાં ગોરધને કહ્યું હતું કે મારી દિકરીને તમારો દિકરો કાંતુ લઇને ક્યાંક જતો રહ્યો છે, કાંતુ ક્યાં છે? જેથી અમે કહેલુ કે તે સવારનો અમને પણ મળતો નથી અને ફોન પણ બંધ આવે છે. આથી ગોરધન અને તેની પત્નિએ કહેલું કે જો તમારો દિકરો પાછો નહિ આવે તો અમે તમારા પતિને સાથે લઇ જઇશું. જેથી મેં કહેલુ કે મારા પતિને તમે લઇ જશો તો અમે કઇ રીતે તમારી દિકરી અને મારા દિકરાને શોધવા જઇશું? આ સાંભળી ગોરધન સહિતના બળજબરીથી મારા પતિને મોટરસાઇકલમાં બેસાડી અપહરણ કરી લઇ ગયા હતાં.
આ પછી અમે મારા પતિને શોધવા ગોરધન જ્યાં વાડી વાવે છે ત્યાં તથા આસપાસમાં તપાસ કરી હતી. પરંતુ મારા પતિની ભાળ મળી નથી. આ પછી મેં મારા જમાઇ વિપુલ કીલુભાઇ ભુરીયા, સંબંધી કમલેશભાઇ હટીલા સહિતને જાણ કરતાં તેણે પોલીસ ફરિયાદ કરવા કહ્યું હતું. મારો દિકરો કાંતુ નજીકમાં વાડી વાવતાં ગોરધન ભુરીયાની દિકરીને લઇને જતો રહ્યો છે તેવી શંકા રાખી ગોરધન, તેની પત્નિ સહિતના મારા પતિને ઉઠાવી ગયા હોઇ અમે ફરિયાદ કરી હતી. તેમ અબલાબેને વધુમાં કહેતાં કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં પીએસઆઇ બી. વી. ભગોરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ગુનો ઉકેલવામાં ક્રાઇમ બ્રાંચને સફળતા મળી હતી.
ક્રાઇમ બ્રાંચની ટીમે અપહરણકારો અને અપહૃતને અમરેલીથી શોધી કાઢયા
અપહરણની આ ઘટનામાં કુવાડવા પોલીસની સાથે ક્રાઇમ બ્રાંચની ટીમ પણ કામે લાગી હતી. ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અને પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ ડોડીયા અને ટીમના અનિલભાઇ સોનારા, સમીરભાઇ શેખ, હરપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ રાણા, જીલુભાઇ ગરચર, અશ્વીનભાઇ આહિર, મનિષભાઇ ચાવડા સહિતે તપાસનો ધમધમાટ શરૂ કરતાં પાક્કી માહિતી મળી હતી કે આરોપી અને અપહૃત અમરેલી તરફ છે. આથી ટૂકડી ત્યાં રાતો રાત પહોંચી હતી અને ચારેય આરોપી તથા અપહૃતને શોધી કાઢયા હતાં. આરોપીની વધુ પુછતાછ હાથ ધરવામાં આવી છે.
(3:24 PM IST)










