<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

સ્‍વામી સ્‍વરૂપાનંદ સરસ્‍વતીજીની સ્મૃતિરૂપે રાજકોટમાં ગૌ સ્‍વરૂપાશ્રમનું નિર્માણ કરો

સ્‍વામી શ્રી સ્‍વરૂપાનંદ સરસ્‍વતીજી મહારાજની આજે ત્રીજી પુણ્‍યતિથિ રાજકોટના તુષિત પાણેરીની મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇને પત્ર લખી રજુઆત

રાજકોટ તા. ૧૧ : સનાતની હિન્‍દુઓના સર્વોચ્‍ચ પદે રહેલા, દ્વારકા શારદાપીઠ તથા ઉત્તરાખંડ સ્‍થિત જ્‍યોતિર્મઠની બદ્રીપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્‍વામી સ્‍વરૂપાનંદ સરસ્‍વતીજી ૧૧ સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ ના રોજ ૯૯ વર્ષની વયે બ્રહ્મલિન થયા હતા. આજે તેમની ત્રીજી પુણ્‍યતિથિ છે, ત્‍યારે તેમની સ્‍મૃતિમાં રાજકોટમાં રાજય સરકાર દ્વારા ગૌસ્‍વરૂપાશ્રમની સ્‍થાપના કરવામાં આવે તેવી રાજકોટના સનાતની યજ્ઞોપવિત બ્રાહ્મણ તુષિત પાણેરીએ રાજયના મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને પત્ર લખી રજુઆત કરી છે.

રજુઆતમાં તેઓએ જણાવ્‍યુ છે કે વર્ષ ૧૯૫૦મા સ્‍વામી સ્‍વરૂપાનંદ સરસ્‍વતીજીએ દ્વારકા શારદાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્‍વામી બ્રહ્માનંદ સરસ્‍વતીજી પાસેથી દંડ સન્‍યાસની દીક્ષા લીધી અને સ્‍વામી સ્‍વરૂપાનંદ સરસ્‍વતીજીના નામથી ઓળખાવા લાગ્‍યા. તેઓએ ગૌ માતાના સંવર્ધન માટેની અનેક મુહિમ પણ ચલાવી હતી. આ મહાન ધર્મ વિભૂતીની કાયમી સ્‍મળતિ હેતુ મુખ્‍યમંત્રી તરીકે આપના સીધા સંચાલન હેઠળ રાજકોટ ની ભાગોળે વિશાળ જગ્‍યા ફાળવી એક ગૌ સ્‍વરૂપાશ્રમ ની સ્‍થાપના કરવામાં આવે તો ગૌ માતાનું યોગ્‍ય સંવર્ધન પણ થાય અને સાથે દૂધ ઉત્‍પાદન થકી સરકારને પુષ્‍કળ આવક ઊભી થઈ શકે. તેમજ ગાયના છાણમાથી જૈવિક ખાતર પણ બને.

આ ખાતરનો ઉપયોગ કુવૈત જેવા ખજૂર અને ડ્રાય ફ્રુટની ખેતી કરતા અરબ દેશોમા ખુબ થાય છે. સાથે એક આધુનિક સાધનોથી સજ્જ એક લેબોરેટરી પણ બનાવાય. જ્‍યાં ગાયના છાણમા અમુક વૈજ્ઞાનિક સંશોધન કરીને ઘણી નવી લોકઉપયોગી ખેત ઉપયોગી આરોગ્‍ય અને પર્યાવરણની જાળવણી માટેના અનેક ઉત્‍પાદનો વિકસાવી શકાય. જેનાથી ઘણી મોટી રોજગારીની તકોનું પણ સર્જન થઈ શકે.

આપણા દેશમાથી ગાયના છાણની નિકાસ ખુબ વધી રહી છે, કેન્‍દ્ર સરકારે વર્ષ ૨૦૨૪મા ૪૦૦ કરોડ રૂપિયાના મૂલ્‍યનું ગાયનું છાણ અને તેનાથી બનેલા વિવિધ ઉત્‍પાદનોની નિકાસ કરી છે. ત્‍યારે મારી પાસે આ બાબતનો આખો પ્રોજેક્‍ટ આઈડિયા છે, જે વૈદિક ધર્મ અને જૈવિક સંશોધનનો સંગમ સાબિત થશે. સરકાર કઇક વિચારે તે ઇચ્‍છનીય છે. તેમ રજુઆતના અંતમાં રાજકોટના સનાતની યજ્ઞોપવિત બ્રાહ્મણ તુષિત પાણેરી (મો.૯૪૨૭૨ ૪૨૨૫૩)એ જણાવ્‍યુ છે.

(3:53 PM IST)