News of Friday, 12th September 2025
જિલ્લા પંચાયતની કામચલાઉ કચેરીની મરામતમાં
ખર્ચના મામલે ગરમાવો : પેમેન્ટ રોકી તપાસનો આદેશ

રાજકોટ, તા. ૧ર : જિલ્લા પંચાયતની જુની કચેરી તોડી નવી કચેરી તૈયાર ન થાય ત્યા સુધી સિવિલ હોસ્પીટલ ચોકમાં જુની કોર્ટ બિલ્ડીંગમાં કામચલાઉ ધોરણે કચેરી ફેરવતા પૂર્વે થયેલ મરામત અને સફાઇના ખર્ચના મુદ્દે પંચાયતમાં વધુ એક વખત ગરમાવો આવી ગયો છે. વિપક્ષ કોંગ્રેસના નેતા મનસુખ સાકરીયાએ સામાન્ય સભામાં આ મુદ્દોે ઉઠાવેલ તેમજ વિવિધ સ્તરે રજૂઆત કર્યાનું જણાવેલ. પંચાયતના ઉચ્ચ વહીવટી તંત્ર સુધી મામલો પહોંચતા આક્ષેપની તપાસ કરી સત્ય બહાર લાવવા આદેશ થયાનું જાણવા મળેલ છે. તપાસ પુરી ન થાય ત્યાં સુધી કામ કરનાર એજન્સીને બાકીના નાણા ન ચુકવવા સુચના આપવામાં આવેલ છે.
કોર્ટ બિલ્ડીંગની કચેરીમાં સફાઇ તેમજ ઇલેકટ્રોનિક વસ્તુઓની ફેરબદલી અથવા નવેસરથી ફીટીંગ માટે જે તે વખતે વાર્ષિક યોજના મુજબ કામ કરવામાં આવેલ. એજન્સીએ કામ કર્યા બાદ નાણાં મેળવવા બીલ પંચાયતમાં રજૂ કરેલ. અમુક કામના જેટલા રૂપિયા થવા જોઇએ તેનાથી અનેક ગણા વધુ રૂપિયાનો બીલમાં ઉલ્લેખ હોવાનો સામે આવેલ. વિપક્ષી નેતાએ કામમાં ભ્રષ્ટાચાર થયાનો તેમજ કામની ગુણવતા નબળી રહ્યાનો આક્ષેપ કરેલ. મીડિયામાં આ મુદ્દો અવારનવાર ચમક્યો છે. પંચાયતની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભ્રષ્ટાચારના મુ્દે હોબાળો થતાં શાસકો ચોંકી ઉઠયા છે. જે તે વખતે ૧ર લાખ જેટલું પેમેન્ટ ચુકવાઇ ગયાનું અને બાકીનું પેમેન્ટ હજી ચુકવવાનું બાકી હોવાનું જાણવા મળે છે. ઉચ્ચ અધિકારીઓએ આ મામલે બાંધકામ શાખાને ઉંડા ઉતરી તપાસ કરવા સુચના આપી છે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બાકીનું પેમેન્ટ ચુકવાશે નહીં.
આ પ્રકરણ અંગે જિલ્લા પંચાયતમાં વહીવટી અને રાજકીય ચહલપહલ જોવા મળે છે. તપાસ માટે સમિતિ બનાવવામાં આવે તેવી શકયતા છે. આક્ષેપ અંગે પદાધિકારીઓ પણ સંયુકત રીતે અસરકારક જવાબ આપવાની તૈયારીમાં હોવાના નિર્દેશ છે. (૯.ર૩)
(2:43 PM IST)










