<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

આરટીઓના ઇ-ચલણની પીડીએફ મોકલી મુકેશભાઇના રૂા. ૧૦ લાખ ઉસેડી લેવાયા

એરપોર્ટ રોડ પર મારૂતિનગરમાં રહેતાં વેપારી સાથે બનાવ વ્‍હોટ્‍સએપમાં મળેલી ફાઇલ ખોલી પણ ખુલી નહિઃ બે દિવસ બાદ બેંકમાંથી ધડાધડ નાણા ઉપડી ગયાના મેસેજ આવ્‍યાઃ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૨: સાયબર ફ્રોડના વધુ એક બનાવમાં આરટીઓના ઇ-ચલણના નામે વેપારીને છેતરી લેવાયા છે. શહેરના એરપોર્ટ રોડ મારૂતિનગર-૨માં સદગુરૂ વાટિકા બી-૭૦૧માં રહેતા મુકેશભાઈ સુરેશચંદ્ર મુખરેજા (ઉ.વ.૪૯) નામના વેપારીએ  વ્‍હોટ્‍સએપમાં આવેલી આરટીઓના ઇ-ચલણની પીડીએફ ખોલવાનો પ્રયાસ કરતાં જ તેના બે અલગ અલગ બેંક એકાઉન્‍ટમાંથી રૂા. ૧૦ લાખ ઉપડી જતાં સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ દાખલ થઇ છે.

મુકેશભાઇ મુખરેજા કુવાડવા રોડ ખાતે કલ્‍પના ટ્રેડિંગ નામની પેઢી ચલાવી ગાર્મેટ એસેસરીઝ ટ્રેડિંગનો વેપાર કરે છે. ગત તા.૧૫/૦૭/૨૦૨૫ના રોજ તે પોતાની પેઢી ખાતે હતાં ત્‍યારે બપોરના સમયે બારેક વાગ્‍યે તેના ફોનમાં વહોટ્‍સએપ એપ્‍લિકેશનમાં અજાણ્‍યા નંબર પરથી આરટીઓ ઈ-ચલણ નામની પીડીએફ જેવી ફાઈલ આવેલ હતી. જેમાં લખેલું હતું કે, તમારું ઈ-ચલણ ફાટેલ છે.આ ફાઈલને ઓપન કરતા તે ખૂલી નહોતી.  ત્‍યારબાદ તા.૧૭/૦૭ના રોજ તેના ફોનમાં ખાનગી બેંકના મોબાઈલ બેન્‍કિંગનું કોઈ જગ્‍યાએ રજિસ્‍ટ્રેશન થયું હોય તેવા ઘણા મેસેજ ઈનબોક્‍સમાં જોવા મળ્‍યા હતા.

આથી તે અને તેના પુત્ર  રણછોડનગરમાં આવેલી તે બેંક ખાતે રૂબરૂ પહોંચ્‍યા હતાં તપાસ કરાવતાં તેમના એકાઉન્‍ટમાંથી પાંચ-પાંચ લાખના ટ્રાન્‍જેક્‍શન થઇ ગયાની ખબર પડી હતી. આ રકમ જેના એકાઉન્‍ટમાં જમા થઇ તે બે ખાતાધારકો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. (૧૪.૯)

(2:45 PM IST)