તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th September 2025
પડધરીમાં નશાખોર પતિના હુમલામાં ઘાયલ કનુબેનનું મોતઃ બનાવ હત્યામાં પલ્ટાયો
નાની બહેને કહ્યું-પપ્પા મમ્મીને રૂમમાં પુરીને મારે છે, બાજુમાં અલગ રહેતો દિકરો રાજેશ વંડી ઠેંકી બચાવવા માટે અંદર કૂદ્યો પણ ત્યાં સુધીમાં પિતા હુમલો કરી ભાગી ગયો હતો : જમવાનું બનાવવા મામલે ડખ્ખો થતાં લાકડીઓના ઘા ફટકાર્યા હતાં: પડધરી પોલીસે પુત્રની ફરિયાદ પરથી પિતા સામે ગુનો નોંધ્યોઃ આરોપીને ઝડપી લેવા તજવીજઃ પાંચ સંતાને માતા ગુમાવતાં અરેરાટી

રાજકોટ તા. ૧૩: પડધરીના ગીતાનગરમાં રહેતાં કનુબેન વલ્લભ વાઘેલા (ઉ.વ.૪૦) ઉપર ગુરૂવારે રાતે નશાખોર પતિ વલ્લભ વાઘેલાએ લાકડીથી હુમલો કરી માથામાં ઘા ફટકારતાં ગંભીર ઇજા સાથે તેણીને રાજકોટ સારવાર માટે ખસેડાઇ હતી. સારવારમાં દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો. નશાની હાલતમાં જમવાનું બનાવવા મામલે વલ્લભે ડખ્ખો કરી હત્યા નિપજાવ્યાનું બહાર આવ્યું હતું. હત્યાના આ બનાવમાં પડધરી પોલીસે મૃતક કનુબેનના પુત્ર રાજેશ વલ્લભભાઇ વાઘેલા (ઉ.વ.૨૨)ની ફરિયાદ પરથી તેના પિતા વલ્લભ ગગજીભાઇ વાઘેલા વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ કરી છે.
હત્યાનો ભોગ બનનાર કનુબેનને સંતાનમાં ત્રણ દિકરા અને બે દિકરી છે. રાજેશે ફરિયાદમાં જણાવ્યું છે કે હું છુટક મજૂરી કરુછું. મારા અન્ય ભાઇઓના નામ જેન્તીભાઇ અને દશરથ છે. બહેનોના નામ સંગીતાબેન, સોનુબેન છે. અમે બંને ભાઇઓ અમારા પરિવાર સાથે માતા-પિતાથી અલગ રહીએ છીએ. નાનો ભાઇ દશરથ તથા બે નાની બહેન માતા-પિતા સાથે રહે છે. ગુરૂવારે રાતે દસેક વાગ્યે હું ઘરે હતો ત્યારે નાની બહેન સોનલ અમારા ઘરે દોડતી આવી હતી અને કહ્યું હતું કે પપ્પા આપણી મમ્મીને ઘરમા પુરીને તેને મારે છે અને ઝગડો કરે છે. આથી હું દોડીને મારા મમ્મી-પપ્પા રહે છે તે ઘરે ગયેલ અને ત્યા જોયેલ તો ઘરનો દરવાજો અંદરથી બંધ હાલતમાં હતો જેથી હુ બાજુના મકાનમાથી કુદીને અમારા ઘરની અદર ગયેલ અને ત્યાં જોયું તો મારી મમ્મી કનુબેન લોહીલુહાણ હાલતમાં ઓસરીમા પડેલ હતા અને તેમના માથાના ભાગેથી લોહી નીકળતુ હતુ. ત્યા બાજુમા લોહીવાળી લાકડી પડેલ હતી અને ઘરનો પાછળનો દરવાજો ખુલ્લો હતો અને મારા પપ્પા વલ્લભભાઇ ગગજીભાઇ વાઘેલા ત્યાથી ભાગી ગયાનું જાણવા મળ્યું હતું.
મેં આસપાસમાં જોયુ હતું પણ મારા પિતા ત્યાં જોવા મળ્યા નહોતાં. બાદ હુ તથા મારો ભાઈ જેન્તીભાઇ પણ ત્યા આવી ગયેલ તે તથા અમારા પાડોશી મજુબેન તથા વિજુબેન મારી માતાને પ્રથમ પડધરી વાસાણી સાહેબના દવાખાને સારવાર માટે લઇ ગયેલ અને ત્યા ફરજ પરના ડોક્ટર દ્વારા જણાવેલ કે મારી માતાને માથામા ગંભીર ઇજા થયેલ હોઇ રાજકોટ લઇ જવા પડશે. જેથી અમે માતા કનુબેનને રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા હતાં. જ્યાં મારા માતાને ઇમરજન્સી વોર્ડમા વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતાં.
પોલીસે ઉપરોક્ત ફરીયાદ પરથી હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. સારવાર દરમિયાન કનુબેનનું મોત થતાં હત્યાની કલમ ઉમેરવા તજવીજ કરી હતી. જમવાનું બનાવવા મામલે નશાખોર વલ્લભે પત્નિ સાથે ઝઘડો કરી લાકડીઓના ઘા ફટકારી મોતને ઘાટ ઉતારી દીધાનુ પ્રાથમિક રીતે બહાર આવતાં પીએસઆઇ વી. કે. સુરાણી અને સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.
(12:57 PM IST)










