તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th September 2025
લોઠડામાં નળીથી સટ મારતી વખતે ઓઇલ પીવાઇ જતાં યુવાનનું મોત
ટાંકામાંથી બેરલમાં નળીથી ભરતી વખતે બનાવઃ મુળ બિહારનો યુવાન વર્ષોથી અહિ રહી મજૂરી કરતો હતોઃ સારવારમાં દમ તોડતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૩: સરધાર નજીકના લોઠડા ગામે આવેલી એકે બોલ્સ એન્ડ રોલર્સ નામની કંપનીમાં કામ કરતાં અને ત્યાંની ઓરડીમાં રહેતાં મુળ બિહારના મોસત્કી ક્યાસુદ્દિન મન્સુરી (ઉ.વ.૩૪) નામના યુવાનથી ભુલથી ઓઇલ પીવાઇ જતાં ઝેરી અસર થતાં મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ ગઇકાલે મોસત્કી કંપની ખાતે હતો ત્યારે ગ્રાઇન્ડીંગ ઓઇલ પીવાઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. તપાસમાં ખુલ્યા મુજબ આ યુવાન મુળ બિહારનો વતની હતો અને વર્ષોથી અહિ કામ કરી અહિ જ રહેતો હતો. તે ટાંકામાંથી બેરલમાં ઓઇલ ભરવાનું હોઇ પંપ મુકવાને બદલે નળી મુકી સટ મારવા જતાં ઓઇલ પી ગયો હતો. જેનાથી ઝેરી અસર થતાં મોત થયું હતું.
તે પાંચ બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતો. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. આ બધા વતનમાં રહે છે. મોસત્કીના મૃતદેહને અંતિમવિધી માટે વતન બિહાર લઇ જવાયો હતો.
(2:23 PM IST)










