તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th September 2025
શાપરમાં ‘હિટ એન્ડ રન': રસ્તો ઓળંગી રહેલા નયનાબેનનું બાઇકની ઠોકરે મોત
મહિલાઓ નવા કામનું નક્કી કરીને પરત ફરતાં હતાં: રિક્ષામાંથી ઉતરી સામેની તરફ જતાં હતાં ત્યારે બનાવઃ ડાભી પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૩: શાપર વેરાવળમાં ચિત્રકુટ હોટલ નજીક કેપ્ટન ગેઇટ સામે હિટ એન્ડ રનની ઘટનામાં શાપરના મહિલાનું ગંભીર ઇજા થતાં મોત થયું છે. આ મહિલા રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે બોઇક ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. પોલીસને વાહનના નંબર મળી જતાં ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ શાપર વેરાવળમાં પોસ્ટ ઓફિસ પાછળ સર્વોદય સોસાયટીમાં ચંદ્રીકાબેનના મકાનમાં ભાડેથી રહેતાં મુળ ઉપલેટાના વરજાંગ જાળીયા ગામના નયનાબેન નિલેષભાઇ ડાભી (ઉ.વ.૩૯) ગઇકાલે શાપરમાં કેપ્ટન ગેઇટ સામે ચાલીને રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે બાઇકનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં નયનાબેનને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત થયું હતું.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં શાપરના એએસઆઇ ડી.આર. સરવૈયાએ મૃતકના પતિ નિલેષભાઇ વકનભાઇ ડાભીની ફરિયાદ પરથી બાઇક નં. જીજે૦૩એજે-૭૩૮૨ના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. મૃત્યુ પામનાર નયનાબેનને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પતિ છુટક મજૂરી કરે છે. નયનાબેન અને અન્ય મહિલાઓને કંપનીમાં નવુ કામ શોધવું હોઇ જેથી બધા ગયા હતાં. પરત આવી રિક્ષામાંથી ઉતરી રસ્તો ઓળંગતા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.
(2:26 PM IST)










