તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th September 2025
છ મહિના પહેલા લવમેરેજ કરનાર રૈયાધારની વૈશાલીનું ગળાફાંસાથી મોતઃ પિતાએ કર્યો હત્યાનો આક્ષેપ
પિતા ગિરીશભાઇ મકવાણાએ કહ્યું-દિકરીને ફસાવીને જયદીપે લગ્ન કરી લીધા હતાં, ખુબ ત્રાસ હતો તેણીને મારી નાખવામાં આવી છેઃ પતિ જયદિપે કહ્યું-ફાકી ખાઇને આવ્યો ત્યારે પત્નિ લટકતી મળીઃ કારણ ખબર નથીઃ પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથ ધરી : વૈશાલીબેનનો નિષ્પ્રાણ દેહ, ફાઇલ ફોટો અને આક્ષેપ કરનારા પિતા ગિરીશભાઇ મકવાણા

રાજકોટ તા. ૧૩: રૈયાધારમાં ઇન્દિરાનગરમાં રહેતી નવોઢાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પોતાના ઘર નજીક જ રહેતાં યુવાન સાથે છ મહિના પહેલા આ યુવતિએ કોર્ટ મેરેજ કર્યા હતાં. પતિએ આત્મહત્યા પાછળ કોઇ કારણ પોતે જાણતો ન હોવાનું કહ્યું હતું. બીજી તરફ પિતાએ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે વિલાપ સાથે આક્ષેપો કરી જણાવ્યું હતું કે મારી દિકરીએ આત્મહત્યા નથી કરી, તેની હત્યા કરવામાં આવી છે. પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ રૈયાધાર ઈન્દીરાનગરમાં રહેતી વૈશાલીબેન જયદીપભાઈ રાઠોડ (ઉ.વ.૨૦) નામની નવોઢાએ રૂમમાં લોખંડના એંગલમાં દૂપટ્ટો બાંધી દેહ લટકાવી દેતાં બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ તબિબે તેણીને મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એએસઆઇ હિતેષભાઇ જોગડાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર વૈશાલીબેનના માવતર રૈયાધારમાં જ રહે છે. તેણીના પિતાનું નામ ગિરીશભાઇ વશરામભાઇ મકવાણા છે. વૈશાલીબેન ત્રણ બહેન અને એક ભાઇમાં વચેટ હતી. તેણીએ છ મહિના પહેલા પડોશમાં જ રહેતાં જયદિપ ગણપતભાઇ રાઠોડ સાથે લવમેરેજ કર્યા હતાં. જયદિપ કંપનીમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે.
દિકરીનું મોત થયાની જાણ થતાં પિતા ગિરીશભાઇ મકવાણા સહિતના માવતર પક્ષના લોકો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં. પિતા ગીરીશભાએ આક્ષેપ કર્યો હતો કે મારી દિકરીને જયદિપે પ્રેમમાં ફસાવી લગ્ન કરી લીધા હતાં. મારી દિકરીને જયદીપ સહિતના પરિવારજનો મારકુટ કરી ત્રાસ આપતાં હતાં. મને પુરી શંકા છે કે મારી દિકરીએ આત્મહત્યા નથી કરી પણ તેની હત્યા થઇ છે. આક્ષેપોને પગલે પોસ્ટમોર્ટમ રૂમ ખાતે વાતાવરણ તંગ થઇ ગયું હતું. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ ફોરેન્સિક નિષ્ણાંત દ્વારા કરાવ્યું હતું.
મૃતકના પતિ જયદિપે કહ્યું હતું કે અમે સાથે જમ્યા હતાં, રાતે સાડા નવેક વાગ્યે હું જમીને ફાકી ખાવા ગયો હતો. પાછો આવ્યો ત્યારે દરવાજો અંદરથી બંધ હોઇ પાટુ મારી તોડીને જોતાં મારી પત્નિ લટકતી હોઇ દેકારો મચાવતાં ઘરના બીજા લોકો ભેગા થઇ ગયા હતાં અને અમે તેણીને નીચે ઉતારી હોસ્પિટલે લાવ્યા હતાં. તેણીએ આપઘાત શું કામ કર્યો તેની મને જાણ નથી. અગાઉ પણ તેણીએ આવો પ્રયાસ કર્યાનું જયદિપે કહ્યું હોઇ ખરેખર શું બન્યું? તેની પોલીસ તપાસ કરી રહી છે. લાડકવાયી દિકરીના મોતથી માવતર પક્ષમાં પણ કલ્પાંત સર્જાયો હતો.
(2:27 PM IST)










