તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th September 2025
દાન મેળવવાના બહાને ટ્રસ્ટની ખોટી પહોંચ બતાવી ઉઘરાણા કરતી શહેનાઝ પકડાઇ
અઢી વર્ષ પહેલા બનાવઃ મવડીમાં મગનભાઇની દુકાને ખોટી પહોંચ આપી દાન મેળવી છેતરપીંડી કરતીઃ માલવીયાનગર પોલીસે મહિલાને ઝડપી લીધી

રાજકોટઃ તા.૧૩, મવડી વિસ્તારમાં દાન મેળવવાના બહાને ટ્રસ્ટની ખોટી પહોંચ બતાવી ઉધરાણા કરી છેતરપીંડીના ગુનામાં અઢી વર્ષથી ફરાર મહિલાને માલવીયાનગર પોલીસે પકડી લીધી હતી.
મળતી વિગત મુજબ મવડી શાકમાર્કેટ પાસે દાન મેળવવાના બહાને એક મહિલા કોઇ ટ્રસ્ટની ખોટી પહોંચ આપી પૈસાના ઉધરાણા કરતી હોવાની બાતમી મળતા માલવીયાનગર પોલીસ મથકના પી.આઇ. જે.આર. દેસાઇના માર્ગદર્શન હેઠળ પી.અસ.આઇ. એમ.જે. ધાંધલ તથા સ્ટાફે મવડી શાકમાર્કેટ પાસેથી શાહેનાઝ શોકતભાઇ જેમલાણી(રહે.: સ્ટર્લીંગ હોસ્પિટલની પાછળ, આવાસ યોજના કવાર્ટર બ્લોક નં.૧, કવાર્ટર નં. ૧૪૭)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. પોલીસની પુછપરછમાં અઢી વર્ષ પહેલા મવડી વિસ્તારમાં વેપારી મગનભાઇની દુકાને જઇ શહેનાઝે શ્રી અલખધણી ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ નામની ખોટી પહોંચ બતાવી રોકડ દાન મેળવી છેતરપીંડી કરતા માલવીયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ મહિલા અગાઉ અમરેલી પોલીસ મથકમાં પણ પકડાઇ હતી.
આ કામગીરી પી.આઇ. જે.આર. દેસાઇના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.જે.ધાંધલ, પી.વી. ડોડીયા, એ.એસ.આઇ. કેતનભાઇ શેખલીયા, હેડ કોન્સ. અજયભાઇ વિક્રમા, ચીત્રકેતુસિંહ ઝાલા, કોન્સ. મનીષભાઇ સોઢીયા, જયદીપભાઇ ભટ્ટી, અમરદિપસિંહ જાડેજા, કોન્સ. નીલમબેન દ્વારા કરવામાં આવી હતી.
(4:09 PM IST)










