<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

ભવાનીનગરની કોમલબેનને પતિ મોહિત પરમાર, સાસુ, સસરાનો ત્રાસ: દિકરી જન્મતા સાસુએ:“અમારે તો પહેલા ખોળે છોકરો આવે તારે કેમ છોકરી આવી' કહી મેણા માર્યા: દારૂ પી પતિ બીજી સ્ત્રી સાથે વાતો કરતો: મહિલા પોલીસમાં ફરિયાદ

રાજકોટ: પરિણીતાને ત્રાસ આપવાની વધુ એક ઘટના શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. બનાવ અંગે મહિલા પોલીસ સ્ટેશન દ્વારા રામનાથપરા ભવાનીનગરમાં રહેતાં કોમલબેન (ઉ.વ.૨૨)ની ફરિયાદ પરથી તેણીના પતિ મોહિત પરમાર,, સાસુ ગોમીબેન અને સસરા દિલીપભાઈ (રહે. બધા રઘુનંદન પાર્ક, મહિકાના પાટિયે) સામે ત્રાસ ગુજાર્યાનો ગુનો દાખલ થયો છે.

આ અંગે કોમલબેને પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેના લગ્ન ૨૦૨૨માં થયા હતા. સંતાનમાં એક પુત્રી છે, લગ્નના એકાદ વર્ષ બાદથી સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેના ઘેર દિકરીનો જન્મ થતાં સાસરિયાઓને ગમ્યું ન હતું. સાસુ 'અમારે તો પહેલા ખોળે છોકરા આવે છે, તારે કેમ છોકરી આવી' કહી મેણા-ટોણા મારતા હતા. એટલું જ નહીં જીયાણા બાબતે પણ સાસુ મેણા-ટોણા મારતા હતા. તેમજ પતિને અન્ય યુવતી સાથે આડા સંબંધ હોવાની જાણ થતાં તેને પૂછતાં માફી માંગી હવે આવી ભુલ નહીં થાય તેમ કહેતો હતો પરંતુ પતિ અવાર-નવાર અન્ય યુવતીઓ સાથે વાતચીત કરતા પકડાતા પતિને કહેતા હાથ ઉપાડી લેતો હતો અને ઘરે અવાર-નવાર દારૂ પી આવી ઝઘડા કરતો હતો. સાસુ-સસરાને વાત કરતા તે ‘તું જ એવી છે, મારા દિકરાને બદનામ કરે છે' તેમ અને નણંદ ‘તું મારા ભાઈને છૂટાછેડા આપી દે'તેમ કહેતી હતી. ગઇ તા.૨૬-૬-૨૫ના પતિનો જન્મ દિવસ હોવાથી રેસકોર્સ પતિ અને પુત્રી સાથે જવાનું હતું. પરંતુ પતિ દારૂ પી જતા ત્રણેય રિક્ષામાં ગયા બાદ પતિ તેને પિયર મુકી ગયો હતો. તેણે સાસુને કોલ કરતા બીજા દિવસે સાસુ-નણંદ સહિતના આવ્યા હતા. વાતચીત બાદ સાસુએ કાલે મોહિતને મોકલીશ તેમ કહ્યું હતું. ત્રીજા દિવસે પતિ આવતા તેને દારૂ અને અન્ય યુવતી સાથે સંબંધની વાત કરતા ઝઘડો કરવા લાગ્યો હતો. ઘર ચલાવવું હોવાથી તે દશામાના વ્રત સમયે ફઇ સાથે સાસરીયામાં જતાં ત્યાં બન્ને વચ્ચે માથાકૂટ થતાં પોલીસ બોલાવાઇ હતી. ત્યારબાદ તેણે સમાધાનના પ્રયાસો કર્યા હતા. પરંતુ સાસરિયાઓ છૂટાછેડા આપવા દબાણ કરતા અંતે ફરિયાદ નોંધાવી હતી. તેમ ફરીયાદમાં જણાવ્યું છે. હેડકોન્સ. એ.ડી. રેથળિયાએ તપાસ હાથ ધરી છે.

(10:09 AM IST)