<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

સેલ્‍ફી સ્‍ટીકમાં મોબાઇલ ફોન રાખી પાછા પગે ચાલતી વખતે હર્ષ મિત્રોની નજર સામે તળાવમાં ડૂબ્‍યોઃ મોત

રવિવારની રજા હોઇ ચાર મિત્રો કણકોટ તળાવે ન્‍હાવા ગયા અને કરૂણ ઘટના બની :બચાવવા માટે ગયેલો મિત્ર ડુબવા લાગતાં તેને ત્રીજાએ બચાવી લીધોઃ મુળ યુપીનો ૧૭ વર્ષનો હર્ષ એક્‍સટર્નલ અભ્‍યાસની સાથે મોટા ભાઇને ટ્રાન્‍સપોર્ટના કામમાં મદદ પણ કરતો હતો

 

રાજકોટ તા. ૧૫: કણકોટ નજીક આવેલા તળાવમાં મિત્રો સાથે ન્‍હાવા ગયેલો ૧૫૦ ફુટ રીંગ રોડ ગોવર્ધન ચોક પાસે સુખસાગર સોસાયટીમાં રહેતો ૧૭ વર્ષનો હર્ષ મંગલપ્રસાદ દુબે હાથમાં સેલ્‍ફી સ્‍ટીકમાં મોબાઇલ ફોન રાખી પોતાની સેલ્‍ફી લેવા પાછળ પાછળ ચાલતી વખતે તળાવમાં ડૂબી જતાં કરૂણ મોત થયું હતું. તેની સાથેના મિત્રએ બચાવવા પ્રયાસ કરતાં તે પણ ડુબવા લાગ્‍યો હતો, જો કે અન્‍ય મિત્રએ તેને બચાવી લીધો હતો.

જાણવા મળ્‍યા મુજબ સુખસાગર સોસાયટીમાં મોટા ભાઇ ધર્મેશભાઇ સાથે રહેતો મુળ યુપીનો હર્ષ દુબે ગઇકાલે પોતાના ત્રણ મિત્રો આત્‍મીય અને મારવાડી કોલેજના છાત્રો સાથે કણકોટના તળાવ ખાતે ન્‍હાવા માટે ગયો હતો. આ વખતે હર્ષ હાથમાં સેલ્‍ફી સ્‍ટીક રાખી મોબાઇલ ચાલુ કરી પોતાની સેલ્‍ફી વિડીયો લેવા માટે પાછળ પાછળ ચાલતો હતો ત્‍યારે અચાનક તળાવમાં પડી જતાં ડુબવા માંડયો હતો. આથી તેને બચાવવા મિત્ર ગોૈરવ દોડયો હતો, પરંતુ તે પણ ડુબવા માંડતા તેને બચાવવા ત્રીજો મિત્ર અમન આગળ વધ્‍યો હતો. અમને ગમે તેમ કરીને ગોૈરવને બચાવી લીધો હતો પરંતુ કમનસીબે હર્ષ પાણીમાં ગરક થઇ ગયો હતો.

આ પછી ત્રણેય મિત્રો ગભરાઇને ઘરે ગયા હતાં અને અમને પોતાના પિતાને વાત કરતાં ફાયર બ્રિગેડ, ૧૦૮, પોલીસને જાણ કરાઇ હતી. કણકોટના તરવૈયાઓ અને મૃતકના સગા તથા ફાયર બ્રિગેડના વનરાજસિંહ, મોૈલિક છનીયારા, નિલેષ વડેખણીયા, હાર્દિક વાઘેલા, મયુર મેટાલીયા, સિધ્‍ધરાજસિંહ સોઢા સહિતે તળાવમાંથી હર્ષનો મૃતદેહ શોધી કાઢતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. તાલુકા પોલીસ સ્‍ટેશનના એએસઆઇ ડી. સી. જોષી, કિરીટભાઇ રામાવત, રજાકભાઇ દલ સહિતે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતક હર્ષ છ મહિના પહેલા યુપીથી રાજકોટ આવ્‍યો હતો. ભાઇ સાથે રહી ધોરણ ૧૨માં એક્‍સટર્નલ તરીકે અભ્‍યાસ કરવાની સાથે ભાઇને ટ્રાન્‍સપોર્ટના કામમાં મદદરૂપ થતો હતો. ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતો. બનાવથી પરિવારમાં શોક વ્‍યાપી ગયો હતો. (૧૪.૫)

(2:58 PM IST)