News of Monday, 15th September 2025
ગોપાલ રાતે ત્રણ વાગ્યે રૂમમાં ઘુસી ગયો, બે કલાક છુપાઇને રહ્યો, દાદા પૂજા કરવા નીચે જતાં જ હાથફેરો કરી લીધો
મોજશોખ માટે પૈસાની જરૂર હોઇ પુર્વ રાજસ્થાની નોકરે બે સાગ્રીતોને ભેગા લીધાઃ રોકડ મળે એ આ બંનેની અને દાગીના પોતે રાખશે એવું નક્કી કરી ચોરી કરી હતી : પંચનાથ પ્લોટમાં થયેલી ૬૭ લાખની ચોરીનો એ-ડિવીઝન પોલીસે ભેદ ઉકેલ્યોઃ પુર્વ નોકર ગોપાલ, તેના મિત્રો જગદીશ અને મુકેશને રાજસ્થાનથી ઝડપી લેવાયાઃ ૭૪.૨૨ લાખનો રોકડ-દાગીનાનો મુદ્દામાલ કબ્જે

ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાં પીઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ એમ. એસ. રાણા, એએસઆઇ બી. વી. ગોહિલની ટીમની કામગીરીઃ કનુભાઇ બસીયા, સાગરભાઇ માવદીયા, કરણભાઇ વિરસોડીયા તથા કોન્સ. ધર્મેશભાઇ ખાંડેખાની બાતમી પરથી સફળતા
રાજકોટઃ પંચનાથ પ્લોટમાં રહેતા અને એપેક્ષ એડ એજન્સી નામે કામ કરતા વેપારીના ઘરમાંથી ૬૭ લાખની ચોરીના ગુનાનો ભેદ એ-ડિવિઝન પોલીસે ઉકેલી નાખી આ વેપારીને ત્યાં અગાઉ ઘરઘાટી તરીકે કામ કરી ચૂકેલા પૂર્વ રાજસ્થાની નોકર સહિત ત્રણને ઝડપી લઇ કુલ ૭૭ લાખથી વધુનો રોકડ દાગીનાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પૂર્વ નોકર પૈસાની ખેંચમાં આવી જતાં પોતે અગાઉ જ્યાં નોકરી કરી ચુક્યો હતો એ દાદાના રૂમમાં આવેલી તિજોરી, તેની ચાવી ક્યાં હોય છે તે સહિતની વિગતથી વાકેફ હોઇ કાવત્રુ ઘડી બે મિત્રોને સાથે લાવી ચોરી કરી ગયો હતો. પૂર્વ નોકરને મોજ શોખ માટે પૈસાની જરૂર હોવાથી કાવત્રુ ઘડી અંજામ આપ્યો હતો. રાતે ત્રણ વાગ્યે ઘરમાં ઘુસી જ્યાં તિજોરી-કબાટ છે ત્યાં બે કલાક છુપાઇ રહ્યો હતો. બાદમાં આ રૂમમાંથી દાદા ન્હાઇની નીચે પૂજા કરવા જતાં ચોરી કરી લીધી હતી. વિશેષ તપાસ માટે રિમાન્ડની તજવીજ કરવામાં આવી છે.
ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇએ વિગતો આપતાં કહ્યું હતું કે આ ગુનામાં ત્રણ આરોપી ગોપાલકુમાર ભગવતીભાઇ મીણા (ઉ.વ. ૧૯ ધંઘો ઘરકામ તથા ફોટોગ્રાફી રહે. બદાવલી ગામ જિ. સેલમ્બુર થાના સેમારી પોલીસ સ્ટેશન રાજસ્થાન), જગદીશકુમાર દેવીલાલ મીણા (ઉ.વ ૨૨ ઘંઘો બોમ્બે ગુલાલ વાડી હોટલમા વેઇટર શિવરજની અમદાવાદ રહે. બદાવલી ગામ તા.જિ. સેલમ્બુર થાના સેમારી પોલીસ સ્ટેશન રાજસ્થાન) અને મુકેશકુમાર ભેરાજીભાઇ મીણા (ઉ.વ ૧૯ ધંધો ફોટોગ્રાફી રહે. રાજપુરા ગામ તા. જી. સેલમ્બુર થાના જલારા પોલીસ સ્ટેશન રાજસ્થાન)ને પકડી લઈ રોકડા રૂપિયા ૯,૯૦,૦૦૦ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ ૭૪,૨૨,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.
ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા અલગ અલગ ટીમો કામે લગાડાઇ હતી. દરમિાયન હેડકોન્સ. કનુભાઇ બસીયા, સાગરભાઇ માવદીયા, કરણભાઇ વિરસોડીયા તથા કોન્સ. ધર્મેશભાઇ ખાંડેખાને ચોક્કસ બાતમી મળી હતી કે વેપારીના ઘરમાંથી આરોપીઓ ચોરી કરી મુદામાલ લઈને પોતાના વતન રાજસ્થાન જવા નિકળેલ છે. આથી એક ટીમને તાત્કાલીક રવાના કરતા ટીમ દ્વારા આરોપીઓને ચોરી કરેલા તમામ મુદામાલ સાથે પકડી ઘરફોડ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરવામાં આવેલ છે.
ત્રણ આરોપી પૈકી ગોપાલકુમાર અગાઉ ફરિયાદીના ઘરમાં નોકર તરીકે કામ કરી ચુકયો હોઈ તે અહીં રૂપિયા દાગીના કયાં હોય છે કયાં રૂમમાં શું છે તેનાથી વાકેફ હતો. તેણે આ ઘરમાં ચોરી કરવા બે મિત્રો જગદીશ અને મુકેશને સાથે લઇ તેને કહ્યું હતું કે જે રોકડ મળે એ તમારી અને દાગીના મળે એ મારા. આ રીતે પ્લાન ઘડી અમદાવાદ આવી પોતાના મોબાઇલ ટ્રેસ ન થાય તે માટે અમદાવાદમાં જ ફોન રાખી દઇ ત્રણેય રાજકોટ આવ્યા હતાં અને સુત્રધાર ગોપાલ રાતે ત્રણ વાગ્યે ફરિયાદી વેપારીના દાદાના રૂમમાં પહોંચી ગયો હતો. તે આ દાદાની સેવાચાકરીની નોકરી કરી આ રૂમમાં જ રહેતો હતો. તેને ખબર હતી કે તિજોરી લોક કરીને ચાવી અંદર ટીંગાડેલા કોટના ખિસ્સામાં રાખવામાં આવે છે. બે કલાક રૂમમાં છુપાઇ રહ્યા બાદ દાદા ન્હાઇની નીચે પૂજા કરવા જતાં જ ગોપાલે તાળા ખોલી રોકડ-દાગીના ઉસેડી પોટલુ બનાવી નીચે ઉભેલા સાગ્રીતને આપી દીધુ હતું અને જ્યાંથી ઘુસ્યો હતો એ જ વંડી ઠેંકી નીકળી ગયો હતો.
ત્રણેય ગ્રીનલેન્ડ ચોકડીથી બસમાં બેસી વતન જતાં રહ્યા હતાં. નક્કી થયા મુજબ જ ગોપાલે તમામ રોકડ સાથેના બે મિત્રોને આપી દીધી હતી અને દાગીના પોતે રાખ્યા હતાં. ચોરીની રકમમાંથી ત્રણેયએ મોજશોખ કરી હતી, મંદિરોમાં પ્રસાદ પણ ધરાવ્યો હતો. દાગીના-રોકડનો નીકાલ કરે એ પહેલા એ-ડિવીઝન પોલીસ પહોંચી ગઇ હતી અને ત્રણેયને પકડી લીધા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની સુચના મુજબ પીઆઇ બી.વી.બોરીસાગર, પીએસઆઇ એસ.એમ.રાણા, એએઅસાઇ બી.વી.ગોહિલ તથા એમ.એસ.મકવાણા તેમજ હેડકોન્સ. પ્રવીણભાઇ સોનારા, કનુભાઇ બસીયા, કલ્પેશભાઈ બોરીચા, મહેશભાઈ ચાવડા, કરણભાઇ વિરસોડીયા, સાગરભાઈ માવદીયા, ઘારાભાઇ વાનરીયા તથા કોન્સ. ભાવીનભાઇ ગઢવી, ધર્મેશભાઇ ખાંડેખા અને તેજશભાઇ ડેરની ટીમે આ કામગીરી કરી હતી. ત્રણેયની વધુ પુછતાછ માટે રિમાન્ડ લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે. (૧૪.૮)
(2:59 PM IST)










