<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

ભગવતીપરામાં ખરાબ દુધ આપ્‍યાનો આરોપ મુકી સુપરમાર્કેટમાં સળીયાથી તોડફોડ, ડોલ ભરીને લાવેલા પથ્‍થર પણ ફેંક્‍યા

તે આપેલુ ખરાબ દૂધ પીવાથી મારો ભાણેજ બિમાર પડી ગયો...કહી ડખ્‍ખો કરી દૂકાન બંધ કરાવવાની ધમકી દઇ અજાણ્‍યા શખ્‍સ ભાગી ગયોઃ મુળ રાજસ્‍થાનના દુકાન સંચાલક મહાવીરસિંહ રાઠોડની બી-ડિવીઝનમાં ફરિયાદ

 

રાજકોટ તા. ૧૫: શહેરના ભગવતીપરા સુખસાગર સોસાયટીમાં રહેતાં અને ભાગીદારીમાં સુપર માર્કેટ ચલાવતાં મુળ રાજસ્‍થાનના યુવાનની દૂકાને એક શખ્‍સે ઇલેક્‍ટ્રીક ટુવ્‍હીલરમાં આવી તે મને ખરાબ દુધની થેલી આપતાં તે પીવાથી મારો ભાણેજ બીમાર પડી ગયો છે તેમ કહી ઝઘડો કરી સળીયાથી કાચના કાઉન્‍ટરમાં તોડફોડ કરી બાદમાં પોતાની સાથે ડોલ ભરીને પથ્‍થર લાવ્‍યો હોઇ તેમાંથી પથ્‍થરમારો કરી નુકસાન કરતાં અને માથે જતાં દૂકાન બંધ કરી દેવાની ધમકી આપતાં ચકચાર જાગી છે.

આ બનાવમાં બી-ડિવીજન પોલીસે ભગવતીપરા સુખસાગર શેરીમાં અંબીકા પાર્ક સોસાયટીમાં રહેતાં ઘર સાથે જ શ્રીમાતેશ્વરી સુપર માર્કેટ નામની દૂકાન ચલાવતાં મુળ રાજસ્‍થાન જાલોૈરના તગતસિંહ રીગડા ગામના વતની મહાવીરસિંહ તગતસિંહ રાઠોડ (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી અજાણ્‍યા શખ્‍સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહાવીરસિંહ રાઠોડે જણાવ્‍યું છે કે હું શ્રીમાતેશ્વરી સુપર માર્કેટ નામની દુકાન ચલાવુ છું અને તેમાં જ રહુ છું.  આ બંને દુકાનના માલિક રહીમખાન ઉર્ફ અનીશભાઇ પઠાણ છે. તેની સાથે હું ભાગીદારીમાં ધંધો કરુ છું. ગત ૧૨મીએ રાતે અગીયારેક વાગ્‍યે  હું અને મારો ભાણેજ ગોવીંદકુમાર મીણા દુકાને હતાં ત્‍યારે અજાણ્‍યો શખ્‍સ ઇલેક્‍ટ્રીક ટુવ્‍હીલર લઇને આવ્‍યો હતો. જે વાને ઘઉવર્ણો અને શરીરે પાતળા બાંધાનો હતો. તેણે કાળુ ટી-શર્ટ અને બ્‍લુ પેન્‍ટ તથા માટે ટોપી પહેરલ હતાં.

આ શખ્‍સે મારી પાસે આવીને કહેલું કે-બે દિવસ પહેલા હું તારી દુકાનેથી દુધની થેલી લઇ ગયો હતો, જે દુધ પીવાને કારણે મારો ભાણેજ માંદો પડી ગયો છે. જેથી મે કહેલુ કે તમારો ભાણેજ માંદો પડયો હોય તો કયા દવાખાને સારવારમા઼ છે? મને જણાવો તો હું તમારી મદદ કરવા તૈયાર છું. આ સાંભળી આ શખ્‍સ એકદમ ઉશ્‍કેરાઇ ગયો હતો અને લોખંડનો સળીયો સાથે લાવ્‍યો હોઇ તેનાથી મારી દુકાનના કાઉન્‍ટર પર ઘા ફટકારી કાચ તોડી નાંખ્‍યો હતો. બાદ તેના એક્‍ટીવા પાસે જઇ પથ્‍થર ભરેલી ડોલ તે સાથે લઇને આવ્‍યો હોઇ તેમાંથી આડેધડ પથ્‍થરમારો કરતાં મારી દુકાનના કાચ, માલસામાનમાં નુકસાની થઇ હતી.

આ શખ્‍સે મને ધમકી પણ આપી હતી કે ત્રણ દિવસમાં તારી દુકાન બંધ કરાવી દઇશ. આ દરમિયાન લોકો ભેગા થવા માંડતા આ શખ્‍સ ઇલેક્‍ટ્રીક વાહન લઇ ભાગી ગયો હતો. બાદમાં મેં મારા ભાગીદાર રહીમખાનને ફોન કરી દુકાને આવવાનું કહેતાં તે આવી ગયા હતાં અને અમે ૧૧૨માં ફોન કરી પોલીસને જાણ કરી હતી. અજાણ્‍યા શખ્‍સે મેં ખરાબ દુધ આપ્‍યાનો આરોપ મુકી સળીયાથી કાચનું કાઉન્‍ટર તોડી નાંખી તેમજ પથ્‍થરમારો કરી તોડફોડ કરતાં ૧૫ હજારનુ઼ નુકસાન થયું હતું. જતાં જતાં દૂકાન બંધ કરાવી નાખવાની ધમકી પણ આપી ગયો હતો. બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં હેડકોન્‍સ. એમ. એસ. પંડયાએ ગુનો નોંધતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ શખ્‍સની શોધખોળ આદરી છે. (૧૪.૭)

(2:59 PM IST)