<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

શ્‍યામ પાર્કના દર્શનને તારે અહિ આવવુ જ નહિ કહી કોઠારીયા સોલવન્‍ટમાં રમઝાન, સાહીલ, પ્રવિણનો હુમલો

ત્રણ મહિના પહેલા ગાડી પાર્ક કરવા પ્રશ્ને પડોશી રમઝાન સાથે માથાકુટ થતાં કોળી પરિવાર ઘરનું ઘર છોડી ભાડેથી રહેવા જવા મજબૂર થયો : ગાળો દઇ ઢીકાપાટુ મારી છરી-ધોકાથી ઇજા પહોંચાડીઃ આજીડેમ પોલીસે ફરિયાદ નોંધી

 

રાજકોટ તા. ૧૫: શહેરના કોઠારીયા રોડ રણુજા મંદિર પાછળ નાગરિક બેંકવાળી શેરીમાં શ્‍યામ પાર્કમાં રહેતાં મુળ ધારીના મોણવેલ ગામના દર્શન છગનભાઇ મકવાણા (ઉ.વ.૧૮) ઉપર કોઠારીયા સોલવન્‍ટમાં રમઝાન અને સાહિલ અને પ્રવિણ નામના શખ્‍સોએ હુમલો કરી ઢીકાપાટુનો માર મારી છરી-ધોકાથી ફટકારતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો હતો. ત્રણ મહિના અગાઉ ગાડી પાર્ક કરવા પ્રશ્ને થયેલી માથાકુટનો ખાર રાખી આ હુમોલ કરાયો હતો.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ અને પ્રકાશભાઇએ કરતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. વાય. એન. જાડેજાએ પહોંચી તેની ફરિયાદ નોંધી હતી. દર્શન ભાડાના મકાનમાં પરિવાર સાથે રહે છે અને કંપનીમાં પ્રાઇવેટ નોકરી કરે છે. દર્શને જણાવ્‍યું હતું કે હું સાંજે આઠેક વાગ્‍યે ઘરેથી કોઠારીયા સોલવન્‍ટ વિસ્‍તારમાં ઘરની ચીજવસ્‍તુ લેવા માટે ગયો હતો. ત્‍યારે રમઝાન અને સાહિલ ત્‍યાં મળી ગયા હતાં અને તારે અહિ અમારી સોસાયટીમાં આવવુ જ નહિ તેમ કહી ગાળો દેતાં તેને ગાળો બોલવાની ના પાડતાં બંનેએ ઉશ્‍કેરાઇ જઇ ઢીકાપાટુ માર્યા હતાં.

બાદમાં રમઝાને છરી કાઢી મને માથામાં મારી દીધી હતી. ત્‍યાં પ્રવિણ ધોકો લઇને આવ્‍યો હતો અને તેનાથી મને હાથ-માથામાં ઘા મારી દીધા હતાં. તેમજ ડાબા હાથની કોણીમાં એક ઘા મારી દીધો હતો. વધુ મારથી બચવા હું ત્‍યાંથી ભાગી ગયો હતો અને મારા ભાઇને ફોન કરી બોલાવતાં તે મને હોસ્‍પિટલે લઇ ગયો હતો. આ માથાકટુનું કારણ એ છે કે ત્રણ મહિના પહેલા અમે કોઠારીયા સોલવન્‍ટમાં અમારા ઘરના મકાનમાં રહેતાં હતાં. ત્‍યાં અમારે ગાડી પાર્ક કરવા મામલે રમઝાન સાથે બોલાચાલી થઇ હતી. બાદ અમે આ ઘર બંધ કરી હવે ભાડે રવા જતાં રહ્યા છીએ. રવિવારે હું ઘરનો સામાન લેવા સોલવન્‍ટમાં જતાં ત્‍યાં રમઝાન, સાહિલ, પ્રવિણ મળી જતાં તારે અહિ આવવું નહિ કહી હુમલો કર્યો હતો. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. (૧૪.૯)

(3:02 PM IST)