<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

શરદી-તાવ-ઉધરસ-ઝાડા-ઉલ્‍ટીના ઘરે-ઘરે ખાટલાઃ ૧૮૮૦ કેસ

મનપા દ્વારા ૪૩૪૯૩ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૮પ૯ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવો મચ્‍છરજન્‍ય રોગચાળો વકર્યોઃ ડેન્‍ગ્‍યુના-૪, મેલેરીયાના-ર તથા ચિકનગુનીયાના ૧ દર્દીઃ મચ્‍છર ઉત્‍પતિ સબબ ૬૪૪ને નોટીસઃ ૧પ હજારનો ચાર્જ વસુલાયો

રાજકોટ, તા.,૧પ : શહેરમાં ચોમાસા ઋતુમાં રોગચાળાનો પગપેસારો વધુ થવા પામ્‍યો છે. મનપાના આરોગ્‍ય વિભાગમાં ગત સપ્તાહ કરતા  આ સપ્તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્‍ટીના કેસમાં વધારો જોવા મળ્‍યા છે. આ સપ્તાહે ૧૮૮૦ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્‍છરજન્‍ય રોગના ૭ કેસ નોંધાયા છે.  આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી  મુજબ તા. ૮ થી ૧૪ સપ્‍ટેમ્‍બર સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય રોગચાળાના ૭ કેસ

છેલ્લા  સપ્તાહમાં  ડેન્‍ગ્‍યુના ૪, મેલેરીયાના ર તથા ચિકનગુનીયાનો કેસ નોંધાયો છે. ે.

શરદી-તાવના ૧૮૮૦ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૮૯૯ તેમજ સામાન્‍ય તાવના ૮૪૦ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૧૩૭, ટાઇફોડના ૩ તથા કમળાના ૧ સહિત કુલ ૧૮૮૦ થી વધુ  દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૨૬૨૨૪ તેમજ સામાન્‍ય તાવના ૨૭૨૭૧ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૬૯૫૩ તથા ટાઇફોડનો ૭૮ તેમજ કમળાના ૧૦૮  કેસ નોંધાયા છે. 

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૬૪૪ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૪૩૪૯૩ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૮૫૯ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે.

આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્‍ય ૭૨૦ થી વધુ સ્‍થળોએ  મચ્‍છર ઉત્‍પતિ  સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૬૪૪ લોકોને નોટીસ પાઠવી હતી. જયારે ર૯ લોકો પાસેથી ૧૫૦૫૦નો ચાર્જ વસુલાયો હતો

(4:03 PM IST)