News of Monday, 15th September 2025
ભારવિની ૪૩મી બેઠકમાં સંજીવ જાની, ભરત કાપડિયા, શ્રીકાંત રાવલ, સંજય ઉપાધ્યાય, અશ્વિની જોશી, નગીન દવે, કૌશિક સિંધવ, અને નરેશ સોલંકી જેવા દિગ્ગજોનો કલાસંગમ
ભાષા, સાહિત્ય અને કલાનો અનોખો રસથાળ : હિન્દી કવિતાઓ, વિપશ્યનાના અનુભવો, વિદેશ પ્રવાસના કિસ્સાઓ અને ‘શાહજહાં’ જેવા નાટકોનું વાચન : આયોજકો પરાગ ત્રિવેદી, હીનાબેન ગોકાણી, જિગીશ રાવલ અને રોશની જૈન દ્વારા સફળ આયોજન

રાજકોટ: ભાષા, સાહિત્ય, અને કલાના પ્રેમીઓ માટે આજે ભારવિની ૪૩મી બેઠક એક અવિસ્મરણીય અનુભવ બની રહી. પરાગ ત્રિવેદીના કુશળ સંચાલન હેઠળ આ બેઠકે ગુજરાતી થાળીની જેમ વિવિધ વિષયો અને પ્રસ્તુતિઓનો રસથાળ પીરસ્યો.
બેઠકની શરૂઆત ભારવિના જૂના સભ્ય, અનન્ય ભાષાપ્રેમી અને નાટ્યકર્મી સંજીવ જાનીના વક્તવ્યથી થઈ. હિન્દી દિવસને અનુલક્ષીને તેમણે અસ્ખલિત હિન્દીમાં પોતાના વિચારો રજૂ કર્યા અને સ્વરચિત ત્રણ હિન્દી કવિતાઓ સંભળાવી સૌને પ્રભાવિત કર્યા.
ત્યારબાદ, રાજકોટ નાગરિક સહકારી બેંકના ઉચ્ચ અધિકારી અને બુકટોક પ્રવૃત્તિના સંવાહક ભરત કાપડિયાએ વિપશ્યના સાધના પર પોતાનો અનુભવ રજૂ કર્યો. તેમણે વિપશ્યના પદ્ધતિ, તેનાથી થતા માનસિક અને આધ્યાત્મિક લાભો અને સાધના દરમિયાન રાખવાની સાવચેતીઓ વિશે સરળ અને રસપ્રદ શૈલીમાં વાત કરી, જેનાથી શ્રોતાઓમાં આ સાધના માટે જિજ્ઞાસા જાગૃત થઈ.
ભારત અને વિદેશના અનુભવોની આપ-લે:
અમેરિકી નાગરિકત્વ ધરાવતા ઇલેક્ટ્રિકલ ઈજનેર શ્રીકાંત રાવલએ ભારત અને અમેરિકાની વિશેષતાઓ અને ખામીઓનું તટસ્થ વિશ્લેષણ કર્યું. તેમણે અમેરિકી પ્રજાની પ્રામાણિકતા અને ખેલદિલીના વખાણ કર્યા, પરંતુ ત્યાંના સમાજમાં કુટુંબ ભાવનાનો અભાવ ચિંતાનો વિષય હોવાનું જણાવ્યું. આ સાથે જ, ભારવિના સ્થાપક સભ્યો પૈકીના એક સંજય ઉપાધ્યાયએ પોતાના કેનેડા પ્રવાસના અનુભવો વર્ણવ્યા. તેમણે વસ્તી અને વિસ્તારના આંકડા સાથે ભારત અને કેનેડાની સરખામણી કેટલી અતાર્કિક છે તે સમજાવ્યું. તેમણે કેનેડાને કુદરતી સૌંદર્ય અને શિસ્તબદ્ધ પ્રજા માટે ઉત્તમ પ્રવાસન સ્થળ તરીકે ઓળખાવ્યું.
સાહિત્ય અને કલાનું અનોખું મિશ્રણ:
બેઠકના બીજા ભાગમાં ભારવિના સંવાહક અશ્વિનીબહેન જોશીએ "સંવાદની કળા" વિષય પર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કર્યું. તેમણે યોગ્ય ભાષાની પસંદગી અને ખોટા સંવાદથી થતી ગેરસમજો વિશે રમૂજી ઉદાહરણો સાથે સમજાવ્યું.
વરિષ્ઠ વાર્તાકાર અને વ્યંગકાર નગીનભાઈ દવેએ તેમની રમૂજી અને માર્મિક કાવ્યરચના “મહિષી વિરહ” રજૂ કરીને વાતાવરણને હળવું બનાવ્યું.
વરિષ્ઠ નાટ્યકર્મી કૌશિકભાઈ સિંધવએ દ્વિજેન્દ્રરાય ચૌધરી લિખિત અને મેઘાણી દ્વારા અનુવાદિત નાટક ‘શાહજહાં’ વિશેના પોતાના લેખનું વાચન કર્યું અને સંવાદોની ચોટદાર રજૂઆતથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. તેમણે ધ્રુવ ભટ્ટના સુખ્યાત ગીત “ઓચિંતું કોઈ મને…”નું સસ્વર ગાન કરીને બેઠકને વધુ યાદગાર બનાવી.
બેઠકના અંતમાં, પ્રથમવાર હાજર રહેલા યુવા કવિ નરેશ સોલંકીએ ભાવકોના આગ્રહને માન આપીને પોતાની એક ગીત અને એક ગઝલનું પઠન કર્યું. તેમની કવિપ્રતિભાથી સૌ પ્રભાવિત થયા અને ભવિષ્યમાં તેમનો વધુ લાભ લેવાની લાગણી વ્યક્ત કરવામાં આવી.
કાર્યક્રમના મધ્યાંતરમાં, હીનાબેન ગોકાણીએ પોતાની નવી યુટ્યુબ ચેનલ “વાચિકમ ગુજરાતી” ના લોન્ચની ખુશી સૌને આઈસક્રીમથી મોં મીઠું કરાવીને વહેંચી.
(4:14 PM IST)










