તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Monday, 15th September 2025
શહેરના ખરાબ રોડ-રસ્તા સ્ટેન્ડીંગના ધ્યાને આવ્યાઃ ઓકટોબરથી સમારકામ
ખડી સમિતિની બેઠકમાં ઉપલા કાંઠાના વિસ્તારોને અગ્રતાઃ મંજૂર વિકાસકામોમાંથી અડધોઅડધ ઇસ્ટ ઝોનના : રાજકોટના વિવિધ વિસ્તારોમાં પેચ વર્કની ચાલતી કામગીરીઃ નવરાત્રી પહેલા ગરબી ચોકને પેવીંગથી મઢવા અથવા પેચ વર્ક કરવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરનો આદેશ

વિકાસ કામોને સ્ટેન્ડિંગની હરિઝંડી : રાજકોટઃ મ્યુનિ. કોર્પોરેશનની આજે મળેલ સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં રૂા. ૧૧૪ કરોડના વિકાસ કામો અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. ઉપરોકત તસ્વીરમાં સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, સભ્ય મેહુલ શુકલ, બિપીન બેરા, હાર્દિક ગોહેલ, નરેન્દ્રસિંહ વાઘેલા, વર્ષાબેન રાણપરા, ભારતીબેન પરસાણા, રૂચિતાબેન જોષી, જયોત્સનાબેન ટીલાળા, દક્ષાબેન વસાણી તથા કાર્યકારી સેક્રેટરી ધવલ જેસડીયા, ડેપ્યુટી કમિશ્નર હર્ષદ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ, તા., ૧૫ : આજે મળેલ સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં શહેરભરના ૧૧૪ કરોડથી વધુના વિકાસ કામોને મંજુરી આપવામાં આવી હતી. જેમાં અડધો અડધ કામો ઉપલા કાંઠા વિસ્તારના છે. જેમાં રોડ રસ્તા સહીતની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શહેરમાં ખાડા-ખબડાથી ત્રસ્ત નાગરીકોની અસુવિધા દુર કરવા પણ ૧ ઓકટોબરથી રસ્તાના કામ વરસાદ ન આવે તો શરૂ કરી દેવા મંજુરી આપવામાં આવી છે. હાલ શહેરભરમાં મનપા દ્વારા પેચવર્કની કામગીરી ચાલી રહી છે.
ઉપરાંત આવતા અઠવાડીયાથી શરૂ થતા નવરાત્રીના તહેવાર પહેલા પ્રાચીન ગરબીના ચોકને પેવીંગથી મઢવા અથવા પેચવર્ક દ્વારા ટનાટન કરવા માટે સ્ટેન્ડીંગ દ્વારા તંત્રને સુચના આપી દેવામાં આવી છે.
અગાઉ મળેલ સ્ટેન્ડીંગ કમીટીમાં સેન્ટ્રલ તથા વેસ્ટ ઝોનમાં રસ્તા કામો મંજુર કરાયા બાદ આજે ઇસ્ટ ઝોનના રસ્તાના કામો તથા એકશન પ્લાનને મંજુરી આપવામાં આવતા હવે રાજકોટમાંથી રસ્તાના ખાડા-ખબડા દુર થશે તેવી ધારણા છે.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સામાકાંઠેના છ વોર્ડમાં નવી બનેલ સોસાયટીઓ તેમજ ચોમાસા દરમિયાન તૂટી ગયેલા રોડ રસ્તાઓ મઢવા માટે રૂા.૬૬.૫૭ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. રેસકોર્સ સંકુલ અને મવડી ઇન્ડોર સ્ટેન્ડીયમમાં વિવિધ રમતોના દર રિવાઇન્ડ તથા એકેઝન સંસ્થા ભાડે આપવાના નિયમમાં ફેરફાર કરવા સહિતની વિકાસ કામોની ૩૩ દરખાસ્તો અંગે નિર્ણયથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં કરવામાં આવ્યા હતા.ં જેમાં વોર્ડ નં.૧૫માં દૂધસાગર રોડને લાગુ ડીઆઇ પાઇપલાઇન હાઉસ કનેકશન તેમજ વોર્ડ નં.૬માં મેટલીંગ કામ તથા વોર્ડનં.૫માં મનસાનગર સીસીરોડનું કામ તથા વોર્ડ નં.૧૫માં સોલીડવેસ્ટ કોન્ઝવન્સી માટે નવી ઓફિસ બનાવવાનુ તથા કુવાડવા રોડથી પડેક રોડ સુધીના વોકળામાં આરસીસી દિવાલ બનાવી તેમજ વોર્ડનં.૪માં જૂદી જૂદી સોસાયટીમાં ડ્રેનજ પાઇપલાઇન નાખવાનુ તથા વોટરવર્કસ વિભાગ દ્વારા જૂના વાલ્વ ટાવર પંમ્પીંગ મશીનરીનું વાર્ષિક સંચાલન તથા વોર્ડ નં.૧૫માં રાધામીરા ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં મેટલીંગ કામ વોર્ડ નં.૧૮માં સ્વાતીપાર્કમાં નવો ગાર્ડન બનાવો અને તિરંગાયાત્રા કાર્યક્રમ અને યોગદિવસ કાર્યક્રમ તથા વિવિધ પ્રકલ્પનોના લોકાર્પણ તથા ખાતમુહૂર્તના કાર્યક્રમોના ખર્ચ મંજૂર કરવા અને અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને આર્થિક તબીબી સહાય ચુકવવા સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવાયો હતો.

બંસીધર પાર્કમાં સ્ટ્રીટ લાઇટ કયારે?
રાજકોટ : શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને પાયાની સુવિધા પુરી પાડવા તંત્ર દ્વારા કરોડોના વિકાસકામો મંજુર કરાયા છે, ત્યારે વોર્ડ નં. ૧ ના રૈયા ધાર પાસેના બંસીધર પાર્ક-૧ સોસાયટી સ્ટ્રીટ લાઇટ સુવિધા વિહોણી છે. સ્ટ્રીટ લાઇટ ન હોવાથી રાતના સમયે સ્થાનીકોને ભારે અગવડતા પડી રહી છે. ઉપરાંત કોમન પ્લોટમાં દબાણ સહિતના પ્રશ્નો અંગે રહેવાસીઓ દ્વારા અનેકવાર રજુઆત કરી હોવા છતાં પરિણામ શૂન્ય છે.
ઝોન વાઇઝ વોર્ડના રસ્તાઓ ટનાટન બનશે
ઇસ્ટ ઝોન
વોર્ડ નં. ૪, પ, ૬, ૧પ, ૧૬
અને ૧૮
રૂા. ૭૪,૦૩,પ૬,૮૦ર
વેસ્ટ ઝોન
વોર્ડ નં. ૧, ૮, ૯, ૧૦, ૧૧, ૧ર
રૂા. ૩૧,૧પ,૭૩,૯૯૪
સેન્ટ્રલ ઝોન
વોર્ડ નં. ર, ૩, ૭, ૧૩, ૧૬, ૧૭
રૂા. ૩૧,૩૧,૪૭,૬૪પ
(4:16 PM IST)










