<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

સરદાર સન્‍માન યાત્રા કાલે રાજકોટમાં : ઠેર ઠેર સ્‍વાગતની તૈયારી

કાલે સાંજે ૪ વાગ્‍યે ગ્રીન લેન્‍ડ ચોકડીએ ભવ્‍ય સ્‍વાગત બાદ વાહન રેલી સ્‍વરૂપે નિયત રૂટ પર ફરશે : રાજકોટથી ૧૮ મીએ ખોડલધામ જશે ૧૧ સપ્‍ટેમ્‍બરે બારડોલીથી પ્રારંભ થયેલ આ યાત્રા રર સપ્‍ટેમ્‍બરે સોમનાથ ખાતે સમાપન પામશે

રાજકોટ તા. ૧૬ : દેશની અખંડ એકતાના પ્રતિક સર્વે સમાજના マદયમાં વસેલા સૌના સરદાર એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્‍મજયંતી પૂર્વે ગોપાલભાઈ ચમારડી, જી.પી. વસ્‍તરપરા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ એવા બારડોલીથી ધર્મસ્‍થાન સોમનાથ સુધીના સંગમથી જીવન અને કર્તવ્‍યને પ્રેરિત સરદાર સન્‍માન યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ યાત્રા ૧૧ સપ્‍ટેમ્‍બરે બારડોલીથી શરૂ થઈ છે અને હાલ ગુજરાતના અલગ અલગ સ્‍થાનો પરથી પસાર થઈ રહી છે. આ યાત્રા ૨૨ સપ્‍ટેમ્‍બરના સોમનાથ ખાતે પહોંચશે. ત્‍યારે આ સરદાર સન્‍માન યાત્રા આવતીકાલે તા.૧૭ના બુધવારે રાજકોટ આવી રહી હોય શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ તરફથી રાજકોટ શહેરના સર્વે સમાજના નાગરિકોને સરદાર સન્‍માન યાત્રામાં જોડાવવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

સરદાર સન્‍માન યાત્રા કાલે તા.૧૭ ના બુધવારે બપોર બાદ રાજકોટમાં પ્રવેશ કરશે. સાંજે ૪ કલાકે ગ્રીનલેન્‍ડ ચોકડી ખાતે સરદાર સન્‍માન યાત્રાનું સ્‍વાગત થશે, ત્‍યારબાદ ત્‍યાંથી વાહનરેલી સ્‍વરૂપે શહેરના માર્ગો પર ફરશે. જેમાં ગ્રીન લેન્‍ડ ચોકડીથી પારેવડી ચોક પહોંચી ત્‍યાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવશે.

ત્‍યારબાદ હોસ્‍પિટલ ચોક ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવશે અને અનુસૂચિત જાતિ સમાજ દ્વારા સરદાર સન્‍માન યાત્રાનું સન્‍માન કરવામાં આવશે. ત્‍યારબાદ સાંજે ૫-૩૦ કલાકે સરદાર સન્‍માન યાત્રા બહુમાળી ભવન ચોક (રેસકોર્ષ) ખાતે પહોંચશે. ત્‍યાં મુખ્‍ય સભાનું આયોજન કરવામાં આવ્‍યું છે. ત્‍યારબાદ કોટેચા ચોક ખાતે સ્‍વામી વિવેકાનંદની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવશે.

ત્‍યાથી યાત્રા આગળ વધીને શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે આવેલ પટેલ બોર્ડિંગ ખાતે પહોંચશે. જયાં અમરેલી જિલ્લા લેઉવા પટેલ પરિવાર દ્વારા યાત્રાનું સન્‍માન કરવામાં આવશે. ત્‍યાંથી મવડી ચોકડી ખાતે પહોંચશે. જયાં આહીર સમાજ દ્વારા સરદાર સન્‍માન યાત્રાનું સન્‍માન કરવામાં આવશે અને દેવાયત બોદરજીની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવશે.

અહીંથી આગળ વધીને આ સરદાર સન્‍માન યાત્રા આનંદ બંગલા ચોક થઈ મક્કમ ચોક થઈને સ્‍વામીનારાયણ ગુરુકુળ (ઢેબર રોડ) ખાતે પહોંચશે. જયાં વાહન રેલીનું સમાપન થશે અને સરદાર સન્‍માન યાત્રા રાત્રિ રોકાણ કરશે.

આમ ગ્રીન લેન્‍ડ ચોકડીથી ૪ કલાકે શરૂ થનાર સરદાર સન્‍માન યાત્રામાં સર્વે સમાજના લોકોને વાહનો સાથે જોડાવવા જાહેર અનુરોધ કરાયો છે. આ સમગ્ર કાર્યક્રમમાં શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડની રાજકોટ શહેરના દરેક વોર્ડની ટીમ ખડેપગે રહીને સેવા આપશે.

બીજા દિવસે રાજકોટથી આ યાત્રા આગળ પ્રયાણ કરશે અને તા. ૧૮ સપ્‍ટેમ્‍બરના ગુરુવારના રોજ સરદાર સન્‍માન યાત્રા શ્રી ખોડલધામ મંદિરે પહોંચશે. જયાં ટ્રસ્‍ટીમંડળ દ્વારા સરદાર સન્‍માન યાત્રાનું ભવ્‍ય સ્‍વાગત અને સન્‍માન કરવામાં આવશે. સરદાર સન્‍માન યાત્રાના આયોજકો અને યાત્રામાં જોડાયેલા તમામ લોકો મા ખોડલનો પ્રસાદ અને આશીર્વાદ લઈને આ યાત્રાને આગળ ધપાવશે.

(11:51 AM IST)