News of Tuesday, 16th September 2025
બગસરાના નવી હડીયાદમાં આંગણવાડી વર્કર સપનાબેન ઠાકર વ્યાજખોરીમાં ફસાતાં ઝેર પીધું
હીરાઘસુ પતિ અને સપનાબેને દિકરીના અભ્યાસ સહિતના કામે વ્યાજે રકમ લીધા બાદ દસેક શખ્સોના ચક્કરમાં ફસાયાઃ દસથી બાર લાખનું દેણું થઇ ગયું: રાજકોટ સારવાર માટે ખસેડાયા

રાજકોટ તા. ૧૬: અમરેલીના બગસરા તાબેના નવી હડીયાદ ગામે રહેતાં સપનાબેન પરેશભાઇ ઠાકર (ઉ.વ.૫૦) નામના મહિલા ઝેરી પાવડર પી જતાં સ્થાનીક હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. વ્યાજખોરીમાં ફસાઇ જતાં આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.
જાણવા મળ્યા મુજબ સપનાબેન ઠાકરે ગઇકાલે સવારે ઝેરી પાવડર પી લેતાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાતાં હોસ્પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્દ્રભાઇ, પ્રકાશભાઇએ બગસરા પોલીસને જાણ કરી હતી. સપનાબેને કહ્યું હતું કે હું આંગણાવડી વર્કર તરીકે નોકરી કરુ છું અને મારા પતિ પરેશભાઇ ઠાકર હીરાનું કામ કરે છે. અમારે અગાઉ દિકરીના ભણતર સહિતની માટે પૈસાની જરૂર પડતાં અલગ અલગ ટકાથી અમુક રકમ અલગ અલગ લોકો પાસેથી વ્યાજેથી લેવાની જરૂર પડી હતી. અમે વ્યાજ પણ નિયમીત ચુકવી દેતાં હતાં.
દરમિયાન આર્થિક ભીંસ ઉભી થતાં વ્યાજનું વ્યાજ ચડતું ગયું હતું. એકને ચુકવવા બીજા પાસેથી અને બીજાને ચુકવવા ત્રીજા પાસેથી નાણા લેવા મજબૂર થયા હતાં. આ રીતે દસેક લોકો પાસેથી નાણા લીધા હોઇ દસ-બાર લાખનું વ્યાજ ચડી ગયું છે. અમારી પાસે હાલમાં સતત ઉઘરાણી થતી હોઇ ટેન્શન આવી ગયું હતું. અમારે નાણા પાછા આપી જ દેવા છે. પણ હાલમાં હાલત ખરાબ છે. પૈસા કેમ એકઠા કરવા તેની ચિંતા રહેતી હોઇ ઝેરી પાવડર પી લીધો હતો. બગસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. (૧૪.૫)
(2:21 PM IST)










