<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

રાજકોટના ૨૧ બાળ તબલા વાદકો ‘ઇન્‍ડિયાઝ ગોટ ટેલેન્‍ટ'માં પરફોર્મ કરશે : ૨૩મીએ ફાઇનલ શુટીંગ રાઉન્‍ડ

તા.૧૮ના આ ટીમ મુંબઇ જવા રવાના થશે : ૩ દિવસ ત્‍યાં રીહર્સલ : તબલા પર તાંડવ અને શિવપરન રજુ કરશે

રાજકોટ તા. ૧૬ : રાષ્‍ટ્રીયશાળા સંગીત મહાવિદ્યાલય રાજકોટના બાળ તબલાવાદકો આગામી તા. ૨૩ ના સોની ટીવી શો ‘ઇન્‍ડિયાઝ ગોટ ટેલેન્‍ટ'માં છવાઇ જશે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આ બાળકો અને તેમના ગુરૂશ્રી તથા વાલીઓ સહીતની ટીમે જણાવ્‍યુ હતુ કે ‘ઇન્‍ડિયાઝ ગોટ ટેલેન્‍ટ'માં ભાગ લેવા માટે છેલ્લા ૪ માસથી તૈયારીઓ આદરવામાં આવી હતી. રાષ્‍ટ્રીય શાળા સંગીત વિદ્યાલય ખાતે કલા ગુરૂ શ્રી ભાર્ગવ જાની અને તેમની ટીમ દ્વારા દરરોજ ૪ થી પ કલાકની તાલીમ તબલા ઉપર અપાઇ રહી હતી.

અંતે ઓડીશનમાં ૨૧ બાળકોની આ ટીમ ફાઇનલ રાઉન્‍ડમાં પરફોર્મ આપવા પસંદગી પામી છે. આગામી તા. ૧૮ ના આ બાળકો મુંબઇ જવા રવાના થશે. જયાં ૩ દિવસ રીહર્સલ ચાલશે અને તા.૨૩ સપ્‍ટેમ્‍બરના ઇન્‍ડિયાઝ ગોટ ટેલેન્‍ટ ફાઇનલ શુટીંગ રાઉન્‍ડમાં પરફોર્મ કરશે.

તબલા ગુરૂ શ્રી ભાર્ગવ જાની અને તેમની સાથે ૨૧ બાળકો તબલા પર તાંડવ તેમજ શીવપરન (શિવ આખ્‍યાન) રજુ કરશે.

આ બાળ તબલા વાદકોમાં ઓમ જાની, ઓમ ડોડીયા, મનીત શેઠ, શીવ લશ્‍કરી, શુભમ ઠાકર, રોહન વડુકુલ, હર્શીલ કુબાવત, યશ દવે, આયુષ રામાવત, આયુષ ત્રિવેદી, સીધ્‍ધ લાઠીયા, માનવ જોષી, પ્રીતેશ જોશી, વંશ ધામેચા, ધ્રુવ ત્રિવેદી, વત્‍સલ પ્રજાપતિ, હવીશ પારેખ, ભાર્ગવ પરમાર, દેવાંશ પીઠડીયા, ચૈતન્‍ય મેર, ભાર્ગવ જાની, નૈનેશ પમ્‍ભાડીયાનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ૧૦૦ વર્ષ જુની સંગીત મહાવિદ્યાલય રાષ્‍ટ્રીય શાળા ખાતે સંગીતના વર્ગો ચલાવે છે. જેમાં તબલા વિભાગના આ બાળકોને ઇન્‍ડિયા ગોટ ટેલેન્‍ટ શોમાં ભાગ લેવાની તક મળી છે. આ સંગીત વિદ્યાલયના વીડિયો યુ-ટયુબ ચેનલ પર જોઇને સામેથી ઓડીશન માટે નિમંત્રણ મળ્‍યુ હતુ. બાદમાં તબલા ગુરૂ શ્રી ભાર્ગવ જાની દ્વારા ટેલીફોનીક વાત કરી ઓડીશન માટે આ બાળકોને તૈયાર કરાયા હતા. હવે ફાઇનલ પરફોર્મ કરવા આ બાળકો ખુબ જ ઉત્‍સુક છે. આ ટીમને તિરૂપતિ કુરીયરના સી.ઇ.ઓ. અમિતભાઇ રામજીભાઇ શિયાણી દ્વારા આર્થિક સહયોગ આપી પ્રોત્‍સાહન પુરૂ પાડવામાં આવ્‍યુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મુંબઇ ખાતે ‘ઇન્‍ડિયા ગોટ ટેલેન્‍ટ'માં ભાગ લેવા જઇ રહેલ બાળકો તેમના કલાગુરૂ ભાર્ગવ જાની(મો.૯૪૨૮૭ ૧૨૪૬૭)  સાથે નજરે પડે છે. 

(2:37 PM IST)