News of Wednesday, 17th September 2025
નરેન્દ્રભાઈ એક યુગ પુરુષ સમાન,દેશના સર્વાંગી વિકાસ માટે દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ, અવિરત પરિશ્રમ, અડગ સંકલ્પ અને મક્કમ મનોબળ પ્રેરણાદાયી : રામભાઈ મોકરીયા
ગુજરાતના પનોતા પુત્ર અને ભારતને મહાસત્તાના દ્વારે લઇ જનાર યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫ માં જન્મદિન નિમિત્તે શુભેચ્છા પાઠવતા રાજ્યસભાના સભ્ય

રાજકોટ તા.૧૭ : ગુજરાતના પનોતા પુત્ર અને ભારતને મહાસત્તાના દ્વારે લઇ જનાર યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫ માં જન્મદિન નિમિત્તે શુભેચ્છા પાઠવતા રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરીયાએ જણાવ્યું છે કે, નરેન્દ્રભાઈ એક યુગ પુરુષ સમાન છે. દેશના સર્વાંગી વિકાસ માટે તેઓનું દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ, અવિરત પરિશ્રમ, અડગ સંકલ્પ અને મક્કમ મનોબળ આપણા માટે પ્રેરણાદાયી છે. તેમના નેતૃત્વ હેઠળ ભારત નવી ઉંચાઈના શિખરો સર કરી રહ્યું છે. ભારતના ૧૫મા વડાપ્રધાન તરીકે તેઓએ લીધેલ મહત્વના પગલાઓ જેવાકે, તલ્લાક અંગેના કાયદામાં સુધારો, બંધારણનાં અનુચ્છેદ ૩૭૦ હેઠળ જમ્મુ-કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો નાબુદી, કરોડો સનાતન હિંદુ ધર્મપ્રેમીઓના આસ્થા કેન્દ્ર સમાન અયોધ્યામા રામ મંદિરનું નિર્માણ, કાળાનાણા નાબુદી માટે નોટબંધી, તેમજ ઓપરેશન સિંદુર દ્વારા દુનિયા ને આધુનિક ભારતની તાકાતનો પરચો કરાવવો, હાલના વૈશ્વિક આર્થિક કપરા સંજોગોમાં વિશ્વ વેપાર અને “લોકલ ફોર વોકલ” નો નારો આપી સ્વદેશની ચીજ વસ્તુઓ નો જ ઉપયોગ કરવાનું આહવાન આપી વિશ્વમાં ભારતનું યોગ્ય સ્થાન ઉભું કરવું વિગેરે ક્રાંતિકારી પગલાઓ હિમતભેર લઇ ભારતદેશને વિકાસના પંથે લઇ ગયેલ છે. સને ૨૦૪૭ મા ભારતને મહાસત્તા બનાવવાની તેમની નેમ સાથે વિશ્વના મંચ પર એક નવા આત્મવિશ્વાસ સાથે ભારતને ગૌરવ અપાવેલ છે. તેમની રાષ્ટ્રસેવા પ્રત્યેની અડગ નિષ્ઠા,આપણા માટે ગૌરવ સમાન છે.
રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરીયાતાજેતરમાં “ભગવાન વેખ્તેશ્વર શ્રીનીવસા” તિરુપતિ બાલાજીનાં દર્શને ગયેલ ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે ભગવાન તિરુપતિ બાલાજીને તેમના દીર્ઘાયુ અર્થે અને દેશની સેવા કરવા વધુ શક્તિમાન બનાવે અને નીરોગી રાખે તેવી પ્રાર્થના કરી હતી.
અંતમાં રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરીયાએ
જણાવ્યું હતું કે, પરમ કૃપાળુ પરમાત્મા તેમને ૨૦૪૭ મા ભારતને મહાસત્તા બનાવવા માટે, નીરોગી રાખે અને દીર્ઘાયુ અર્પે તથા અથાગ શક્તિ અર્પે તેવી પ્રાર્થના કરેલ છે.
(9:08 AM IST)










