<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

બિલ્‍ડીંગની ફાઇલ લોનમાં હોવા છતાં બિલ્‍ડર વિરેન સિંધવે ૧૭ ફલેટ ધારકોને છેતરીને દસ્‍તાવેજ કરી દીધા

અઢી કરોડની લોન બિલ્‍ડરે મંડળીમાંથી લીધી હતી જેમાંથી બે કરોડ ભરી દીધાઃ બાકીના ન ભરતાં ફલેટધારકોને નોટીસો ફટકારાતાં દેકારોઃ તાલુકા પોલીસે બિલ્‍ડર વિરૂધ્‍ધ શિક્ષીકા હેતલબેન ટીલાળાની ફરિયાદ પરથી ગુનો દાખલ કર્યો મવડીમાં શિવાય એપાર્ટમેન્‍ટના રહેવાસીઓને ધડાધડ નોટીસો મળતાં બિલ્‍ડરનું ભોપાળુ છત્તું થયું

રાજકોટ તા. ૧૭: શહેરના મવડી વિસ્‍તારમાં એક બિલ્‍ડરે પોતે બનાવેલા શિવાય એપાર્ટમેન્‍ટના ૩૨ ફલેટમાંથી ૧૭ ફલેટ ઉપર મંડળીમાંથી ૨ કરોડ ૫૦ લાખની લોન લીધી હોવા છતાં આ ફલેટ પર કોઇનો હક્ક હીસ્‍સો નથી, કરજ બોજો નથી સહિતના લખાણો સાથે ફલેટ ખરીદનારાઓને વેંચાણ દસ્‍તાવેજ કરી આપ્‍યા હતાં. જો કે તેણે લીધેલી લોનમાંથી ૨ કરોડ ભરી દીધા હોઇ બાકીના ૫૦ લાખ ન ભરતાં હાલ જે ફલેટ ધારકો રહે છે તેને મંડળી તરફથી નોટીસો મળતાં દેકારો મચી ગયો છે અને  બિલ્‍ડરે છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.

આ બનાવમાં તાલુકા પોલીસે રાજનગર ચોક રાધાનગર ગલાલ વિહાર સોસાયટી શેરી નં. ૨માં રહેતાં અને કોટડા સાંગાણીના મોટા માંડવા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષીકા તરીકે નોકરી કરતાં હેતલબેન મોહનીશભાઇ ટીલાળા (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી પીડીએમ કોલેજ પાછળ વંદના હેરીટેજ બ્‍લોક નં. બી-૪૦૨માં રહેતાં વિરેન બાબુભાઇ સિંધવ અને તપાસમાં ખુલે તેની સામે છેતરપીંડીનો ગુનો નોંધ્‍યો છે.

હેતલબેને જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહું છું અને શિક્ષીકા તરીકે નોકરી કરુ છું. અમે મવડી રેવન્‍યુ સર્વે નં. ૧૮૧ની જમીનમાં બિલ્‍ડર વિરેન બાબુભાઇ સિંધવે બનાવેલા શિવાય એપાર્ટમેન્‍ટમાં ફલેટ ખરીદ કર્યો હતો. આ એપાર્ટમેન્‍ટમાં કુલ ૩૨ ફલેટ છે. જેમાંથી ફલેટ નં. ૫૦૩ મારો છે. આ ફલેટ અમે એક્‍સીસ બેંકની લોનથી ખરીદ કર્યો હતો. તેમજ મારા દિયર કિશન અશ્વીનભાઇ ટીલાળાને રહેવા માટે આપ્‍યો હતો. આ ફલેટનો વેંચાણ દસ્‍તાવેજ બિલ્‍ડર વિરેન સિંધવે અમને તા. ૨૬/૫/૨૦ના રોજ કરી આપ્‍યો હતો.

દરમિયાન ગત તા. ૧૨/૫/૨૫ના રોજ હું ઘરે હતી ત્‍યારે મારા દિયર કિશનભાઇનો ફોન આવેલો અને વાત કરી હતી કે એક ટપાલ ઘરે આવી છે જેમાં શુક્‍લા એન્‍ડ શુક્‍લા એડવોકેટસના નામે તમારા નામની નોટીસ છે. આ નોટીસ માંડવરાયજી ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી.એ મોકલી છે. આ નોટીસમાં મંડળીમાંથી લેવાયેલી લોનની વિગત છે.

જેમાં માધાપર ચકોડી રાધા રેસીડેન્‍સી એ-૧૩૦૨માં રહેતાં કેવીનભાઇ જીતેન્‍દ્રભાઇ પંડયાએ નોટીસમાં જણાવ્‍યું છે કે વિરેન બાબુભાઇ સિંધવે તેની સ્‍થાવતર મિલ્‍કત શિવાય ફલેટ પર રૂા. ૫૦ લાખની ક્રેડીટ ૧૫ ટકાથી લીધી છે. આ ધિરાણમાં બાબુભાઇ માધાભાઇ સિંધવ અને હેમલભાઇ દીપકભાઇ સોમૈયા જામીન પડયા છે. શિવાય ફલેટ્‍સમાં કુલ ૩૨ ફલેટ છે તેમાં ૧૭ ફલેટનો ધીરાણ સવલતની જામીનગીરીમાં બિલ્‍ડર વિરેન સિંધવે લોન લીધી હોઇ તે ભરપાઇ ન કરતાં મિલ્‍કત વસુલ મેળવવા લવાદ કેસ કરાયો છે. બાકી નીકળતાં રૂા. ૫૩,૭૭,૯૦૬ની રકમ તથા ૧/૫/૨૩થી વસુલ થતાં ૧૫ ટકા વ્‍યાજ અને ૨ ટકા વધારાના વ્‍યાજ સહિત રકમ મેળવવા દાવો કરાયો છે. વ્‍યાજ સહિત આ રકમ ૬૬,૩૫,૨૩૭ થાય છે.

આ નોટીસ મળ્‍યે દિવસ-૧૫માં વ્‍યાજ સહિતની રકમ ભરપાઇ કરવાજણાવાયું હતું. મંડળીએ ફલેટ ખરીદ કરનારને આ રકમ ભરવા નોટીસમાં લખાવ્‍યું હતું. તેમજ જો રકમ ભરપાઇ નહિ થાય તો વસુલાતની કાયદેસરની કાર્યવાહી થશે તેવી નોંધ પણ નોટીસમાં હતી. આમ નોટીસની ઉપરોક્‍ત વિગતો મારા દિયરે મને કરતાં અમે તપાસ કરતાં શિવાય એપાર્ટમેન્‍ટના અન્‍ય ૯ ફલેટ ધારકો પ્રજ્ઞાબેન નિલેષભાઇ ચોૈહાણ, જોશનાબેન રમેશભાઇ ડાંગરીયા, ભારતીબેન દિનકરરાય જોશી, જયેશભાઇ દુલેરાય પંડયા, મંજુલાબેન, ભીખાભાઇ ભંડેરી, કૃષ્‍ણાબેન અનીલભાઇ સાવલીયા, રેખાબેન પ્રશાંતભાઇ ધામેલીયા, અંકિતાબેન ગોૈરવભાઇ રોજાસરા અને ક્રિષ્‍નાબેન પંકજભાઇ મહેરા તથા બીજા ફલેટ ધારકોને પણ આવી નોટીસ આવી હોવાની ખબર પડી હતી.

આથી બધાએ મળી બિલ્‍ડર વિરેન સિંધવને વાત કરતાં તેણે કહેલું કે મેં ૨૦૧૯માં માંડવરાયજી ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટી લિ.માંથી આ બિલ્‍ડીંગની ફાઇલ મુકી રૂા. ૨,૫૦,૦૦,૦૦૦ની લોન લીધી છે. જેમાંથી ૨,૦૦,૦૦,૦૦૦ ભરી દીધા છે અને બાકીના ૫૦,૦૦,૦૦૦ અને તનેું વ્‍યાજ ભરવાનું બાકી છે, પણ હાલ મારી પાસે પૈસા નથી. આમ વિરન સિંધવે ૨૦૧૯માં આ શિવાય એપાર્ર્ટમેન્‍ટ પર અઢી કરોડની લોન લીધી હોવા છતાં ૨૦૨૦માં અલગ અલગ લોકોને ફલેટના વેંચાણ દસ્‍તાવેજ કરી દીધા હતાં અને આ મિલ્‍કત જમીન ઉપર સરકાર, સરકારી કે સહકારી કે બેંકનું, પેઢીનું, નિગમનું, સહકારી મંડળીનું કે અન્‍ય કોઇનું કોઇપણ પ્રકારનું કરજ, બોજો નથી કે કોઇનો ચાર્જ હક્ક નથી એ સહિતના લખાણ સાથે દસ્‍તાવેજ કરી આપ્‍યો હતો.  આ એપાર્ટમેન્‍ટના કુલ પૈકી ૧૭ ફલેટની ફાઇલ મુકી તેણે અઢી કરોડની લોન લઇ લીધી હોઇ તે વાત છુપાવી દસ્‍તાવેજ કરી આપી છેતરપીંડી કરી હોઇ અમે ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં શિક્ષીકા હેતલબેન ટીલાળાએ જણાવતાં તાલુકા પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં એએસઆઇ કે. પી. સાગરે ગુનો નોંધતા તપાસ શરૂ થઇ છે. 

(2:55 PM IST)