News of Wednesday, 17th September 2025
બાલાજી હોલ પાસે લોકોનો ખાડામાં સૂઇને ઉગ્ર વિરોધ
શહેરના ૧પ૦ ફૂટ રીંગ રોડ વિસ્તારમાં રસ્તાઓ ઉપર મસમોટા ખાડાથી સ્થાનીકો ત્રાહિમામ : રોડ બંધ કરી નારાજગી દર્શાવી : કોર્પોરેટરોને વારંવાર રજૂઆત છતા સમારકામ ન થતા વિસાવદરવાળી કરવા રહેવાસીઓની ચિમકી

શહેરના બાલાજી હોલ પાસે આવેલ વિસ્તારના રહેવાસીઓ દ્વારા ખરાબ રોડ રસ્તાને લઇ ચક્કાજામ કરી આક્રોશ વ્યકત કર્યો હતો અને આ સમસ્યા તાકિદે ઉકેલવા માંગ કરી હતી. (તસ્વીરઃ અશોક બગથરીયા) (૯.૩ર)
રાજકોટ,તા.૧૭: શહેરમાં ખાડા અને તુટેલા રોડ રસ્તા મુદ્દે વોર્ડ વાઈઝ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે આજે વોર્ડ નં.૧૧માં ૧પ૦ ફૂટ રીંગ રોડ પાસેના બાલાજી હોલ વિસ્તારમાં ે ખરાબ રોડ-રસ્તાને લઈને રહેવાસીઓએ રોડ ચક્કાજામ કરી રોડ પર સુઇ વિરોધ નોંધાવ્યો હતો. રસ્તો બંધ કરાતા ચક્કાજામ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ શહેરના વોર્ડ નં.૧૧માં બાલાજી હોલની આજુબાજુનાં વિસ્તારોમાં તુટેલા રોડ રસ્તા અને ખાડાઓનું રીપેરીંગ શરૂ ન થતાં સ્થાનિકો વિફર્યા હતાં. આજે સવારથી વિસ્તારવાસીઓએ મુખ્ય માર્ગ ઉપર એકઠા થઈ રોડ ઉપર વાહનોની આડસ કરી ચક્કાજામ કરી દીધું હતું. જેના લીધે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ અને ભારે સમજાવટના અંતે મામલો થાળે પડયો હતો. લોકોએ વિરોધ સાથે ચક્કાજામ કરી ખાડા ઉપર સુઈ તંત્રની કામગીરી અંગે જણાવેલ કે મત માટે ડેલીએ ડેલીએ આવતાં કોર્પોરેટરોને અનેક વખત આ મુદ્દે ફરિયાદ કરી છતાં આજ સુધી કોઈ ડોકાયું નથી. તેવી જ રીતે રોડ રસ્તા અને ખાડા મુદ્દે અધિકારીઓને પણ ફરિયાદ કરવામાં આવી હતી. છેલ્લાઘણા સમયથી ઉઘાડ નીકળ્યો છે છતાં અન્ય રોડ રસ્તાઓની માફક અમારા વિસ્તારમાં કામ કરવામાં કોઈને રસ ન હોય તેવું લાગી રહ્યું છે. ચોમાસુ શરૂ થતાં જ પ્રથમ વરસાદે મોટા ભાગના રોડ રસ્તાઓ તોડી નાખ્યા છે અને આ રોડ ઉપરથી કોર્પોરેટરો તેમજ અધિકારીઓ અવારનવાર નીકળતાં હોય છે છતાં લોકોને સમસ્યાનો આજ સુધી ઉકેલ આવ્યો નથી આથી હવે કોર્પોરેટરની બેદરકારીથી કંટાળી ગયા છીએ અને આગામી ચૂંટણીમાં કંઇક નવું કરવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
તંત્ર દ્વારા બે દિવસ પહેલા જ એકશન પ્લાન અંતર્ગત તમામ રોડ રસ્તાઓ પેવર કરવાની જાહેરાત કરી છે અને સાથોસાથ આખા રાજકોટમાં પેંચવર્ક કામ શરૂ કરવામાં આવ્યું છે તેમ પણ જણાવ્યું છે પરંતુ વોર્ડ ન.૧૧માં આજ સુધી પેચવર્ક કામ શરૂ ન થતાં આજે સ્થાનિકો વિફર્યા હતાં. (૯.૩ર)
(3:07 PM IST)










