તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th September 2025
ગોંડલ રોડ-સહકારનગર-ભકિતનગર સર્કલ વિસ્તારના હજારો લોકો છતે પાણીએ તરસ્યા
પીડીએમ ફાટક પાસે લાઇનમાં ભંગાણ થતા આજે વોર્ડ નં. ૭,૧૪ અને ૧૭નાં અડધા વિસ્તારોમાં ઓચિંતો પાણી કાપ ! ગૃહીણીઓમાં દેકારો

રાજકોટ, તા.,૧૭ : શહેરને પીવાનુ પાણી પુરૂ પાડતા મુખ્ય ત્રણ જળાશયોમાં મોટીમાત્રામાં વરસાદી પાણીનો સંગ્રહ થયો છે અને મનપા દ્વારા રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ગઇકાલે રાત્રે પીડીએમ ફાટક પાસે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ થતા આજે સવારે ૪ વાગ્યાથી ત્રણ વોર્ડમાં થતું પાણી વિતરણ ખોરવાઇ ગયું હતું. વોટર વર્કસ વિભાગે યુધ્ધના ધોરણે રીપેરીંગ કામ શરૂ કર્યુ છે.
મનપાના સતાવાર સુત્રોમાંથી મળતી માહીતી મુજબ શહેરના ગુરૂકુળ વોટર વર્કસ ખાતેથી વોર્ડ નં.૭ , ૧૪ અને ૧૭માં પાણી વિતરણ કરવામાં આવે છે. સવારે ૪ વાગ્યાથી રાત્રી સુધી ત્રણેય વોર્ડમાં ગુરુકુળ ખાતેથી વિતરણ થઇ રહ્યુ છે. જેમાં ગઇકાલે રાત્રીના સમયે પીડીએમ ફાટકની બાજુમાં લાઇન લીકેજ થતા પાણીનો વ્યવ થઇ રહ્યો હોવાની ફરિયાદ આવતાસંબંધીત વિભાગના અધિકારી તુરંત ઘટના સ્થળે પહોંચ્યો હતો. જેસીબી મશીનથી લિકેજના સ્થળે ખોદકામ કરતા પાઇપમાં મોટુ ભંગાણ થયાનું જોવા મળેલ જેના લીધે પ્રથમ ત્રણેય વોર્ડમાં પાણી વિતરણ અટકાવી ગુરુકુળ ખાતે પાણીના ટાંકાનો મુખ્ય વાલ્વ બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રીપેરીંગ શરૂ કરવામાં આવ્યું છે. હાલ બપોરે ૧ વાગ્યે રીપેરીંગ કામ ચાલુ હોય સાંજ સુધીમાં પુરુ થવાની સંભાવના જોવાઇ રહી છે. આથી સાંજના સમયે વોર્ડ નં.૭,૧૪ અને ૧૭ના જે વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવે છે. ત્યા પાણી વિતરણ શરૂ કરાશે. પરંતુ લાઇનુ ભંગાણ જોતા સાંજના સમયનો પાણી વિતરણનો સમય વિતી જવા છતાં રીપેરીંગ ન થતા આજે વોર્ડ નં. ૭, ૧૪ અને ૧૭માં ઓચિંતો પાણી કાપ લાગતા દેકારો મચી જવા પામ્યો હતો.
વિજ થાંભલો બન્યો વિલન
ઢેબર રોડ ઉપર આવેલ ગુરુકુળ વોટર વર્કસની વોર્ડ નં૭, ૧૪ અને ૧૭માં જતી મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા આજે ત્રણ વોર્ડ તરસ્યા રહ્યા હતા. વોટર વર્કસ વિભાગ દ્વારા લાઇન રીપેરીંગની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. પરંતુ ખોદકામ દરમિયાન પીજીવીસીએલનો વીજ પોલ વચ્ચે આવતા આ પોલ દૂર કરવાની જરૂરીયાત ઉભી થતા પીજીવીસીએલને આ મુદ્દે સૂચના આપવામાં આવી હતી. ત્યા સુધી રીપેરીંગનું કામ બંધ કરવામાં આવેલ પીવાના પાણીનો મુદ્દો હોવાથી પીજીવીસીએલની ટીમ દ્વારા પણ થાંભલો દૂર કરવાની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હતી. છતા આજે ત્રણ વોર્ડમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ હતી. જેના માટે વિજ થાંભલો વિલન બન્યો હતો. (૪.૧૪)
(3:08 PM IST)










