તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th September 2025
ખોખડદડ નદીના પૂલથી વેલનાથ જડેશ્વર જવાનો રસ્તો ર૦ વર્ષથી ગાડા માર્ગઃ રપ હજાર લોકો અવરજવર કરે છે
કોર્પોરેશન કહે છે આ જગ્યા કલેકટર હસ્તક છેઃ કલેકટર જગ્યા આપે તો રસ્તો બની શકે... વોર્ડ નં. ૧પના કોર્પોરેટર કલેકટર પાસે દોડી આવ્યાઃ અનેક વખત રજૂઆતો કરાયાનું જણાવ્યું

રાજકોટ તા. ૧૭: રાજકોટના વોર્ડ નં. ૧પના કોર્પોરેટર કોમલબેન ભારાઇ તથા અન્યોએ કલેકટરને આવેદન પાઠવી ખોખડદડ નદીના પુલથી વેલનાથ જડેશ્વર જવાના પુલ સુધીનો જે રસ્તો વોર્ડ નંબર ૧પ અને વોર્ડ નંબર ૧૮ ને જોડતો કાચો માર્ગ છે એ બનાવી આપવા માંગણી કરી હતી.
આવેદનમાં જણાવેલ કે, વોર્ડ નંબર ૧પ માં આવેલ ખોખડદડ નદીના પુલથી વોર્ડ નંબર ૧૮ માં વેલનાથ જડેશ્વર જવાનો રસ્તો હાલ કાચો ગાડા માર્ગ છેલ્લા ર૦ વર્ષથી છે આ રસ્તા ઉપર રોજના અંદાજે ર૦ થી રપ૦૦૦ લોકો કાયમી અવરજવર કરતા હોય તો વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ રસ્તો બનાવી આપવો.
રાજકોટ મહાનગરપાલિકા અને કલેકટરશ્રીને આ રસ્તા બાબતે અનેક વખત લોકોએ રૂબરૂ આવીને રજૂઆત કરેલી છે પણ આજ સુધી આ રસ્તો બનેલ નથી. ખોખડદડ નદીના પુલથી વેલનાથ જડેશ્વર જવાનો જે કાચો માર્ગ છે આ બાબતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એવો પણ જવાબ આપવામાં આવેલ છે કે આ જગ્યા રાજકોટ કલેકટર હસ્તક હોય માટે રાજકોટ કલેકટર તંત્ર મહાનગરપાલિકાને આપેલ તો મહાનગરપાલિકા અહીં રસ્તો બનાવી શકે.
આ રસ્તા બાબતે વોર્ડ નંબર ૧પના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારા દ્વારા અને મારા સાથી કોર્પોરેટરો દ્વારા અનેક વખત રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અને રાજકોટના કલેકટરને લેખિતમાં રજુઆત કરેલી છે પણ આજ સુધી રસ્તો બનેલ નથી, કલેકટર પોતે આ વિસતારની મુલાકાત લ્યે ખરેખર ખબર પડે.
(3:12 PM IST)










