તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૫ રવિવાર
News of Thursday, 18th September 2025
કોરાટ ચોકમાં કન્ટેનર ગોથુ ખાઇ જતાં પાછળ રાખેલી મશીનરી વચ્ચે દબાતાં બે યુવાનના મોત
બેને ઇજાઃ આડા દારનું કામ કરી પડધરીના હડમતીયાથી પરત ગોંડલ જતી વખતે બનાવઃ કન્ટેનર ચાલક ઉર્વિશ રૂદાતલા વિરૂધ્ધ મૃતક એમપીના સુરેન્દર અને અજયના મામા દિલીપભાઇની ફરિયાદ પરથી શાપર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૮: નવા દોઢસો રીંગ રોડથી ગોંડલ તરફ જઇ રહેલુ કન્ટેનર કોરાટ ચોક નજીક નાયરાના પંપ પાસે પલ્ટી મારી રોડ નીચે ખેતરમાં ગોથું ખાઇ જતાં ચાલક અને આગળ બેઠેલા બીજા બે યુવાનનો બચાવ થયો હતો. જ્યારે પાછળ બેઠેલા બે પ્રોૈઢને ઇજા થઇ હતી. જ્યારે બે યુવાનના આ કન્ટેનર અંદર ભરેલી આડા દાર કરવાની મશીનરી વચ્ચે દબાઇ જવાને કારણે ગંભીર ઇજાઓ થતાં મોત થયા હતાં. આ બંને મધ્યપ્રદેશના વતની હતાં અને હાલ ગોંડલ રહી મજૂરી કરતાં હતાં.
આ બનાવમાં શાપર પોલીસે ગોંડલ સ્વામી નારાયણ ગુરૂકુળ પાસે રહેતાં મુળ મધ્યપ્રદેશ વ્યાલીયરના ચરાઇ ગામના દિલીપ મુનાભાઇ આદીવાસી (ઉ.વ.૨૧)ની ફરિયાદ પરથી ટાટા કન્ટેનર જીજે૦૩બીઝેડ-૭૦૮૮ના ચાલક ઉર્વિશ સંજયભાઇ રૂદાતલા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
દિલીપે જણાવ્યું છે કે હાલ હું ગોંડલ રમી મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવુ છું. અમે પરિવારમાં ત્રણ ભાઇઓ અને ત્રણ બહેનો છીએ. જેમાં એક બહેન સોમવતી, તેના પછી ભાઇ રામખિલાડી, તેનાથી નાની બહેન સરસ્વતિ અને રીના તથા પંકજ બાદ સોૈથી નાનો હું છું. અમે પડધરીના હડમતીયા ગામે રેલ્વે સ્ટેશન પાસે ટાટા કન્ટેનર જીજે૦૩બીઝેડ-૮૮૭૦માં આડા દાર કરવાની મજૂરી કરવા મશીનરી ભરીને ગયા હતાં. ત્યાંથી કામ પુરૂ કરી પરત ગોંડલ જવા આ કન્ટેનરમાં મશીનરી ભરી રવાના થયા હતાં. આ વખતે કન્ટેનરનું ડ્રાઇવીંગ ઉર્વિશ રૂદાતલા કરતો હતો. હું તથા સાહિલભાઇ આગળની કેબીનમાં બેઠા હતાં.જ્યારે મારા પિતા મુનાભાઇ, મારા મામા પપ્પુભાઇ, ભાણેજ સુરેન્દર અને અજય એ ચારેય પાછળ કન્ટેનરની અંદર મશીનરી સાથે બેઠા હતાં. અમારે ગોડ઼લ જવું હોઇ જેથી નવા રીંગ રોડ પરથી રવાના થયા હતાં. આ દરમિયાન સાંજે કોરટા ચોક પહેલા નાયરાના પંપ પાસે પહોંચ્યા ત્યારે કન્ટેનર પલ્ટી મારી જતાં અને નીચે ખેતરમાં પડતાં હું અને ડ્રાઇવર ઉર્વિશ તથા સાહિલ આગળ કેબીનમાં હોઇ હેમખેમ બહાર નીકળી ગયા હતાં. જ્યારે મારા પિતા મુનાભાઇને પગ, વાંસામાં ઇજા થઇ હતી. પપ્પુને પણ પગમાં ઇજા થઇ હોઇ ૧૦૮ બોલાવાઇ હતી. જેમાં મારા પિતા મુનાભાઇ, મામા પપ્પુભાઇને હું સારવાર માટે લઇ ગયો હતો.ઘટના સ્થળે સાહિલ અને ઉર્વિશ રોકાયા હતાં. સિવિલ હોસ્પિટલે મારા મામાના પગના એક્સરે થતાં તેને વધુ ઇજા હોવાનું જણાવાયું હતું. મારા પિતાને પગમાં ટાંકા લેવા પડયા હતાં. બાદમાં મને જાણવા મળ્યું હતું કે મારા ભાણેજ સુરેન્દર વિજયભાઇ આદીવાસી (ઉ.વ.૧૯) અને અજય આદીવાસી (ઉ.વ.૨૯) બંનેને કન્ટેનરમાં ભરેલી મશીનરી સાથે દબાઇ જવાને કારણે ગંભીર ઇજાઓ થઇ છે. આ બંનેને ફાયર બ્રિગેડ સ્ટાફે તથા બીજા લોકોએ ક્રેઇન કટરની મદદથી બહાર કાઢી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં.
સુરેન્દ્રનો છાતી અને ગળાનો ભાગ દબાઇ ગયો હતો અને અજયને કપાળે જમણી સાઇડગંભીર ઇજા થઇ હતી. અહિ ઇમર્જન્સી વિભાગમાં ડોક્ટરે બંનેને મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમ કરાવવા કહ્યું હતું. કેન્ટનરના ચાલક ઉર્વિશે પુરઝડપે કન્ટેનર હંકારી પલ્ટી ખવડાવતાં મારા બે ભાણેજના મોત થયા હતાં અને મારા પિતા, મામાને ઇજા થઇ હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ હુદડ, ધર્મેન્દ્રભાઇ ચાવડાએ જાણ કરતાં શાપર એએસઆઇ એમ. એમ. ડાભીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (૧૪.૫)
(3:10 PM IST)










