News of Thursday, 18th September 2025
ફરવા જવા પાંચ દિવસ માટે જોઇએ છે કહી મિત્ર ૧૦ લાખની કાર લઇ ગયો પછી પાછી જ ન આપી
મોરબી રોડ સ્વસ્તિક વિલામાં રહેતાં ટ્રાવેલ્સ સંચાલક રવિ ગોરીયાની જય જવાન જય કિસાનમાં રહેતાં મિત્ર રાજુ બાંભવા વિરૂધ્ધ બી-ડિવીઝનમાં ફરિયાદઃ કાર બારોબાર વેંચી નાંખી

રાજકોટ તા. ૧૮: શહેરમાં વધુ એક વખત મિત્રતાના દાવે ફરવા જવા માટે આપેલી કાર મિત્રએ પાછી જ ન આપી બારોબાર વેંચી નાંખ્યાનો બનાવ બન્યો છે. મોરબી રોડ પર રહી ટ્રાવેલ્સનું કામ કરતાં યુવાનની ૧૦ લાખની બલેનો કાર મોરબી રોડ જકાતનાકા નજીક રહેતો તેનો મિત્ર પાંચ દિવસ ફરવા જવું છે તેમ કહીને લઇ ગયા બાદ હવે પાછી આપતો ન હોઇ પોલીસને જાણ કરવામાં આવી છે.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે મોરબી રોડ સેટેલાઇટ ચોક સ્વસ્તિક વિલા સોસાયટી-૨માં રહેતાં રવિભાઇ રાજુભાઇ ગોરીયા (ઉ.વ.૨૬) નામના યુવાનની ફરિયાદ પરથી તેના જ જુના મિત્ર મોરબી રોડ રોડ જય જવાન જય કિસાન સોસાયટીમાં ઠાકર ચોક પાસે રહેતાં રાજુ ભીમભાઇ બાંભવા વિરૂધ્ધ ઠગાઇનો ગુનો નોંધ્યો છે.
રવિભાઇ ગોરીયાએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહું છું અને ટ્રાવેલ્સનું કામ કરુ છું. મારી પાસે ૧૦ લાખની કિંમતની મારૂતિ બલેનો કાર જીજે૦૮ડીપી-૮૮૮૨ નંબરની છએક મહિનાથી હતી. આ કાર મેં મારા મિત્ર હાલ રણછોડનગર સોસાયટી-૨ બાલક હનુમાન મંદિર પાસે રંગાણી હોસ્પિટલ નજીક રહેતાં મુળ બનાસકાંઠાના ડીસાની ગેલેક્સી સોસાયટી અજાપુરા ગ્રાન્ટ રોડ પર રહેતાં દિપ જયેશભાઇ ઠક્કરના નામે લીધી હતી. તા. ૯/૯/૨૫ના બપોરે બે વાગ્યા આસપાસ મારા જુના મિત્ર અને અગાઉ રાજકોટ-અમદાવાદ પાટે ફેરા કરવાનો ધંધો કરતાં મોરબી રોડ જય જવાન જય કિસાન સોસાયટીમાં ઠાકર ચોક પાસે રહેતાં રાજુ ભીમભાઇ બાંભવાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે મારે તમારી ગાડી પાંચ દિવસ પુરતી જોઇએ, મારે બહાર ફરવા માટે જવું છે.
જેથી મેં રાજુ મારો જુનો મિત્ર હોઇ વિશ્વાસ રાખી ગાડી આપવાની હા પાડી હતી. બાદ રાતે આઠેક વાગ્યે ફરીથી તેનો ફોન આવેલો અને કહ્યુ઼ હતું કે હું મોરબી રોડ જકાતનાકે ઉભો છું તું ગાડી આપી જા. આથી હું આ કાર તેને આપી આવ્યો હતો. આ પછી પાંચ દિવસ પુરા થતાં મેં મિત્ર રાજુ બાંભવાને ફોન કરતાં તેણે કહેલું કે હજી મારે બે દિવસની વાર લાગશે. જો કે બે દિવસ પછી પણ મને કાર ન આપતાં ફરીથી મેં તેને ફોન કરતાં બહાના બતાવતાં શંકા ઉપજી હતી. આથી મેં તપાસ કરતાં ખબર પડી હતી કે રાજુએ મારી આ કાર અન્ય કોઇને વેંચી નાંખી છે. હું વારંવાર રાજુ પાસે મારી કાર માંગતો હોવા છતાં તે યોગ્ય જવાબ આપતો ન હોઇ અંતે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં રવિભાઇ ગોરીયાએ કહેતાં બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં એએસઆઇ કે. વી. ગોહિલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(4:19 PM IST)










